તાલુકા પંચાયત માર્કેટમાં ઓચિંતા ભાડા વધારાથી રોષ
રૂા.૧૫૦ થી ૨૦૦ માસિક ભાડાની સામે રૂા.૧૭૦૦ થી ૩૫૦૦ સુધીનો વધારો
વિસનગર તાલુકા પંચાયતના માર્કેટમાં વર્ષોથી ભાડે દુકાન રાખી વેપાર કરતા વેપારીઓ ઉપર અચાનક રૂા.૧૭૦૦ થી ૩૫૦૦ સુધીનો ૧૭ ગણો તોતીંગ ભાડા વધારો કરવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. વેપારીઓએ ટીડીઓ સુચીબેન પટેલ તથા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સમક્ષ ભાડા વધારામા ફેર વિચારણા કરવા તેમજ માર્કેટમાં રીપેરીંગ કરવા માટે રજુઆત કરી હતી.
વિસનગરમાં ૭૦ ના દાયકામા સ્ટેશન રોડ ઉજ્જડ હતો અને સાંજ પડ્યા બાદ કોઈ નીકળવાની હિંમત કરતુ નહોતુ તે સમયથી વેપારીઓએ ડિપોઝીટ આપી તાલુકા પંચાયતના માર્કેટની દુકાનો ભાડે રાખી હતી. તાલુકા પંચાયતની માલિકીનુ તાલુકા પથિકાશ્રમનુ માર્કેટ ૧૯૭૬માં બનાવવામાં આવ્યુ હતુ. તે સમયે ડિપોઝીટ લઈને વેપારીઓને દુકાનો આપવામાં આવી હતી. આ દાયકામાં ડિપોઝીટ જેટલી રકમથી જમીન ખરીદી હોત તો જમીનની કિંમત દોઢ થી બે કરોડની થઈ હોત. જમીન જેટલી દુકાનોની કિંમત નથી. છતા સમયાંત્તરે ચુંટાયેલા હોદ્દેદારો અને વહિવટી અધિકારી મિલ્કતોની કિંમતને લક્ષમાં રાખીને ભાડા વધારાનુ ગતકડુ કર્યા વગર રહી શકતા નથી. તાલુકા પંચાયતના માર્કેટનુ ભાડુ અત્યાર સુધી રૂા.૧૫૦ થી ૨૦૦ જેટલુ હતુ. જેમાં થોડો ઘણો વધારો કરી શકાય તેમ હતો. ત્યારે ઓચિંતો ભાડામાં સત્તર ગણો વધારો કરી રૂા.૧૭૦૦ થી ૩૫૦૦ સુધીનો વધારો કરી વેપારીઓને નોટીસ આપતા ભારે રોષ ફેલાયો છે.
તાલુકા પંચાયત માર્કેટના પાંચ વિભાગની ૬૭ દુકાનના વેપારીઓ એકઠા થઈ ટીડીઓ સુચીબેન પટેલ તથા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન વિષ્ણુભાઈ પટેલને આવેદન પત્ર આપ્યુ હતુ કે, અચાનક ૧૭ ગણુ ભાડુ વધારવુ તે કોઈ રીતે વ્યાજબી નથી. ધારાધોરણ પ્રમાણે ભાડુ નક્કી કરવામાં આવ્યુ નથી. તાલુકા પંચાયતને વેપારીઓએ વર્ષો સુધી ભાડુ આપ્યુ છે પરંતુ ભાડુઆતોને કોઈ પણ જાતની સગવડો આપવામાં આવી નથી. માર્કેટની છત તથા સીડી જર્જરીત થઈ હોવાથી જાનહાનીની પુરેપુરી શક્યતા છે. રીપેરીંગ કરવા માટે વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતા કોઈ દરકાર લેવામાં આવી નથી. ભાડા વધારામાં ફેર વિચારણા કરવા તમામ દુકાનદારોએ જણાવ્યુ હતુ.