Select Page

ગંજબજાર બ્રીજ નીચે અંડર પાસનુ નહી વિચારાય તો નૂતન હાઈસ્કુલના અસંખ્ય વિદ્યાર્થીઓને વધારે ફરવુ પડશે

ગંજબજાર બ્રીજ નીચે અંડર પાસનુ નહી વિચારાય તો નૂતન હાઈસ્કુલના અસંખ્ય વિદ્યાર્થીઓને વધારે ફરવુ પડશે

ગંજબજાર બ્રીજ નીચે અંડર પાસનુ નહી વિચારાય તો
નૂતન હાઈસ્કુલના અસંખ્ય વિદ્યાર્થીઓને વધારે ફરવુ પડશે
(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ગંજબજાર રેલ્વે ઓવરબ્રીજ આ વિસ્તારના વેપારીઓને નુકશાન કરતા રહેશે તો સાથે સાથે નૂતન હાઈસ્કુલના અસંખ્ય વિદ્યાર્થીઓને વધારાનો ઢાળ ચઢી ફરીને અવરજવર કરવી પડશે. રેલ્વે બ્રીજ નીચે અંડરપાસ બનાવાય તો વેપારીઓ અને વિદ્યાર્થીઓ સૌને અનુકુળતા રહેશે.
સાંસદ શારદાબેન પટેલ બ્રીજના કારણે ઉભી થતી મુશ્કેલી પ્રત્યે ધ્યાન આપી અંડરપાસ માટે કેન્દ્ર સરકારમાં રજુઆત કરવી જોઈએ
વિસનગરમાં ગંજબજાર રેલ્વે ફાટક ઓવરબ્રીજની કામગીરી શરૂ થતાજ આ વિસ્તારના વેપારીઓ અને નૂતન હાઈસ્કુલમાં અભ્યાસ કરતા અસંખ્ય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી સર્જાશે. રેલ્વે બ્રીજની નીચે સર્વિસ રોડ બનશે પરંતુ આ સર્વિસ રોડ રેલ્વે ટ્રેકથી થોડે દુર બંધ થઈ જશે. જવાહર સોસાયટી તરફથી નૂતન હાઈસ્કુલ તરફ અવરજવર કરવી હોય તો ફરજીયાત ઓવરબ્રીજનો ઉપયોગ કરવો પડશે. ફાટકની બાજુમાં નૂતન હાઈસ્કુલ આવેલી છે. જેમાં કોલેજો પણ ચાલે છે. કોલેજમાં આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ ટુ વ્હીલર લઈને આવતા હોય છે. પરંતુ સ્કુલમાં આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ સાયકલ લઈને આવતા હોય છે. નૂતન હાઈસ્કુલમાં કાંસા તરફથી આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. સાયકલ લઈને આવતા આ તમામ વિદ્યાર્થીઓને જવાહર સોસાયટી તરફથી બ્રીજ ચઢી મારવાડી વાસ તરફ ઉતરી નૂતન હાઈસ્કુલ તરફ પરત આવવુ પડશે. તેવીજ રીતે સ્કુલ છુટતા મારવાડી વાસ તરફથી બ્રીજનો ઢાળ ચઢી જવાહર તરફ નીકળવુ પડશે. ઓવરબ્રીજના કારણે સાયકલ લઈને સ્કુલમાં આવતા અસંખ્ય વિદ્યાર્થીઓને પરેશાની સહન કરવી પડશે. જે માટે વાલીઓએ પણ જાગૃત થવાની જરૂર છે.
બન્ને બાજુનો સર્વિસ રોડ રેલ્વે ટ્રેક આગળ પુરો થતો હોવાના કારણે આ વિસ્તારના વેપારીઓ પણ ચીંતીત બન્યા છે. જી.ડી.રોડ કે ડી.ડી.કન્યા વિદ્યાલય રોડ તરફથી કોઈને ગંજબજાર વિસ્તારની કોઈ દુકાને જવુ હોય તો ફરજીયાત બ્રીજ જ્યાં પુરો થાય છે તે જવાહર સોસાયટી બાજુથી ઉતરી પરત ગંજબજાર તરફ આવવુ પડશે. તેવી જ રીતે જવાહર સોસાયટી તરફથી આવનારને જી.ડી.રોડ કે ડી.ડી.કન્યા વિદ્યાલય રોડ તરફ જવુ હશે તો મારવાડી વાસ આગળ ઉતરી પરત ફરવુ પડશે. ઓવરબ્રીજના કારણે બ્રીજની આસપાસના વિસ્તારના વેપારીઓ અને નૂતન હાઈસ્કુલના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે તે નિર્વિવાદ વાત છે.
આ મુશ્કેલી દૂર કરવા માટે એકજ ઉપાય છે. મહેસાણા રામોસણા ચાર રસ્તા રેલ્વે ઓવરબ્રીજ બન્યો ત્યારે માનવ આશ્રમ ચાર રસ્તાથી સોમનાથ રોડ થઈ બ્રીજ ઉપર થઈ દુધસાગર ડેરી તરફ જનાર વાહનચાલકોને ફરજીયાત ફરીને જવુ પડતુ હતુ. તેવીજ રીતે દુધસાગર ડેરી તરફથી માનવ આશ્રમ ચાર રસ્તા આવવુ હોય તો આખો બ્રીજ ઉતરીને પરત આવવુ પડતુ હતુ. જે મુશ્કેલીના ઉકેલ રૂપે બ્રીજની બન્ને બાજુ અંડરબ્રીજ બનાવવામાં આવ્યો. વિસનગર ગંજબજાર ફાટકનો વિસ્તાર પહોળો છે. વર્ષો પહેલા ફાટક નીચે અંડરબ્રીજ હતો. જ્યાંથી રીક્ષા, સાયકલ તથા સ્કુટર લઈ અવરજવર કરી શકાતી હતી. પાલિકાએ બન્ને તરફ કેનાલ બનાવતા આ અંડરબ્રીજ પાસમાં કચરો ભરાતો ગયો અને બંધ થઈ ગયો. ગંજબજાર ફાટક ઉપરના ઓવરબ્રીજની નીચે અવરજવર માટે એક અંડરપાસ બનાવવામાં આવે તો આ વિસ્તારના વેપારીઓ અને નૂતન હાઈસ્કુલના અસંખ્ય વિદ્યાર્થીઓ માટે સાનુકુળતા રહે, વિસનગરની રેલ્વેની સમસ્યા માટે સાંસદ શારદાબેન પટેલે ધ્યાન આપી કેન્દ્ર સરકાર હસ્તકના રેલ્વે વિભાગમાં ગંજબજાર ફાટક નીચે નાના અંડરપાસ માટે રજુઆત કરવી જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us