Select Page

આઈ.ટી.આઈ.ફાટક બ્લોક નાખવા બંધ કરાયો હતો ૩૬ કલાકમાં ટ્રાફીક જામ-બ્રીજ બનશે ત્યારે શુ થશે

આઈ.ટી.આઈ.ફાટક બ્લોક નાખવા બંધ કરાયો હતો ૩૬ કલાકમાં ટ્રાફીક જામ-બ્રીજ બનશે ત્યારે શુ થશે

વિસનગરમાં રેલ્વે સમયે ફાટક બંધ રહેતા કોલેજ અને ગંજબજાર ફાટક, સવાળા દરવાજા પીકઅપ સમયે અને મહેસાણા ચાર રસ્તા ઉપર ટ્રાફીક સમસ્યાએ રોજની મગજમારી છે. પોલીસ તંત્ર આ સામાન્ય ટ્રાફીક હળવો કરવામા ફાવતુ નથી. ત્યારે આઈ.ટી.આઈ ફાટક બંધ રહેતા ૩૬ કલાકમાં શહેરીજનોને હાઈવે જેવા ભારે ટ્રાફીકનો અનુભવ થયો હતો. ૩૬ કલાકમાં જો આવો ટ્રાફીક થતો હોય તો આઈ.ટી.આઈ.ફાટક ઉપર બ્રીજ બનશે ત્યારે શુ દશા થશે તેવી ચર્ચા સાથે શહેરીજનોમાં ટ્રાફીકનો તણાવ જોવા મળ્યો હતો.
મોટા વાહનો ડાયવર્ટ નહી કરાતા એમ.એન.કોલેજથી આદર્શ સુધી અનેક વખત ટ્રાફીક ખોરવાયો
વિસનગરના એક માત્ર કડા ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીના હાઈવે ભારે વાહનો ઉપરાંત નાના મોટા વાહનોથી ધમધમતો હોય છે. આ હાઈવે ઉપરના ટ્રાફીકને જોઈ આઈ.ટી.આઈ. ફાટક વધારે દિવસ બંધ કરવો હોય તો પશ્વીમ રેલ્વે દ્વારા તંત્રને આગોતરી જાણ કરવી જોઈએ. જેથી ટ્રાફીક નિયમન માટે વિચારી શકાય ત્યારે ફાટક બંધ કરવાના એક દિવસ પહેલા તા.ર૮-૧ર-ર૩ સવારે ૯-૦૦ થી તા.૩૦-૧ર-ર૩ સવારે ૯-૦૦ સુધી ૪૮ કલાક સુધી ફાટક બંધ કરવાનો પશ્વિમ રેલ્વેએ પરિપત્ર કરીને વિસનગરના તંત્રને બરોબરનુ ભીસમાં લીધુ હતુ. ફાટકમા પેવર બ્લોક નાખવાના કામ કરવાનુ હોવાથી ફાટક બંધ કરવામા આવ્યો હતો. વિસનગરની આસપાસ ગામડાઓમાંથી વાહનો બાયપાસ કરી શકાય તેમ છે. પરંતુ રેલ્વે વિભાગના ફાટક બંધ કરવાના અચાનક નિર્ણયથી તંત્ર ઉંઘતુ ઝડપાયુ હતુ.
આ આઈ.ટી.આઈ.ફાટક બંધ હોવાથી હાઈવે ઉપરથી અવર જવર કરતા તમામ નાના-મોટા વાહનો વિસનગર સીટીમાંથી પસાર થયા હતા. જેમા આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી આદર્શ વિદ્યાલય મુખ્ય માર્ગ હોવાથી એમ.એન.કોલેજ રોડ ઉપર વાહનોની કતાર લાગી હતી. ૩૬ કલાક દરમ્યાન દિવસમાં એક વાર નહી પરંતુ અનેક વખત ટ્રાફીક જામ થયો હતો. જેમા શહેરના વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. ટુ વ્હીલર જેવા નાના વાહન ચાલકો સોસાયટીઅને ગલીઓમાંથી નિકળવા મજબુર હતા. પરંતુ શહેરમા ફોર વ્હીલ ધરાવતા વાહન ચાલકોને સવાળા દરવાજા વિસ્તારમાંથી પસાર થવામા હાઈવેના ટ્રાફીક જેવો અનુભવ થયો હતો.
વિસનગરમાં આમેય ફાટક બંધ હોય તે સમયે એમ.એન.કોલેજ ફાટક અને ગંજ બજાર ફાટક ખુબજ ટ્રાફીક રહે છે. સવાર અને સાંજ પીકઅપ સમયે રોડ ઉપર આડેધડ વાહનો પાર્ક કરવાના કારણે સવાળા દરવાજા વિસ્તારમાં પણ ટ્રાફીક જામ થાય છે. આ ઉપરાંત મહેસાણા ચાર રસ્તા ઉપર પણ ટ્રાફીક જામની સમસ્યાનો લોકોને સામનો કરવો પડે છે. ત્યારે ટ્રાફીક દૂર કરવાનો કોઈ અનુભવ નહી ધરાવતી વિસનગર પોલીસ આઈ.ટી.આઈ ફાટક બંધ કરવાથી શહેરનો ટ્રાફીક હળવો કરવા ફાંફે ચડી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us