Select Page

કોનોકાર્પસ પર્યાવરણ અને મનુષ્ય માટે ઘાતક

કોનોકાર્પસ પર્યાવરણ અને મનુષ્ય માટે ઘાતક

તંત્રી સ્થાનેથી…

છોડમાં રણછોડ, વૃક્ષ સૃષ્ટી બચાવે જીવ સૃષ્ટી, એક બાળ એક વૃક્ષ, વૃક્ષ બચાવો વિશ્વ બચાવો જેવા વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરને પ્રોત્સાહન આપતા અનેક સુત્રો આપણે વાચ્યા હશે. સરકાર પણ વૃક્ષ ઉછેર માટે વન મહોત્સવ જેવા કાર્યક્રમો કરે છે. પરંતુ એવા પણ કેટલાક વૃક્ષો છે જે પર્યાવરણ અને માનવ માટે ઘાતક છે. આફ્રિકન દેશોમાં માનવ ભક્ષી વૃક્ષો બાબતે આપણે વાચ્યુ છે અને સાંભળ્યુ છે. ભારતમાં આવા માનવભક્ષી વૃક્ષો થતા નથી. પરંતુ હાલમાં જે વૃક્ષ માટે ગુજરાત સરકારને પરિપત્ર કરવો પડ્યો છે તે કોનોકાર્પસ વૃક્ષ પર્યાવરણ અને માનવ જીવ માટે ખુબજ નુકશાનકારક છે. ગુજરાત સરકારે ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ એક પરિપત્ર બહાર પાડી જંગલ તથા બીન જંગલ બન્ને વિસ્તારોમાં કોનોકાર્પસ વૃક્ષો વાવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પરિપત્રમાં જીલ્લાના વહિવટી તંત્રને આગામી છ મહિનામા જાહેર સ્થળો અને ખાનગી મિલ્કતોમાંથી કોનોકાર્પસ વૃક્ષ દૂર કરવા નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. નિષ્ણાંતો અને પર્યાવરણ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં વિવિધ રિસર્ચ તથા અનેક રજુઆતો અને અરજીઓ બાદ કોનોકાર્પસ પર પ્રતિબંધ મુકતો પરિપત્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. દિલ્હી સરકારે વર્ષ-૨૦૧૮ માં વિલાયતી વૃક્ષો પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યારબાદ તેલંગણા રાજ્યએ વર્ષ ૨૦૨૦ માં કોનોકાર્પસ પર પ્રતિબંધ મુક્યો હતો. કોનોકાર્પસ વૃક્ષ મેન્ગ્રોવ વૃક્ષોનો એક પ્રકાર છે. જે મૂળ અમેરિકાનુ આ વૃક્ષ છે. ઝડપથી વિકાસ થતો હોવાથી તેમજ ઉંચુ તાપમાન પણ સહન કરી શકતુ હોવાથી ભારત સહિત વિશ્વના દેશોમાં આ વૃક્ષનો ઉપયોગ સુશોભન તરીકે થઈ રહ્યો છે. આ વૃક્ષોનો લેન્ડસ્કેપીંગ, રસ્તાઓ અને બગીચાઓને હર્યાભર્યા રાખવા માટે વધારે ઉપયોગ થઈ રહ્યો છે. કોનોકાર્પસથી સર્જાતી પર્યાવરણીય સમસ્યા એ છેકે, આ વૃક્ષો ભૂગર્ભ જળસ્તરમાં ખૂબજ ઘટાડો કરે છે. આ વૃક્ષ અન્ય વૃક્ષ કરતા જમીનમાંથી પાણીનુ વધારે શોષણ કરે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક સર્વે અને અહેવાલ મુજબ ૩૫૦૦૦ જેટલા કોનોકાર્પસ વૃક્ષો ભૂગર્ભજળના ભંડારમાંથી રોજ ૧ લાખ લીટર પાણીનુ શોષણ કરે છે. જો આવીજ સ્થિતિ રહેતી હોય તો આ વૃક્ષના કારણે ભૂગર્ભજળના ભંડાર ઘટાડી શકે છે. એક તરફ ભૂગર્ભજળનુ સ્તર વધારવા સરકાર દ્વારા રિચાર્જ ટ્યુબવેલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી સ્કીમમાં કમ્પાઉન્ડનુ વરસાદી પાણી બહાર કે ગટરમાં ન જાય તે માટે રિચાર્જની ખાસ વ્યવસ્થા કરવા માટેની શરત મુકી બાંધકામ મંજુરી આપવામાં આવે છે. ત્યારે ભૂગર્ભ જળસ્તર ઓછા કરે તેવા કોનોકાર્પસ વૃક્ષ ઉપર પ્રતિબંધ યોગ્ય છે. કોનોકાર્પસ વૃક્ષના મૂળ જમીનમાં ઝડપી ફેલાય છે અને ઉંડે સુધી જાય છે. જેથી કોમ્યુનિકેશન કેબલ, ગટરલાઈન, પાણીની લાઈન વિગેરે જેવા ભૂગર્ભ માળખાને ખુબજ નુકશાન પહોચાડે છે. કોનોકાર્પસ વૃક્ષના મૂળ ઝડપથી ફેલાતા અને પાણીનુ વધારે શોષણ કરતા હોવાથી અન્ય છોડ, વૃક્ષો તથા પાકને પણ નુકશાન કરી શકે છે. આ ઉપરાંત્ત કોનોકાર્પસ વૃક્ષો માનવ સ્વાસ્થ્ય માટે પણ એટલા ઘાતક છે. એલર્જી, અસ્થમા, શ્વાસ સબંધી સમસ્યાઓથી પીડાતા લોકો માટે કોનોકાર્પસ વૃક્ષ વધારે તકલીફ કરે છે. કોનોકાર્પસના ફુલમાંથી નીકળતી પરાગરજ છીંક આવવી, ખંજવાળ આવવી, નાક અને આંખમાંથી પાણી પડવુ જેવી એલર્જીક અસરનુ કારણ બની શકે છે. આ વૃક્ષો હવાની ગુણવત્તામાં પણ કોઈ સુધારો કરતા નથી. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરતા નથી. આ વૃક્ષમાં માળો બનાવવાનુ પક્ષીઓ પણ પસંદ કરતા નથી. આ વૃક્ષ પુષ્કળ પ્રમાણમાં ભૂગર્ભ પાણીનુ શોષણ કરતા, ભૂગર્ભ માળખાને નુકશાન કરતા, કુદરતી ઈકો સિસ્ટમ ઉપર આક્રમક અસર કરતા, માનવ સ્વાસ્થ્યને નુકશાન કરતા, વન્ય જીવન અને મનુષ્ય જીવનને કોઈ લાભ ન કરતા તેના ઉછેરને અટકાવી જીવસૃષ્ટીનુ રક્ષણ કરવુ જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts