હર ઘર મે અબ એક હી નામ… એક નહી નારા ગુંજેગા… ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રીરામ બોલેગા
અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખા દેશમાં જયશ્રી રામનો ઘોષ ગુંજી રહ્યો છે. શ્રીરામના રંગે રંગાયો ન હોય તેવો દેશનો કોઈ ખુણો બાકી નહી હોય. વિસનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના રામભક્તો દ્વારા શહેરમાં કળશ પૂજન યાત્રાના કાર્યક્રમોને લઈને એક એવો માહોલ ઉભો કર્યો છેકે, ‘હર ઘર મે બસ એક હી નામ – એક હી નારા ગુંજેગા… ભારત કા બચ્ચા બચ્ચા જયશ્રી રામ બોલેગા’ શહેરમાં ઠેર ઠેર કળશ પૂજનના જાહેર કાર્યક્રમો થઈ રહ્યા છે. મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને સનાતનીઓને એવુ ઘેલુ લગાડ્યુ છેકે શ્રી રામના કાર્યક્રમના નામે લોકો ઉમટી પડે છે.
• વિદ્યાનગર સોસાયટીના કોમન પ્લોટમાં રાત્રી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામભક્તો ઉમટ્યા
• કાંસા એન.એ.મારૂતિનંદન સોસાયટીમાંથી ૧૫ સોસાયટીઓના સહકારથી ભવ્ય કળશયાત્રા નિકળી
સનાતની ધર્મના લોકો આઝાદી બાદ જુદા જુદા પંથ, ધર્મ અને સંપ્રદાયોમાં વહેચાઈ ગયા હતા. ત્યારે અયોધ્યા શ્રીરામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશના લોકોને એક તાતણે બાધવાનો ભગીરથ પ્રયાસ આર.એસ.એસ. અને વિ.એચ.પી. દ્વારા થઈ રહ્યો છે. મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં તમામ સમાજના લોકો જોડાય તેવી હાકલથી દેશમાં ઉચ્ચ વર્ગથી માડીને નીચલા વર્ગ સુધી તમામ સમાજના લોકો પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તેના વિવિધ કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે. શહેરમાં ગુરૂકુળ હાઈસ્કુલથી નિકળેલી ભવ્ય અક્ષત કળશ યાત્રા બાદ અત્યારે રામભક્તો દ્વારા વિસનગરમાં કળશ પૂજન અને વિતરણ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તા.૬-૧-૨૦૨૪ ને શનિવારના રોજ ધરોઈ કોલોની રોડ ઉપર કળશ પૂજન અને વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા કે મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેટલો ઉત્સાહ છે તે જોઈ શકાતો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાનગરનો કોમન પ્લોટ નાનો પડ્યો હતો. સ્ટેજ ઉપર સ્થાપન કરાયેલ વિવિધ વિસ્તારના કળશનુ પૂજન કરવામાં આવ્યુ હતુ. કાંસા એન.એ.ની મારૂતિનંદન સોસાયટીમાં આવેલ હનુમાનજીના મંદિરે કળશ રાખવામાં આવ્યો હતો. ત્યારે સ્વામિનારાયણ વસ્તીમાં આવેલી સીલીકોન વેલી, સોના બંગ્લોઝ સહિતના લગભગ ૧૫ સોસાયટી દ્વારા ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. શોભાયાત્રા મારૂતિનંદન સોસાયટીમાં હનુમાનજી મંદિરે પહોચી ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વિસનગર જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પટેલ મહેન્દ્રભાઈ કમાણાએ કળશ અર્પણ કર્યો હતો. આ શોભાયાત્રામાં સીલીકોન વેલી, લબ્ધી, શિવદર્શન, શિવાલય, સુવર્ણવિલા ભાગ ૧-૨, સંસ્કૃતિ વિલા, સત્યમેવ, માધવનગર, સોપાન, સોના બંગ્લોઝ, અવધ, તિરૂપતિ હોમ્સ વિગેરે સોસાયટીઓ જોડાઈ હતી. આ સીવાય કળશ યાત્રા બાદ શહેરના વિવિધ વિસ્તારો તથા ગામડામાં ડીજેના તાલે કળશ યાત્રા નિકળી અક્ષત અર્પણ કરવામાં આવી રહ્યા છે.