Select Page

ધારાસભ્યની નિષ્ક્રિયતાથી ભારે વરસાદમાં પાણી ઘરો, દુકાનોમાં પ્રવેશ્યુ, ઠેરઠેર ખાડાખેરાલુની રૂપેણ નદી સાફ ન કરતા ભારે નુકશાન

ખેરાલુ પાલિકામાં હાલ વહીવટદાર શાસન છે. પાલિકા ચિફ ઓફિસરને કર્મચારીઓ ગાંઠતા નથી. ખેરાલુ શહેરમાં સોમવારે ચાર ઈંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા. નદી કિનારાના મોટાભાગના મફતગાળામાં પાણી ભરાયા હતા. નદી કિનારે દુકાનો કે ગોડાઉન ધરાવતા લોકોને ભારે નુકશાન થયુ છે. છેલ્લા દોઢ મહિનાથી ખેરાલુ વહેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ દ્વારા પ્રાંત સમક્ષ યોજાયેલી સંકલનની બેઠકમાં રૂપેણ નદી સાફ કરાવવા માંગણી કરી હતી. પરંતુ વિરોધ પક્ષની માંગણી હોવાથી કોઈ કાર્યવાહી થઈ નહોતી. પ્રચાર સાપ્તાહિકે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને પણ ટકોર કરી હતી કે વિરોધપક્ષની માંગણી વ્યાજબી છે છતાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પણ ખેરાલુ ગામને રામ ભરોસે છોડી દીધુ હતુ. જેના કારણે સોમવારે એક સાથે ચાર-પાંચ ઈંચ વરસાદ ખાબકતા રૂપેણ નદીમાં પૂર આવ્યુ હતુ. રૂપેણ નદીને જો ખરેખર સમયસર સાફ કરી દેવામાં આવી હોત તો પાણી સરળતાથી પસાર થઈ જાત. પરંતુ નદીમાં ઉગેલા ગાંડા બાવળને કારણે પાણી રોકાઈ રહેતા નદી કિનારે રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ઘરમાં પાણી પ્રવેશી જતા લોકો પાંચ-સાત કલાક સુધી ભારે ટેન્શનમાં આવી ગયા હતા. રૂપેણ નદીના કિનારે આવેલી દુકાનો અને ગોડાઉનમાં પાણી પ્રવેશી જતા મોટુ નુકશાન થયુ છે. આ બધુ થવા પાછળનું કારણ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની નિષ્ક્રીયતાજ કહેવાશે. દોઢ મહિના પહેલા વિરોધ પક્ષવાળા સાચી માંગણી કરે છતા કામગીરી કરવામાં ન આવે તે શું સાબિત કરે છે.
આ બાબતે વહિવટદાર લોકો એવુ કહે છેકે પાલિકાને પત્ર લખી જાણ કરી છે. પાલિકા તંત્ર કામગીરી ન કરે તો જવાબદારી નક્કી કરી તંત્ર ઉપર પગલા ભર્યાનો ઈતિહાસમાં એકપણ દાખલો જોવા મળતો નથી.
ખેરાલુ શહેરમાં સોમવારે એક સાથે ચાર-પાંચ ઈંચ વરસાદ ખાબકતા ખેરાલુ શહેરમાં ઠેરઠેર ખાડા પડી ગયા હતા. છ મહિના પહેલા બનાવેલા તમામ રોડ તુટી ગયા છે. ખેરાલુ શહેર ખાડા નગર બની ગયુ છે. ખેરાલુ શહેર બહાર ખાડા નગરમાં આપનું હાર્દિક સ્વાગત છે તેવુ બોર્ડ લગાવવા ટીખળીખોર લોકોમાં જાહેરમાં ચર્ચા કરી રહ્યા છે. ભારે વરસાદમાં રૂપેણ નદીના પુલ ઉપર આવેલ લક્ષ્મી કોર્પોરેશન નામની લાટીમાં પાણી પ્રવેશી ગયા હતા. સુરભી ઓફસેટમાં પાણી પ્રવેશતા ભારે નુકશાન થયુ હતુ. રતિભાઈ પંચાલના ગોડાઉનમાં પાણી પ્રવેશી ગયુ હતુ. હરસિધ્ધ હાર્ડવેરમાં પાણી પ્રવેશી જતા ભારે નુકશાન થયુ હતુ. તુલસી પ્રેરણા સોસાયટીમાં પાણી ભરાતા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. તુલસી પ્રેરણા પાછળની સોસાયટીમાં ત્રણ દિવસે પાણી ઓસર્યા હતા. હાટડીયા બહેલીમવાસ પાસે ઠેરઠેર રોડ તુટી ગયો હતો. બારોટવાસ પાસે વરસાદમાં ઠેરઠેર ખાડા પડી ગયા છે. સિમ વિસ્તારમાં છ મહિના પહેલા બનાવેલા ડામર રોડ ઠેરઠેર તુટી ગયા છે. ખેરાલુ શહેરમાં પાણીની પાઈપલાઈન નાંખવા કરેલા ખાડામાં ગાડીઓ ફસાવાના અને બાઈક ચાલકો પટકાવાના અસંખ્ય બનાવો બન્યા છે. ખેરાલુ પાલિકાના વહિવટદાર સમક્ષ લોકોની અસંખ્ય રજુઆતો થતા છેવટે પાણીની પાઈપલાઈનના ખાડા રોડા નાંખી પુરાયા હતા. ખેરાલુ ખાડીયા વિસ્તારમાં ઘરોમાં પાણી પ્રવેશી ગયા હતા. એકતા નગર જવાના રસ્તે ઘુંટણસમા પાણી ભરાતા કોર્ટમાં અવરજવરનો રસ્તો થોડા કલાકો માટે બંધ થઈ ગયો હતો. ખોખરવાડા સંઘ પાસે પાણી ભરાતા આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. પંચમુખી હનુમાનજી મંદિર પાછળના ઘરોમાં પાણી પ્રવેશી ગયા હતા. રૂપેણ મુક્તિધામના રસ્તા ઉપર ફેલાયેલો કિચડ સાફ કરાયો નથી. રામરોટી વિસ્તારના લોકો તેમજ મહાકાલી સોસાયટી વિસ્તારમાં વરસાદ પછી ભારે ગંદકી ફેલાતા મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. ખેરાલુની પ્રજા પરેશાન છે. હાલ ખેરાલુ શહેરનું કોઈ રણીધણી ન હોય તે રીતે સરકારી તંત્ર વર્તી રહ્યુ છે.
અને છેલ્લે રૂપેણ નદીમાં જ્યારે પણ પાણી આવે ત્યારે હંમેશા શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ સથવારા નદી વધાવવા જાય છે. આ વખતે ભારે વરસાદમાં કોઈ નદી વધાવવા ગયુ હોય તેવુ લાગતુ નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us