Select Page

ચિમનાબાઈ સરોવર સીધી પાઈપ લાઈનથી ભરવા રજુઆત

ચિમનાબાઈ સરોવર સીધી પાઈપ લાઈનથી ભરવા રજુઆત

ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની મુખ્યમંત્રી સમક્ષ

  • મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે ૧૦૦ ક્યુસેકની ડાયરેક્ટ પાઈપલાઈન નાંખવા ધારાસભ્યની વિનંતી
  • વરસંગ તળાવની જેમ ચિમનાબાઈ સરોવર પણ ભરાશે

“દેનેવાલા જબભી દેતા, દેતા છપ્પર ફાડકે ” આ ઉક્તિને સાર્થક કરતો બનાવ ખેરાલુ અને સતલાસણા સાથે બની રહ્યો છે. ખેરાલુ-સતલાસણા તાલુકાના તમામ પ્રશ્નો એક સાથે હલ થઈ રહ્યા છે. સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહેસાણા- વરેઠા બ્રોડગેજ બનાવી તે પછી હવે અંબાજી આબુરોડ બ્રોડગેજનું કામ પણ શરૂ થઈ ગયુ છે. પાલનપુર, વડગામ, કોદરામ, ચાણસોલ, ખેરાલુ, વાવ થઈ ધરોઈ-વડાલી નેશનલ હાઈવે મંજુર કરાયો છે જેનું કામ અટકી પડ્યુ હતુ. જેને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી સમક્ષ મધ્યસ્થી કરવાની વિનંતી કરતા ટુંક સમયમાં રીટેન્ડરીંગ પણ થશે. આવોજ બીજો નેશનલ હાઈવે મહેસાણા-વિસનગર, વડનગર, વે-વેઈટ ચોકડી થઈ વલાસણા થઈ ઈડર નેશનલ હાઈવેને કનેક્ટ થશે. ધરોઈને વિશ્વકક્ષાનું પ્રવાસન ધામ બનાવવા વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ૨૫૦૦ કરોડનો મંજુર કરાયો છે. જેમાં ૧૦૬૦ કરોડની વહીવટી મંજુરી મળી ગઈ છે. જે પૈકી ૭૦૦ કરોડના તો ટેન્ડરો પણ પડી ગયા છે. જેનુ કામ ચાલુ થઈ ગયુ છે. ખેરાલુ, સતલાસણા તાલુકાના ઉત્તર પટ્ટાના ગામોમાં સિંચાઈના પાણીની તકલીફ હતી ત્યારે તત્કાલીન સિંચાઈ મંત્રી અને હાલના આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ સમક્ષ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના પ્રયત્નોથી ૩૩૭ કરોડના ખર્ચે ૫૪ ગામોના ૭૬ તળાવો અને ચેકડેમ ભરવા ધરોઈ આધારિત પાઈપલાઈન મંજુર કરવામાં આવી છે. આમ ખેરાલુ – સતલાસણા તાલુકાના નસીબ આડેનું પાંદડું ખસી ગયુ છે. ત્યારે ખેરાલુ તાલુકાને જળ સમૃધ્ધ કરવા ચિમનાબાઈ સરોવરમાં ડાયરેક્ટ ૧૦૦ ક્યુસેકની પાઈપલાઈન નાંખવા ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ માંગણી કરી છે. જે મંજુર થવાની પુરેપુરી શક્યતાઓ લાગે છે.
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ચિમનાબાઈ સરોવર બારેમાસ ભરાયેલુ રહે તે માટે ૧૦૦ ક્યુસેક પાઈપ લાઈન રસુલપુર પંપીંગ સ્ટેશનથી ડાયરેક્ટ નાંખવા માંગણી કરી છે. પત્રની વિગતો જોઈએ તો ખેરાલુમાં ગાયકવાડ સરકાર સમયનું ચિમનાબાઈ સરોવર ૧૬૦૦ એકરમાં પથરાયેલુ છે. જે પાણીનો સમાવેશ કરવાની ક્ષમતા ૬૩૦ એમ.સી. એફ.ટી છે. સરોવર ભરવાથી આ વિસ્તારને સિંચાઈનો લાભ મળે તેમ છે. જમીનમાં પાણી રિચાર્જ થવાથી વિસ્તારના ભુગર્ભ જળ ઉંચા આવે તેમ છે. હાલ મોઢેરા- ધરોઈ પાઈપ લાઈનથી ચિમનાબાઈ સરોવરમાં કુડા ફિડર તથા ડભોડા ફિડરથી પાણી પહોંચાડાય છે. આ બંન્ને કેનાલો કાચી હોવાથી તેમજ આશરે ૧૦ થી ૧૨ કિલો મિટર જેટલી લંબાઈ હોવાથી ચિમનાબાઈ સરોવરમાં પાણી પુરતુ પહોંચતુ જ નથી. સરોવર ભરવામાં લાંબો સમય પસાર થાય છતાં સરોવર ભરાતુ નથી. મોઢેરા- ધરોઈ પાઈપલાનથી રસુલપુર પંપીગ સ્ટેશનથી ડાયરેક્ટ પાઈપ લાઈન નવી સીધી ૧૦૦ ક્યુસેક પાણીની નાંખી ચિમનાબાઈ સરોવર ભરવા ભલામણ કરી છે.
પત્ર લખ્યાને એક મહિનાનો સમય થઈ ગયો છે. હવે ગણત્રીના દિવસોમાં મંજુરી મળે તેમ છે. તેવુ ભાજપના સુત્રો જણાવે છે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખેરાલુ વિધાનસભાના પ્રાણ પ્રશ્નો હલ કરવામાં દિવસ-રાત દોડા દોડી કરી રહ્યા છે. ચિમનાબાઈ સરોવર જળ સમૃધ્ધ બને તે પહેલા સરોવરની મરામત અને જરૂરી ડેવલપમેન્ટ માટે પણ માંગણી કરી દેવાઈ છે. જેમાં સરોવરના પાળાનું રિનોવેસન, બોટીંગ ફેસેલીટી, સરોવરના પાંચ કી.મી. લાંબા પાડાનું લેવલીંગ, બોર્ડરીંગ, આરામકુટીર, ટી સ્ટોલ, આઈસ્ક્રીમ, પાર્લર, વોકીંગ ટ્રેક, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, ગેમીંગ ઝોન, ઔષધીય બગીચા, સરોવરના સર્કિટ હાઉસનું રિનોવેશન, સરોવરના પાળાની બહાર પ્રિ ફેઝ કેનાલ વગેરે ડેવલપમેન્ટ કરવા માંગણી કરાઈ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us