પાલડી પ્રા.શાળાના શિક્ષકોના ઝગડાએ શિક્ષણ જગતને લજવ્યુ
વિસનગર તાલુકાના પાલડી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક અને આચાર્ય વચ્ચે શૈક્ષણિક કાર્ય બાબતે બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન શાળાના બીજા એક યુવા શિક્ષકે આચાર્યના ઉપરાણામાં આવી શિક્ષકને માર માર્યો હતો. જેમાં શિક્ષકને ઈજા થતા શહેરની નૂતન જનરલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જોકે આ મામલે ગામના પુર્વ સરપંચ સહિત અન્ય આગેવાનોની મધ્યસ્થીથી શિક્ષક અને આચાર્ય વચ્ચે સમાધાન થયુ છે પરંતુ જો મહેસાણા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આ ઝગડાની ઉંડાણપુર્વક તપાસ કરે તો બીજા શિક્ષકે આચાર્યના ઉપરાણામાં આવી શિક્ષકને માર કેમ માર્યો તેમાં ચોંકાવનારા રહસ્યો બહાર આવશે તેવું શિક્ષકોમાં ચર્ચાય છે.
નાના બાળકોના ઘડતરમાં શિક્ષકનુ મહત્વનુ યોગદાન હોય છે. જેથી શિક્ષકને સમાજ સુધારકનુ બિરૂદ આપવામાં આવ્યુ છે. પરંતુ આજે કેટલાક ગણ્યા ગાંઠ્યા શિક્ષકો ચાલુ શાળામાં એવા અણછાજતા કૃત્યો કરે છે કે જેનાથી આદર્શ શિક્ષકોનું માથુ શરમથી ઝુકી જાય છે. વિસનગર તાલુકાના પાલડી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ધાર્મિકકુમાર યોગેશભાઈ જોષી અને આચાર્ય રાજેશભાઈ એલ. ચૌધરી વચ્ચે શૈક્ષણિક કાર્ય બાબતે બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન શાળાના બીજા એક શિક્ષકે આચાર્ય રાજેશભાઈના ઉપરાણામાં આવી શિક્ષક ધાર્મિકભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં ધાર્મિકભાઈને ઈજા થતા તેમને શહેરની નૂતન જનરલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર લીધી હતી. આ બાબતની ગ્રામના પુર્વ સરપંચ મેહુલભાઈ ચૌધરી સહિત આગેવાનો અને એસ.એમ.સી.ના સભ્યોને જાણ થતા તેમને વધુ વિવાદ ન થાય અને શાળાનું વાતાવરણ ન બગડે તે માટે શિક્ષક ધાર્મિકભાઈ જોષી અને આચાર્ય રાજેશભાઈ ચૌધરી વચ્ચે સમાધાન કરાવ્યુ હતુ. આ શાળાના ઝગડાની વાત વાયુવેગે તાલુકાના શિક્ષકોમાં ફેલાતા આ મુદ્દો શિક્ષકોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. શિક્ષકોમાં એવી ચર્ચા હતી કે શિક્ષક ધાર્મિકભાઈ જોષી અને શાળાના બીજા યુવા શિક્ષક બન્ને સાથે બી.એડ્ કરતા હતા. ત્યારથી બંન્ને મિત્રો હતા. પરંતુ કોરોનાના સમયગાળામાં આચાર્યના ઉપરાણામાં આવેલ યુવા શિક્ષકના એક આધેડ વયની મહિલા શિક્ષિકા સાથે સબંધો વિકસ્યા હતા. ત્યારબાદ ગમે તે કારણે બંન્ને શિક્ષકોની મિત્રતામાં મોટી તિરાડ પડી હતી. ત્યારથી બંન્ને શિક્ષકો વચ્ચે આંતરિક વિખવાદ ચાલતો હતો. પરંતુ આ વિખવાદનુ મુળ કારણ શુ છે તેની કોઈ અધિકારીએ તપાસ કરી નહી હોય? જો જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આ શાળાના શિક્ષક અને આચાર્યના ઝગડાની ઉંડાણપુર્વક તટસ્થ તપાસ કરે તો શાળાના બીજા ચોકાવનારા રહસ્યો બહાર આવશે. હવે શિક્ષણ વિભાગના અધિકારી અને પદાધિકારી આ બાબતે કેટલી ગંભીરતા લે છે તે જાણવા શિક્ષકો ભારે ઉત્સુક હોવાનું ચર્ચાય છે.