Select Page

રજવાડા શાસનના લાખ્ખો સૈનિકો અને કાર સેવકોના બલીદાનને નત મસ્તક વંદન ૫૦૦ વર્ષના સંઘર્ષ અને ઘર્ષણ બાદ અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ

રજવાડા શાસનના લાખ્ખો સૈનિકો અને કાર સેવકોના બલીદાનને નત મસ્તક વંદન ૫૦૦ વર્ષના સંઘર્ષ અને ઘર્ષણ બાદ અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ

તંત્રી સ્થાનેથી…
ભારતમાં મોગલ શાસનમાં ૫૦૦ વર્ષ પહેલા અયોધ્યામાં શ્રી રામ મંદિર ધ્વસ્ત કરી બાબરી મસ્જીદ બનાવી ત્યારથી આ મંદિરને લઈ અનેક યુધ્ધો થયા હતા. રામ મંદિરને પુનઃ સ્થાપીત કરવા માટે રજવાડાઓના શાસનમાં અનેક રાજાઓ અને સૈનિકોએ બલીદાન આપ્યા. છેલ્લે રામ મંદિરના વિવાદમાં કેન્દ્રમાં કોંગ્રેસની અને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના શાસનમાં અસંખ્ય કારસેવકોએ પોતાનો જીવ ગુમાવ્યો. રામ લલ્લા મંદિરમાં બીરાજે તે માટે ૫૦૦ વર્ષમાં શ્રીરામ ભક્તોએ પોતાના બલીદાન આપ્યા તેમને નતમસ્તક વંદન. ભારતના ઈતિહાસમાં ૨૨ મી જાન્યુઆરી ૨૦૨૪ નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતિક સમાન ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં જન્મસ્થળેજ મંદિરનુ પુનઃ નિર્માણ થતા આ ઐતિહાસિક ક્ષણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથેજ અંકિત થઈ ગઈ છે. યોધ્ધા રજવાડાઓ અને કારસેવકોનુ મંદિર નિર્માણમાં જેટલુ યોગદાન છે તેટલુજ મહત્વનુ યોગદાન નરેન્દ્રભાઈ મોદીનુ છે. ૧૯૯૧ માં વિશ્વ હિન્દુ પરિષદ રામ જન્મભૂમિ આંદોલનના સમર્થનમાં દિલ્હીની બોટક્લબમાં એક મોટી રેલી યોજાઈ હતી. જેમાં સાધુ સંતો અને રામભક્તો સાથે નરેન્દ્રભાઈ મોદી પણ મોજુદ હતા. ૧૯૯૩ માં રામ મંદિર નિર્માણ સમર્થનમાં વિશ્વ હિન્દુ પરિષદે એક હસ્તાક્ષર અભિયાન ચલાવ્યુ હતુ. તેમાં પણ નરેન્દ્રભાઈ મોદીની મહત્વની ભૂમિકા હતી. જેમાં દેશભરમાંથી ૧૦ કરોડ લોકોના હસ્તાક્ષર થયા હતા. ૧૪ જાન્યુઆરી ૧૯૯૨ માં મુરલી મનોહર જોષીની સાથે એકતા યાત્રા સમયે નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિર નિર્માણ શરૂ થાય તે પછીજ અયોધ્યા આવશે તેવુ વચન આપ્યુ હતુ. ૨૨ મી જાન્યુઆરીએ અયોધ્યાન પહોચ્યા ત્યારે પોતાના વચનને પાળીને સંકલ્પ સિધ્ધિ કરી. મિશન રામ મંદિરની શરૂઆતમાં જુવો તો નરેન્દ્રભાઈ મોદીની ભૂમિકા કદી ભૂલી શકાશે નહી. સામાન્ય કાર્યકરથી માંડીને વડાપ્રધાન પદે પહોચ્યા ત્યા સુધી ૩૨ વર્ષની લાબી તપસ્યા બાદ ભગવાન શ્રીરામ જ્યારે જન્મભૂમિના મંદિરમાં બીરાજ્યા છે ત્યારે વિશ્વના ધાર્મિક ઈતિહાસમાં જ્યારે પણ ભગવાન શ્રીરામના નામનો ઉલ્લેખ કરાશે ત્યારે તેની સાથે અવધપુરી અને વડાપ્રધાન મોદીને ચોક્કસ યાદ કરાશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એમ કહી શકાય કે જન્મસ્થળેજ ભગવાન શ્રીરામના મંદિર મામલે ૫૦૦ વર્ષની આતુરતાનો અંત આવ્યો છે. વર્ષ ૨૦૧૯ માં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થયો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તેજ મંદિર શિલાન્યાસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. અસાધારણ ગતિથી ભવ્ય મંદિર નિર્માણનુ કાર્ય શરૂ થયુ અને શિલાન્યાસના પાંચ વર્ષ બાદ વડાપ્રધાનના હસ્તેજ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ થઈ. ત્યારે વડાપ્રધાન મોદીની ગેરંટીના શબ્દો સાચા પડ્યા છે. તેમના શાસનમાં તેમના હસ્તે જે પ્રોજેક્ટનો શિલાન્યાસ થાય છે, તેનુ ઉદ્‌ઘાટન પણ વડાપ્રધાન મોદી દ્વારાજ થાય છે. પહેલા એવો પણ સમય હતો કે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ દાયકા સુધી ચાલતા હતા. જે વડાપ્રધાને ભૂમિપૂજન કર્યુ તે ઉદ્‌ઘાટન કરી શક્યા નથી. વડાપ્રધાન મોદી આયોજનબધ્ધ રીતે સમયની સાથે ચાલીને કામ કરે છે અને મક્કમ નિર્ધારથી સફળ થાય છે. રામ મંદિરના કારણે રજવાડાઓ બાદ અંગ્રેજોના શાસનમા અને આઝાદી પછી પણ રમખાણો થયા. રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ યાત્રામાં પણ ગુજરાતના દહેગામ, ખેરાલુ, મુંબઈમાં છમકલા થયા. રામ મંદિર મામલે દેશમાં અનેક ઘર્ષણો થયા. કોમી એકતા અને ભાઈચારાને અસર પહોચી હવે જ્યારે ભવ્ય મંદિર બનીને દર્શન માટે ખુલ્લુ મુકાઈ ગયુ છે, ત્યારે યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જે કહ્યુ તે સાચુ છે. અયોધ્યા અને દેશમાં હવે રામ મંદિરના નામે ગોળીઓની ઘણઘણાટી નહી પણ જય શ્રીરામની ગુંજ હોવી જોઈએ. દેશનો સર્વાંગી અને ઝડપી વિકાસ માટે શાંતિ, કોમી એકતા અને સામાજીક સદ્‌ભાવના જળવાયેલી રહે તેવુ સૌહાદપૂર્ણ વાતાવરણ જરૂરી છે. રામ મંદિરનો વિવાદ પૂર્ણ થવો જોઈએ. જય શ્રીરામ…

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us