Select Page

વિસનગર માર્કેટયાર્ડની ગૃપ અકસ્માત યોજના બંધ

વિમા કંપનીઓએ ૧૮ થી ૭૦ વર્ષના તમામના KYC માગતા

  • ઉંઝા અને સતલાસણાની જેમ વળતર આપવા વિસનગર માર્કેટયાર્ડે વિચાર કરવો જોઈએ

ગૃપ અકસ્માત યોજનાના તમામ લાભાર્થીઓના કે.વાય.સી.ના વિમા કંપનીઓના નિયમના કારણે વિસનગર માર્કેટયાર્ડ દ્વારા ચાલતી ગૃપ અકસ્માત વિમા યોજના બંધ કરવામાં આવી છે. ખેડૂતો અને વિસનગરના લોકોના હિતમાં માર્કેટયાર્ડ પ્રિમિયમ ભરવા તૈયાર છે. પરંતુ કે.વાય.સી.ની માથાકુટના કારણે વિમા કંપનીઓ પ્રિમિયમ લેવા તૈયાર નથી. ગૃપ અકસ્માત વિમા યોજના ખેડૂતો, ખેતમજુરો અને સામાન્ય વર્ગ માટે અકસ્માતે મૃત્યુના કિસ્સામાં આશિર્વાદરૂપ હતી. ત્યારે ઉંઝા અને સતલાસણાની જેમ વિસનગર માર્કેટયાર્ડે પણ અકસ્માતે મૃત્યુના બનાવમાં વળતર આપવાની યોજનાનો અમલ કરવો જોઈએ.
વિસનગરના પૂર્વ ધારાસભ્ય સ્વ.પ્રહેલાદભાઈ ગોસા માર્કેટયાર્ડના ચેરમેન પદે હતા ત્યારે લગભગ વર્ષ ૨૦૦૬-૦૭ માં વિસનગર શહેર અને તાલુકાની જનતાના હિતમાં ગૃપ અકસ્માત વિમા યોજનાનો અમલ શરૂ કર્યો હતો. પ્રથમ રૂા.૫૦,૦૦૦/- ના વળતરથી ગૃપ અકસ્માત યોજનાનુ પ્રિમિયમ ભરવાનુ શરૂ કરાયુ હતુ. ત્યારબાદ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ જ્યારે માર્કેટયાર્ડના ચેરમેન પદે હતા તે સમયે રૂા.૧,૫૦,૦૦૦/- ના રક્ષા કવચનુ પ્રિમિયમ ભરવામાં આવતુ હતુ. ત્યારબાદ છેલ્લે રૂા.૧,૦૦,૦૦૦/- નુ પ્રિમિયમ ભરવામાં આવતુ હતુ. આ યોજના ખેડૂતો, ખેતમજુરો તેમજ સામાન્ય વર્ગ માટે આશિર્વાદરૂપ હતી. ગરીબ કે મધ્યમવર્ગ પરિવારમાં ઘરના મોભીનુ અકસ્માતે મૃત્યુ થતુ હતુ ત્યારે વિમાનુ વળતર સહાયરૂપ બનતુ હતુ. વિસનગર માર્કેટયાર્ડ દ્વારા ઓક્ટોબર ૨૦૨૨ થી આ યોજના બંધ કરવામાં આવતા અનેક તર્કવિતર્ક થયા હતા. માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલના વહિવટમાં યોજના બંધ થતા માર્કેટયાર્ડે નુકશાન કર્યુ હોવાથી પ્રિમિયમ ભરવામાં આવ્યુ નથી તેવી ચર્ચાઓ થઈ હતી.
માર્કેટયાર્ડ દ્વારા ગૃપ અકસ્માત વિમા યોજના કેમ બંધ કરવામાં આવી તેમજ પ્રિમિયમ કયા કારણથી ભરવામાં આવતુ નથી તે બાબતે સેક્રેટરી કમલેશભાઈ પટેલનો સંપર્ક કરતા વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરી અને ડીરેક્ટર રાજીવભાઈ એન.પટેલ સાથે સંયુક્ત ચર્ચા થઈ હતી. જેમણે જણાવ્યુ હતું કે, ખેડૂતો સહીત શહેર અને તાલુકાના લોકોને અકસ્માતે મૃત્યુના કેસમાં વળતર આપતા ગૃપ અકસ્માત યોજનામાં માર્કેટયાર્ડ દ્વારા દર વર્ષે રૂા.૨૦ લાખથી માંડીને રૂા.૪૫ લાખ સુધીનુ પ્રિમિયમ ભરવામાં આવતુ હતુ. આ યોજનામાં ૧૮ થી ૭૦ વર્ષ સુધીના તમામનો સમાવેશ થતો હતો. પરંતુ નવા નિયમો પ્રમાણે વિમા કંપનીઓ દ્વારા યોજનામાં આવતા તમામના કે.વાય.સી. માગવામાં આવે છે. શહેર અને તાલુકામાં રહેતા ૧૮ થી ૭૦ વર્ષ સુધીના તમામના નામ, આધારકાર્ડ, રહેઠાણના પુરાવો અને વારસદાર માટે પરિવારના તમામ સભ્યોની વિગતો માગવામાં આવે છે. આ વિગતો એકઠી કરવી માર્કેટયાર્ડ માટે શક્ય નથી. કોઈ વિમા કંપની વિગતો એકઠી કરવાની શરતે પ્રિમિયમ સ્વિકારવા તૈયાર હોય તો માર્કેટયાર્ડ પ્રિમિયમ ભરવા તૈયાર છે. વિમા કંપનીનો કોઈ એજન્ટ ડૉક્યુમેન્ટ એકઠા કરવા તૈયાર હોય તો પણ માર્કેટયાર્ડ પ્રિમિયમ ભરવા સંમત છે. વિમા કંપનીઓ વળતર આપવા ઠાગાઠૈયા કરતા ગ્રાહક સુરક્ષામાં એક કેસે રૂા.૧૧,૦૦૦/- વકીલ ફી આપી ૬૭ કેસમાં ન્યાય અપાવ્યો હોવાનુ પણ જણાવ્યુ હતુ. કે.વાય.સી. વગર વિમા કંપનીઓ પ્રિમિયમ નહી સ્વિકારતા અકસ્માતે મૃત્યુમાં જરૂરીયાતમંદ પરિવારના લોકો સહાયથી વંચીત રહેશે.
વિમા કંપનીઓ પ્રિમિયમ લીધા બાદ વળતર આપવામાં ઠાગાઠૈયા કરતા ઉંઝા માર્કેટયાર્ડ દ્વારા અકસ્માતે મૃત્યુમાં રૂા.૨,૦૦,૦૦૦/- અને સતલાસણા માર્કેટયાર્ડ દ્વારા રૂા.૫૦,૦૦૦/- આપવામાં આવે છે. વળતરની રકમનો ખર્ચ માર્કેટયાર્ડજ ભોગવે છે. વિમા કંપનીઓની માગણી પ્રમાણે તમામ લોકોના કે.વાય.સી. આપવા અશક્ય છે. ત્યારે વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરી તથા બોર્ડ ઓફ ડીરેક્ટરે ઉંઝા તથા સતલાસણા માર્કેટયાર્ડની જેમ અકસ્માતે મૃત્યુના કેસમાં વળતર આપવાનો વિચાર કરવો જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us