વિસનગર બહુચરનગર વોહના છાપરામા પડેલી રેડમાં ભાંડો ફૂટ્યો ડબ્બા ટ્રેડીંગમાં પોલીસની રૂા.૫ લાખની લેતી દેતીની ચર્ચા
શેર બજારમાં રોકાણ કરવાના બહાને ધુતારા લોકોને નશ્યત કરવાની જગ્યાએ પોલીસજ આવા તત્વોને છાવરતી હોવાનુ જે જાણવા મળ્યુ છે તે ખરેખર શરમજનક છે. થોડા સમય પહેલા ડબ્બા ટ્રેડીંગના આરોપીઓને શોધતી હરિયાણા પોલીસ વિસનગર આવી હતી. જેમાં આરોપીઓને બચાવવા પોલીસે રૂા.૫ લાખનો તોડ કર્યો હોવાનુ બહાર આવ્યુ છે. પોલીસ કમીટમેન્ટ પુરૂ નહી કરતા રૂા. ૫ લાખ પરત માગતા તેની અદાવતમા બહુચરનગર વોહના છાપરામા જુગારની રેડ થઈ હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યુ છે. આ બાબતની જો તપાસ થાય તો વિસનગર પોલીસના એક અધિકારી અને લાગતા વળગતા કર્મચારીઓના પગ તળે રેલો આવે તેમ છે.
શેર બજારમા રોકાણના નામે છેતરતા લોકોને શબક શીખવવાની જગ્યાએ વાડજ જ્યારે ચીભડા ગળે ત્યારે કોને કહેવાનુ?
દારૂ જુગારની બદી કેટલાક લાંચ રૂશ્વતીયા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના ઘર ભરી રહી છે. વિસનગરમાં ચાલતા ક્રિકેટના સટ્ટા પણ પોલીસ માટે સોનાનુ ઈંડુ આપતી મરઘી સમાન છે. ત્યારે વિસનગરમાં ફુલેલા ફાલેલા ડબ્બા ટ્રેડીંગના ગેરકાયદેસર ધંધાએ લાંચીયા પોલીસની ઝોળી છલકાવી દીધી છે. ડબ્બા ટ્રેડીંગ કરતા તત્વોને એક તરફ જીલ્લાની એજન્સીઓ નશ્યત કરવા કમર કસી રહી છે. શેર બજારમા રોકાણ કરવાના બહાને છેતરતા લોકોને પકડવાની જવાબદારી વિસનગર પોલીસની છે. જ્યારે આ પોલીસજ આવા તત્વોને છાવરતા વકરો એટલો નફાનો વેપાર કરતા તત્વોને મોકળુ મેદાન મળી ગયુ છે.
વિસનગરમા ડબ્બા ટ્રેડીંગનો ગોરખધંધો ગૃહ ઉદ્યોગની જેમ વિકસ્યો છે. અનેક યુવાનો આ ધંધામાં છે. ત્યારે થોડા સમય પહેલાજ હરિયાણા પોલીસ ડબ્બા ટ્રેડીંગમા સંકળાયેલા ઠાકોર સમાજના યુવાનોને શોધતી વિસનગર આવી હતી. હરિયાણા પોલીસ વિસનગર પોલીસની જેમ લાંચ લેતી નહી હોવાથી છેતરપીંડી કરનાર યુવાનોને પકડવા મક્કમ હતી. ત્યારે આ યુવાનોને બચાવવા વિસનગર પોલીસે રૂા.૫ લાખનો સોદો કર્યો હોવાનુ ચર્ચાય છે. વિસનગર પોલીસે હરિયાણા પોલીસથી બચાવવા સોપારી લઈ લીધી હતી. પરંતુ પતાવટ નહી થતા હરિયાણા પોલીસ યુવાનોને ઉઠાવી ગઈ હતી. પોલીસ ડીલ પ્રમાણે નહી વર્તતા રૂા.૫ લાખ પરત લેવા માટેની ઉઘરાણી શરૂ થઈ હતી પણ અજગર જેવી પોલીસના પેટમાં ગયા બાદ બહાર કોણ કાઢી શકે? ડીલ પુરી નહી કરતા આપેલ રકમની ઉઘરાણી શરૂ થતા તેની અદાવતમા બહુચરનગર વોહના છાપરામાં અડધી રાત્રે જુગારની રેડ કરવામાં આવી હોવાનું ચર્ચાય છે. જાણવા મળ્યા પ્રમાણે આ બાબતની આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ સમક્ષ પણ રજુઆત થઈ છે. ડબ્બા ટ્રેડીંગમા બચાવવા રૂા. ૫ લાખના તોડથી વિસનગર પોલીસ સ્ટેશનના કેટલાક જવાબદાર પોલીસ કર્મચારીઓના બદલીના ભણકારા વાગી રહ્યા છે.