Select Page

ઉત્તમભાઈ પટેલના શીરે પાલિકા પ્રમુખની જવાબદારી

ઉત્તમભાઈ પટેલના શીરે પાલિકા પ્રમુખની જવાબદારી

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે પોતાના સમાજના અને વોર્ડના કોર્પોરેટરને તક આપી

  • ઉપપ્રમુખ પદે વિષ્ણુજી ઠાકોર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે પીનાબેન શાહ અને પક્ષના નેતા તરીકે જયેશભાઈ પંડ્યાની પસંદગી

વિસનગર પાલિકાના પ્રમુખ કોણ તેની અટકળો છેલ્લા એક માસથી ચાલતી હતી. ત્યારે જીલ્લા સંગઠનમાંથી આવેલા હોદ્દેદારે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખનો મેન્ડેટ જાહેર કરતાની સાથેજ દાવેદારોએ કોથળામાંથી બીલાડુ નિકળ્યુનો અહેસાસ કર્યો હતો. પ્રમુખ પદે ઉત્તમભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે વિષ્ણુજી ઠાકોરની જાહેરાત કરવામાં આવતા ગૃહમાં હાજર ભાજપના તમામ સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુકને આવકારી હતી. ન ગમતા લોકોને પાલિકામાં ઘુસવા નહી દેવાના એવી તુમાખી દાખવનાર પ્રમુખના પ્રબળ દાવેદાર વિજયભાઈ પટેલ જાહેરાત બાદ પ્રમુખની ચેમ્બરમાં આવવાની જગ્યાએ પાલિકાની સીડીઓ ઉતરી ગયા હતા. તળ કડવા પાટીદાર સમાજના કેટલાક સભ્યો પણ પ્રમુખની જાહેરાત બાદ અદ્રશ્ય થઈ ગયા હતા. કેટલાક સભ્યોએ નવા નિમાયેલ પ્રમુખ ઉપપ્રમુખને ફુલહાર પહેરાવી પેંડાથી મોં મીઠુ કરાવી શુભેચ્છા પાઠવી હતી.
વિસનગર પાલિકા પ્રમુખની ચુંટણીને લઈ છેલ્લા એક માસથી હવે પ્રમુખ કોણ તેની ચર્ચાઓ થતી હતી. ખેરાલુ પ્રાન્ત ઓફીસર અને ચુંટણી અધિકારી દક્ષેશ મકવાણાની ઉપસ્થિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જીલ્લા ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલ, શહેર પ્રભારી મુકેશભાઈ મહેતા અને શહેર પ્રમુખ મનિષભાઈ ગળીયા પ્રમુખ ઉપપ્રમુખનુ મેન્ડેટ લઈને આવતા કોનુ નામ જાહેર થાય છે તેની સભ્યોમાં આતુરતા જોવા મળી હતી. જીલ્લા ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલે ચુંટણી પ્રક્રિયા પહેલા પ્રમુખ પદે વોર્ડ નં.૧ના સભ્ય ઉત્તમભાઈ રમણલાલ પટેલ અને ઉપપ્રમુખ પદે વોર્ડ નં.૪ના સભ્ય વિષ્ણુજી લવજીજી ઠાકોરના મેન્ડેટની જાહેરાત કરતાજ તમામ સભ્યોએ ભારત માતા કી જય બોલી પાર્ટીના નિર્ણયને વધાવી લીધો હતો. ત્યારબાદ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે વોર્ડ નં.૫ ના સભ્ય પૂર્ણિમાબેન(પીનાબેન) સુનીલભાઈ શાહ અને શાસક પક્ષના નેતા પદે વોર્ડ નં.૩ ના સભ્ય જયેશભાઈ બબલરામ પંડ્યાની જાહેરાત કરી હતી. મેન્ડેટની જાહેરાત બાદ ચુંટણી અધિકારીએ પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મ ભરાવ્યા હતા. કોંગ્રેસમાંથી કોઈ ફોર્મ નહી ભરાતા બન્ને હોદ્દેદારોને બીનહરિફ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને પક્ષના નેતાની જાહેરાત બાદ હાજર તમામ સભ્યોએ નવનિયુક્ત હોદ્દેદારોને ફુલહાર પહેરાવી પેંડાથી મોં મીઠુ કરાવી શુભેચ્છા પાઠવી હતી. ચુંટણી બાદ જાહેર કરાયેલા હોદ્દેદારો તથા સભ્યો પ્રમુખની ચેમ્બરમાં ગયા હતા. જ્યાં ફરીથી સભ્યોએ ચુંટાયેલા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી ભાજપના નિર્ણયને વધાવ્યો હતો.

  • મેન્ડેટની જાહેરાતને આવકારવા શહેર પ્રમુખની સુચનાજીલ્લા ભાજપ મહામંત્રી તથા શહેર પ્રભારી મેન્ડેટ લઈને આવ્યા બાદ પ્રમુખની ઓફીસમાં એકઠા થયેલા સભ્યોને શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયાએ જેની પણ જાહેરાત થાય તેને વાદ વિવાદ વગર આવકારવા સુચના આપી હતી.
  • પ્રમુખ વર્ષાબેન પટેલે સહકાર બદલ આભાર માન્યોપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલે અઢી વર્ષ સહકાર આપવા બદલ તમામ સભ્યોનો આભાર માન્યો હતો. વહિવટ દરમ્યાન કંઈ બોલવાનુ થયુ હોય કે મનદુઃખ થયુ હોય તો ભુલચુક માફ કરવા જણાવ્યુ હતુ. આવનાર પ્રમુખને ખભેખભો મિલાવી સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી
  • પત્રકારોને ગૃહમાંથી બહાર નિકળવાનુ કહેતા હોબાળો થયોચુંટણી અધિકારી દક્ષેશ મકવાણાએ ચુંટણી પ્રક્રિયા શરૂ કરતા પહેલા પત્રકારોને ગૃહમાંથી બહાર નિકળવાનુ કહેતા હોબાળો થયો હતો. પાલિકાના અત્યાર સુધીના પ્રમુખની ચુંટણીમાં કોઈ અધિકારીએ આવુ ફરમાન નહી કર્યુ હોવાની પત્રકારોએ રજુઆત કરી હતી. વિરોધપક્ષના નેતા શામળભાઈ રબારીએ વર્ષોથી પ્રમુખની ચુંટણીમાં પત્રકારોની હાજરી રહી છે અને લોકશાહીના ચોથા સ્થંભ ગણાતા પત્રકારોને ગૃહમાંથી બહાર નિકળવાના ચુંટણી અધિકારીના ફરમાનનો વિરોધ કર્યો હતો. ત્યારે ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે પણ પત્રકારોની હાજરીથી કોઈ વાંધો નહી હોવાનુ જણાવ્યુ હતુ. છેવટે ચુંટણી અધિકારીએ નમતુ જોખી સંમતી આપી હતી.
  • વિરોધ પક્ષના નેતાની લાગણી પાલિકાના વિકાસમાં સહકાર રહેશેપ્રમુખ ઉપપ્રમુખની ચુંટણીમાં પાલિકા વિરોધ પક્ષના નેતા શામળભાઈ રબારીએ ગૃહમાં જણાવ્યુ હતું કે, અમારા તરફથી કોઈ ઉમેદવારી કરવાના નથી. શહેરના વિકાસમાં કોંગ્રેસનો સહયોગ રહેશે તેમ જણાવી પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન આપ્યા હતા.
  • અઢી વર્ષથી હસ્યા નથી હવે તો હસોમેન્ડેટની જાહેરાત બાદ ચુંટણી પ્રક્રિયા દરમ્યાન ઉપપ્રમુખ રૂણલભાઈ પટેલે પિનાબેન શાહની સ્ટેન્ડીંગ કમિટીમાં વરણીને આવકારી જણાવ્યુ હતું કે અઢી વર્ષથી હસ્યા નથી, મહત્વનો હોદ્દો મળ્યો છે હવે તો હસો.
  • બાંધકામ અને ટીપીના ચેરમેન નિકળી ગયાપાલિકા સભાખંડમાં ચુંટણી પ્રક્રિયા બાદ નવનિયુક્ત હોદ્દેદારો પ્રમુખની ઓફીસમાં ગયા હતા. ત્યારે પ્રમુખની દાવેદારીમાં સેન્સ આપનાર બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલ તથા ટી.પી.ચેરમેન જે.ડી.પટેલ જાણે ભાજપના નિર્ણયથી નારાજ થયા હોય તેમ પ્રમુખની ચેમ્બરમાં આવવાનુ ટાળી નિકળી ગયા હતા.
  • ભાજપની સેન્સ પ્રક્રિયા એક નાટકમોટાભાગના બનાવમાં ચુંટણીમાં ભાજપ દ્વારા જે સેન્સ લેવાય છે તે પ્રમાણે થતુ નથી. સેન્સ પ્રક્રિયા ફક્ત એક નાટક છે જે વિસનગર પાલિકા ઉપપ્રમુખની ચુંટણીમાં સાબીત થયુ છે. પ્રમુખ માટે ૪ પાટીદાર સભ્યો તથા ૬ ઈતર સમાજના સભ્યોએ સેન્સ આપી હતી. જેમાંથી કોઈનુ મેન્ડેટમાં નામ ખુલ્યુ નહોતુ. અને જેમને પ્રમુખ અને ઉપપ્રમુખમાં સેન્સ આપી નહોતી તેવા ઉત્તમભાઈ પટેલ અને વિષ્ણુજી ઠાકોરના નામનો મેન્ડેટ આવતા ભાજપની સેન્સ પ્રક્રિયાના નાટક સામે ગણગણાટ જોવા મળ્યો હતો.
  • મંત્રી ઋષિભાઈ પટેલે પોતાના સમાજના અને વોર્ડના સભ્યને તક આપીમંત્રી ઋષિભાઈ પટેલ અને પ્રમુખ ઉત્તમભાઈ પટેલ બન્ને એકજ સમાજના બાર ગામ કડવા પાટીદાર સમાજના છે. વળી બન્ને એકજ વોર્ડ નં.૧ ના છે. જેથી એવુ પણ ચર્ચાયુ હતું કે કેબીનેટ મંત્રીશ્રીએ પોતાના સમાજ અને વોર્ડના સભ્યને તક આપી. જેમને દાવેદારી કરી અને જેમની સેન્સ અપાઈ તેમની કોઈ દરકાર કરી નહી. ઉમતાના વતની અને પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લભાઈ પટેલના પણ પાલિકા પ્રમુખ માટેના દાવપેચ ઉત્તમભાઈ પટેલને ફળ્યા હોવાનુ ચર્ચાય છે.
  • રૂપલભાઈ પટેલ પ્રમુખ બન્યા નહી પણ પ્રમુખ બનાવી શક્યાપાલિકા ઉપપ્રમુખ તથા પાલિકા વહિવટમાં ઉંડી સમજ ધરાવતા રૂપલભાઈ પટેલ પાલિકા પ્રમુખની હોડમાં હતા. પરંતુ નોરીપીટ થીયરીમાં કપાયા હતા. નોરીપીટ થીયરી ન હોત તો પ્રમુખ રૂપલભાઈ પટેલજ બનવાના હતા તેવુ કાર્યકરોનુ માનવુ છે. પરંતુ વોર્ડ નં.૧ ના સાથી સભ્ય ઉત્તમભાઈ પટેલ પ્રમુખ બનતા હવે કાર્યકરોમાં ચર્ચા છેકે રૂપલભાઈ પટેલ ભલે પ્રમુખ બની શક્યા નહી પરંતુ પ્રમુખ બનાવી શક્યા છે. ઉત્તમને પુરેપુરો સહકાર આપી અઢી વર્ષમાં ઉત્તમ વિકાસ કરી બતાવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us