Select Page

વિસનગર બારના પ્રમુખ-મંત્રીની લાલ આંખથી તંત્ર દોડતુ થયુ કોર્ટની લીફ્ટ માટેની ડીઝાઈન તાત્કાલિક મંજુર થઈ

વિસનગર બારના પ્રમુખ-મંત્રીની લાલ આંખથી તંત્ર દોડતુ થયુ કોર્ટની લીફ્ટ માટેની ડીઝાઈન તાત્કાલિક મંજુર થઈ

ચમત્કાર વગર નમસ્કાર નહી. વિસનગર કોર્ટ સંકુલમાં પડતી મુશ્કેલીઓની બારના પ્રમુખ તથા મંત્રીએ નિડરતાથી રજુઆત કરતા તંત્ર દોડતુ થયુ હતુ. મંજુરી મળી હોવા છતાં નઘરોળ માર્ગ મકાન વિભાગ લીફ્ટ નહી બનાવતા અશક્ત અરજદારોને કેટલી તકલીફ પડે છે તેની સોશિયલ મિડીયામા તાદ્રશ્ય કરાવતા માર્ગ મકાનના અધિકારીઓ કોર્ટ સંકુલમાં દોડી આવી લીફ્ટની ડિઝાઈન તાત્કાલિક મંજુર કરાવી હતી. વકીલ મિત્રોને પડતી અન્ય મુશ્કેલીઓના પણ ઠરાવ કરીને ડીસ્ટ્રીક્ટ કોર્ટમા મોકલી આપવામાં આવ્યા છે.બારની ચુંટણી બીન હરિફ કરી સર્વ સંમતીથી વરાયેલા પ્રતિનિધિઓ મજબુત અને નિડરતાથી સમસ્યાઓનુ નિરાકરણ કરશે તેવી લાગણી બારના સભ્યોમા ઉદ્‌ભવી છે.
લીફ્ટ ફળવાઈ હોવા છતાં નહી બનાવતા અશક્ત અરજદારોને ઉચકીને લઈ જવા પડે છે
વિસનગરમા તાલુકા અને ડીસ્ટ્રીક્ટ કોર્ટ કાર્યરત છે. કોર્ટમાં આવતા સિનિયર સીટીઝન વકીલો ઉપરાંત અશક્ત અરજદારો, અસીલો, સાક્ષીઓને ત્રણ માળની સીડીઓ ચડવી ઉતરવી પડતી હોવાના કારણે બંન્ને કોર્ટમાં લીફ્ટની વ્યવસ્થા માટે ઘણા સમયથી માગણી થઈ રહી છે. વિસનગર બારની માગણી બાદ ત્રણ માસ પહેલા બંન્ને કોર્ટ તથા જજીસ એપાર્ટમેન્ટમા લીફ્ટની વ્યવસ્થા કરવા માટે કાયદા વિભાગે મંજુરી આપી છે. જેમાં જજીસ એપાર્ટમેન્ટમા લીફ્ટનુ કામ પુર્ણ થવાના આરે છે. પરંતુ ત્રણ માસથી મંજુરી મળી હોવા છતાં જ્યાં લોકોને વધારે અવર જવર છે તે બંન્ને કોર્ટમા લીફ્ટ બનાવવા માટે વિસનગર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આળસ ખંખેરતા ન હોતા.
એક અશક્ત વૃધ્ધ અરજદાર ચાલી શકવા સક્ષમ નહી હોવાથી વિસનગર કોર્ટમા ઉપાડીને લઈ જવા પડ્યા હતા. કોર્ટના કામ બાદ આ અશક્ત વૃધ્ધને નીચે ઉતારતા હતા. ત્યારે વિસનગર બાર એસો.ના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ તથા મંત્રી હાર્દિકભાઈ બારોટે નઘરોળ તંત્રની નિષ્ફળતાથી ઉભી થયેલી પરિસ્થિતિનો વીડીયો બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો હતો. જેમાં બારના મંત્રી હાર્દિકભાઈ બારોટે જણાવ્યુ હતુ કે, તાલુકા અને ડીસ્ટ્રીક્ટ કોર્ટમા લીફ્ટની મંજુરી મળી છે. પરંતુ માર્ગ મકાન વિભાગના નઘરોળ તંત્રના અધિકારીઓ નહી ગણકારતા અશક્ત વૃધ્ધ અરજદારોને સીડીઓ ચડવા ઉતરવાની ફરજ પડે છે. વડાપ્રધાન રોજ ૧૭થી ૧૮ કલાક કામ કરે છે. જ્યારે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઓફીસ સમય દરમ્યાન પણ કામ કરવા તૈયાર નથી. બારના મંત્રી હાર્દિકભાઈ બારોટની ઉગ્ર રજુઆતથી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. જાણવા મળ્યા મુજબ માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારી કોર્ટમા દોડી આવ્યા હતા. સેશન્સ કોર્ટના જજ તેમજ બારના પ્રમુખ, મંત્રી સાથે મિટીંગ કરી લીફ્ટની સુવિધા માટેની ડિઝાઈન મંજુર કરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us