Select Page

ખેરાલુ કે મહેસાણામાં નહી પણ વિસનગરમાં ભાજપને જાહેર ચેતવણીના બોર્ડ લાગ્યા

આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ દૂધસાગર ડેરીના ઝઘડામાં ફસાયા

ઝઘડો દૂધસાગર ડેરીનો અને ચૌધરી સમાજના બે નેતાઓ વચ્ચેનો. જ્યારે આ વિવાદમાં વિસનગરના ધારાસભ્ય તથા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ બરોબરના ફસાયા છે. ડેરીની સાધારણ સભાના વિવાદ બાદ વિસનગરમાં ભાજપને ચેતવણી આપતા બોર્ડ લાગી ગયા છે. આ વિવાદમાં ઋષિભાઈ પટેલ સાથેના પટેલ આગેવાનોએ મૌન સેવ્યુ છે. જ્યારે સાથેના ચૌધરી આગેવાનોમાંથી કોઈ ઋષિભાઈની તરફેણ કરવાની હિમ્મત કરતા નથી. જ્યારે વિપુલભાઈ ચૌધરી લડાયક મીજાજમાં એક પછી એક કાર્યક્રમો કરી રહ્યા છે.
ઋષિભાઈ પટેલે દૂધસાગર ડેરીની ચુંટણીની જવાબદારી લીધા બાદ સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે. ડેરીની ચુંટણીમાં ભાજપ સમર્થિત અશોકભાઈ ચૌધરીની પેનલના વિજય બાદ ભાજપના આગેવાનો તથા વિસનગરના ચૌધરી તેમજ પટેલ આગેવાનોની અભિનંદન વર્ષા જેમની ઉપર થઈ હતી તે ઋષિભાઈ પટેલ ડેરીના વિવાદમાં અત્યારે એકલા અટુલા પડી ગયા છે. વિધાનસભાની ચુંટણી આવતી હોવાથી ઋષિભાઈ પટેલની ઈમેજ બગાડવા વિપુલભાઈ ચૌધરી કોઈ કચાસ રાખવાના મૂડમા નથી.
તા.૧૪-૬-૨૦૨૨ ના રોજ દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં ડેરીના ગેટ આગળ પૂર્વ વાઈસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી તથા તેમના પુત્ર ઉપર થયેલા હુમલાના વિવાદમાં ડેરીની ચુંટણી ખભે લઈ ફરનાર ઋષિભાઈ પટેલ હવે બરોબરના ફસાયા છે. ઝઘડો જાણે ઋષિભાઈ પટેલે કરાવ્યો હોય તેવી નોબત આવી છે. ઝઘડો મહેસાણા ડેરી આગળ થયો અને પૂર્વ વાઈસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી ખેરાલુ તાલુકાના, ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી પણ મહેસાણામાં રહે છે. ત્યારે મહેસાણા કે ખેરાલુમાં નહી પરંતુ વિસનગર તાલુકાના ખરવડા ગામમાં બેનર લગાવી ભાજપને જાહેર ચેતવણી આપવામાં આવી છેકે, છેલ્લા ૨૦ વર્ષથી ખરવડા ગામમાંથી ૯૦ ટકા ઉપર ભાજપને મત મળ્યા છે. દૂધસાગર ડેરીમાં આદરણીય મોઘજીભાઈ ચૌધરી ઉપર જે લોકોએ હુમલો કર્યો છે તેમની ધરપકડ નહી થાય અને મોઘજીભાઈના પુત્ર હર્ષદભાઈ ચૌધરી ઉપર એફ.આઈ.આર.માં લગાવેલ કલમ ૩૦૭ રદ નહી થાય અને સાચો ન્યાય નહી મળે તો સમસ્ત ગામ ભાજપનો બહિષ્કાર કરશે. આ ઉપરાંત્ત મોઘજીભાઈ ચૌધરી ઉપર ખૂની હુમલો કરાવનાર અશોકભાઈ ચૌધરી તથા મળતીયા આરોપીઓની ધરપકડના બેનર્સ પણ વધુમાં વધુ વિસનગરમાં લાગ્યા છે. ભાજપના બહિષ્કારના બેનર ખેરાલુ કે મહેસાણામાં જોવા મળતા નથી. એટલે ડેરીના દરેક વિવાદમાં આરોગ્ય મંત્રીનેજ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.
ડેરીની ચુંટણીમાં હાર મેળવ્યા બાદ વિપુલભાઈ ચૌધરીએ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની રાજકીય ઈમેજ ખરાબ કરવા બરોબરની બાયો ચડાવી છે. જેમણે અર્બુદા સેનાની મીટીંગોની શરૂઆત વિસનગર તાલુકામાંથી કરી. જ્યારે ડેરીમાં થયેલા હુમલાના વિવાદમાં સભા અને રેલીનુ વિસનગરમાં આયોજન કરાયુ. પોલીસે રેલી તો ન કાઢવા દીધી પરંતુ આદર્શ વિદ્યાલય તથા તાલુકા સેવાસદનમાં આરોગ્ય મંત્રી વિરુધ્ધના સુત્રોચ્ચારમાં જાહેરમાં આરોગ્ય મંત્રીને ફક્ત ગાળોજ બોલવાનુ બાકી રાખ્યુ હતુ. આરોગ્ય મંત્રી વિરુધ્ધના સુત્રોચ્ચારનો વીડીયો વારયલ થતા વિરોધીઓ બરોબરની મજા લઈ રહ્યા છે.
મહત્વની બાબત તો એ છેકે ડેરીના વિવાદમાં વિસનગર તાલુકામાંથી ઋષિભાઈ પટેલની તરફેણ કરનાર કોઈ નથી. ઋષિભાઈ પટેલની દ્વેષભાવ વગરની કામગીરીના કારણે લોકો ચુંટણી સમયે ખોબલે ખોબલે મત આપે છે. પરંતુ અત્યારે આ વિવાદમાં ઋષિભાઈ એકલા અટુલા પડી ગયા છે. ઋષિભાઈ પટેલ સાથેના પટેલ તથા ચૌધરી સમાજના આગેવાનો કેબીનેટ મંત્રી પદના હોદ્દાનો લાભ લઈ રહ્યા છે. દર મંગળવારે ગાંધીનગર સચીવાલયમાં કામ કઢાવવા કેબીનેટ મંત્રીની ઓફીસમાં આગેવાનોના ટોળા જામે છે. પરંતુ ઋષિભાઈ પટેલ વિરુધ્ધ અત્યારે જે બેફામ વાણી વિલાસ થઈ રહ્યો છે તેમાં કોઈ બોલવા તૈયાર નથી તે નગ્ન સત્ય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts