Select Page

ભ્રષ્ટ પુરવઠા વિભાગના રેશનિંગ અનાજમાં પ્લાસ્ટીક ચોખાની ભેળસેળ

ગરીબો કેન્સરનો ભોગ બને તેવી સરકારી સહાય લેવા મજબુર

  • વિસનગરમાં કાર્ડ ધારકોને મળતો અનાજનો જથ્થો વિણવા ઉજાગરા કરી રહ્યા છે જ્યારે પુરવઠા વિભાગ નિંદ્રામાં
  • લોખંડની રોટલી બનાવવાની તવી ગરમ કરીને તેમાં પ્લાસ્ટિકના ડુપ્લીકેટ ચોખા નાખતા ઓગળી જાય છે
  • રેશનીંગના જથ્થામાં આપવામાં આવતા ચોખામા કોલ્હાપુરી મમરા જેવા નાના સફેદ કલરના પ્લાસ્ટિકના ચોખા હોય છે. કુદરતી રીતે પાકતા ચોખા એક સરખા હોતા નથી. જ્યારે મશીનમાથી પ્રોડક્ટ થયેલા પ્લાસ્ટિક ચોખા એક સાઈઝના અને કેટલાક ચોટેલા સફેદ કલરના હોય છે
  • એક તરફ વડા પ્રધાન મોદીએ પાંચ વર્ષ સુધી મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતના પુરવઠા વિભાગની મીલી ભગતથી રેશનીંગ કાર્ડ ધારકો કેન્સરનો ભોગ બને તેવા ડુપ્લીકેટ પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ વાળા રેશનીંગ ચોખા આપવામાં આવી રહ્યા છે.

સરકાર લોકો કેન્સરનો ભોગ બને નહી તે માટે પ્લાસ્ટિકના પાત્રોમાં ખાદ્યવસ્તુઓ નહી પીરસવા પ્રતિબંધ મુક્યો છે. સ્વાસ્થ્યને હાનિકારક ભેળસેળયુક્ત ખાદ્ય વસ્તુઓ વેચનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા આપવામાં આવતા ખાદ્ય જથ્થામાંજ પ્લાસ્ટિકની ભેળસેળ મળી આવતા કેટલા લોકો કેન્સરની બિમારીનો ભોગ બનશે તે પ્રશ્ન છે. વિસનગરમા પુરવઠા વિભાગ દ્વારા આપવામા આવતા રેશનિંગ જથ્થાના ચોખામાં પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ મળી આવતા રેશનીંગ કાર્ડ ધારકોમા ભારે ફફડાટ ફેલાયો છે. પરિવારનું પેટ ભરવા રેશનીંગનો જથ્થો લેવા મજબુર કાર્ડ ધારકોને ચોખા લઈ વિણવા માટે મજબુર થવુ પડે છે.
સરકાર દ્વારા આપવામાં આવતા જથ્થામાંજ જો પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ મળી આવતી હોય તો ખાનગી જગ્યાએ મળતા ભેળસેળ ખોરાકની વાત જ ક્યા રહી.
વિસનગરમાં કમાણા રોડ ઉપર વિશાલ શોેપિંગ સેન્ટરમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી રેશનકાર્ડ ધારકોને આપવામાં આવેલ સરકારી ચોખાના જથ્થામાં કોલ્હાપુરી મમરા જેવા નાના પ્લાસ્ટિકના ચોખા નિકળ્યા હતા. જેની રેશનકાર્ડ ધારકોએ “પ્રચાર”ને જાણ કરતા પત્રકારે વિસનગર મામલતદાર કચેરીના પુરવઠા નાયબ મામલતદારનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમને જવાબ ન આપવો પડે તે માટે ફોન રીસીવ કર્યો ન હતો. ત્યારે સરકાર ગરીબ અને મધ્યમવર્ગના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પુરવઠા શાખાના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા ભરે તેવી લોકમાગણી ઉઠી છે.
એક બાજુ સરકાર લોકોના આરોગ્યની ચિંતા કરવાની વાતો કરે છે. આરોગ્યને હાનિકારક પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મુકે છે. નાના બાળકો અને સગર્ભા માતાઓમાં કુપોષણ દુર કરવા જનજાગૃતિ અભિયાનો કરે છે. ત્યારે સરકારના ફ્રુડ વિભાગના અધિકારીઓના છુપા આશિર્વાદથી લોકોના આરોગ્યને નુકશાનકારક ખાદ્ય પદાર્થની ચિજ વસ્તુઓનુ બેરોકટોક વેચાણ થઈ રહ્યુ હોવાના કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં ભાદરવી પૂનમે અંબાજીમાં દર્શનાર્થીઓને અપાતા મોહનથાળના પ્રસાદમાં લાખ્ખો રૂપિયાના ઘી ની ભેળસેળનું કૌભાંડ બહાર આવતા ફુડ વિભાગના ટોચના અધિકારીઓ આળસ ખંખેરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા રાત-દિવસ દોડતા થયા હતા. પરંતુ સરકાર ફુડ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા નહી લેતા આજેપણ ખાદ્યપદાર્થની ચિજ વસ્તુઓમાં લોકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડા થઈ રહ્યા છે. હવે તો બે ફિકર બનેલા ભેળસેળીયા સરકારને પુરો પાડતા અનાજના જથ્થામા પણ ભેળસેળ કરવામાં ડર અનુભવતા નથી. વિસનગરમાં કમાણા રોડ ઉપર આવેલ શ્રીનાથ સોસાયટીમા રહેતા રેશનકાર્ડ ધારક પ્રજાપતિ નરેશભાઈ સોમાભાઈ, પ્રજાપતિ જ્યોત્સનાબેન જગજીવનરામ, પંડ્યા ગોવિંદરામ ભોગીલાલ તથા પટેલ મફતલાલ શિવરામદાસે ચાલુ મહિને વિશાલ શોપિંગ સેન્ટરમાં ચાલતી સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી ઘઉં, ચોખાનો જથ્થો લીધો હતો. ઘરે મહિલાઓએ રસોઈ માટે ચોખાનો જથ્થો સાફ કરતા તેમાં કોલ્હાપુરી મમરા જેવા નાના પ્લાસ્ટિકના ચોખા નિકળ્યા હતા. આ વાત સોસાયટીના રહીશોમાં ફેલાતા મોટો હોબાળો થયો હતો. આ બાબતની સોસાયટીના જાગૃત રહીશે પ્રચાર સાપ્તાહિકને જાણ કરતા પત્રકારે ચોખાના જથ્થામાંથી નિકળેલા પ્લાસ્ટિકના ચોખાની પ્રાથમિક ચકાસણી કરવા કુદરતી ચોખા અને પ્લાસ્ટિકના ચોખાને રોટલી બનાવવાની ગરમ તવીમાં મુક્યા હતા. જેમાં પ્લાસ્ટિકના ચોખા ઓગળી ગયા હતા. ત્યારબાદ પત્રકારે અન્ય રેશનકાર્ડ ધારકોની હાજરીમાં સસ્તા અનાજના દુકાનના સંચાલકને પ્લાસ્ટિકના ચોખા બતાવતા તેમને પણ પુરવઠાના ચોખા ડુપ્લીકેટ પ્લાસ્ટીકના ચોખા હોવાનુ સ્વિકાર્યુ હતુ. ત્યારબાદ આ મામલે પુરવઠા નાયબ મામલતદાર પ્રિયંકાબેન ચાવડાનો મોબાઈલ ઉપર સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેમને કોઈ જવાબ આપવો ન પડે તે માટે ફોન રિસિવ કર્યો ન હતો. જોકે અગાઉ પણ ગુજરાતના કેટલાક તાલુકાઓમાં સસ્તા અનાજની દુકાનોમાંથી અપાતા ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ હોવાની લોકોએ ફરિયાદો કરી છે. છતાં સરકારે આ પ્લાસ્કિટના ચોખાની ભેળસેળ ક્યાંથી થાય છે તેની કોઈ અસરકારક તપાસ નહી કરતા આજે આરોગ્યમંત્રીના તાલુકામાંજ સરકારી ચોખાના જથ્થામાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું બહાર આવ્યુ છે. ત્યારે સરકાર ગરીબ પરિવારોના આરોગ્યની ચિંતા કરીને સરકારી ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ કરનાર જવાબદારોનુ પગેરુ શોધી તેમની સામે કડક કાર્યવાહી કરે તે ગુજરાતની પ્રજાના હિતમાં છે. સરકાર દ્વારા પુરો પાડવામાં આવતા રેશનીંગ જથ્થાના ચોખામાં પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ નહી અટકાવે તો અનેક રેશનીંગ કાર્ડ ધારકો કેન્સર જેવા જીવલેણ રોગનો ભોગ બને તેવી પુરેપુરી શક્યતા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us