વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષાની મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી કલેક્ટર સમક્ષ રજુઆતઝેર પિરસનાર સામે કડક કાર્યવાહી કરો
વિસનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના જાણીતી ખાણીપીણીની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટમાં ઓચીંતી તપાસ કરતા ડુપ્લીકેટ બટર, વાસી ખોરાક જેવુ ઝેર પિરસાતુ હોવાનુ પકડાયુ હતુ. ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. ત્યારે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલે લોકો કેન્સરનો ભોગ બને તેવુ ઝેર પિરસતા ખાણીપીણીના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી જેલ ભેગા કરવા મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, કલેક્ટર તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રજુઆત કરી છે.
સ્વાદના શોખીન લોકો પરિવાર સાથે બ્રાન્ડેડ ખાણીપીણીની દુકાનોમાં જાય છે. ત્યારે સ્વાદના શોખીન લોકો એ વાતથી અજાણ હોય છેકે પુરેપુરી કિંમત ચુકવવા છતા ખાણીપીણીના વેપારીઓ નફાખોરી માટે કેન્સર થાય એવુ ઝેર પિરસી રહ્યા છે. આ બાબતે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ, ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર, જીલ્લા કલેક્ટર તથા જીલ્લા ફૂડ વિભાગને લેખીત રજુઆત કરી છેકે, વિસનગરમાં ફૂડ ડીપાર્ટમેન્ટને સાથે રાખી નામચીન બ્રાન્ડેડ હોટલો, રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડની દુકાનોમાં તા.૫-૮-૨૦૨૩ ના રોજ તપાસ કરતા ચોકાવનારી વિગતો નજર સામે આવી છે. નફાખોરીની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાર કરવામાં આવી રહ્યો છે. હોટલ રેસ્ટોરન્ટમાં બટરની જગ્યાએ પ્રિમિયમ ફેટ સ્પ્રેડર પિરસવામાં આવે છે. ફેટ સ્પ્રેડર આપી આવી હોટલ રેસ્ટોરન્ટના માલિકો સ્વાદના શોખીનોને કેન્સરના રોગ તરફ ધકેલી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં તથા મહેસાણા જીલ્લામાં મોટાભાગના ખાણીપીણીનો વેપાર કરતા વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. લોકોને ધીમુ ઝેર પિરસતા વેપારીઓ સામે તાત્કાલીક તપાસ કરી જેલ ભેગા કરીને વધુ લોકોની જીંદગી બચાવવા અનુરોધ છે. પનીર પણ હલકી ગુણવત્તાનુ જોવા મળે છે. દુધમાંથી નહી પરંતુ અન્ય કેમિકલ અને વસ્તુઓમાંથી બનાવેલ નકલી પનીર આપતા લોકો આતરડા અને પેટના કેન્સરનો ભોગ બની રહ્યા છે. શ્રાવણ માસના અને દિવાળીના તહેવારોમાં પણ પશુઓની ચરબીમાંથી બનતુ નકલી ઘી માંથી બનાવેલી મીઠાઈઓ વેચવામાં આવે છે. જેના કારણે પણ લોકો કેન્સર જેવી બીમારીનો ભોગ બની રહ્યા છે.
ગ્રાહક સુરક્ષાના પ્રમુખ ભરતભાઈ પટેલે એ પણ જણાવ્યુ છેકે લોકો પુરા પૈસા આપે છે તો વેપારીઓએ શુધ્ધ વસ્તુઓ આપવી જોઈએ. મેનુ કાર્ડમાં બટર લખ્યુ હોય તો બટરજ આપવુ પડશે. વેજીટેબલ ફેટ કે માઈગ્રેન હશે તો તપાસમાં પકડાશે તો કોઈને છોડવામાં આવશે નહી. મેનુકાર્ડમાં દરેક આઈટમ આગળ ફરજીયાત વજન લખવુ પડશે. ગ્રાહક પુરેપુરા પૈસા આપે છેતો પુરેપુરૂ વસ્તુ લેવાનો પણ હક્ક છે. લારી અને ખુમચામાં વેપાર કરતા નાના વેપારીઓને પણ આ નિયમ લાગુ પડે છે. ફૂડ એન્ડ ડ્રગ્સના નિયમો પ્રમાણે હોટલ, રેસ્ટોરન્ટ કે ફાસ્ટફૂડની દુકાનના રસોડામાં પ્રવેશી તપાસ કરવાનો દરેક ગ્રાહકને હક્ક છે. રસોડામાં ગંદકીના ફોટા અપલોડ થશે તો ગ્રાહક સુરક્ષા મંડળ કાર્યવાહી કરશે. કાયદા પ્રમાણે વેઈટ અને સ્ટાફે એપ્રન, કેપ અને ગ્લોઝ પહેરવા ફરજીયાત છે. સ્ટાફના ત્રણ મહિનાનો મેડિકલ રીપોર્ટ હોવો જરૂરી છે. તપાસમાં કાયદાનુ પાલન થતુ જણાશે નહી તો હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.