Select Page

સતલાસણા મામલતદારનો ૨૧ દબાણકર્તાઓને દબાણ દુર કરાવવા હુકમ

સતલાસણા મામલતદારનો ૨૧ દબાણકર્તાઓને દબાણ દુર કરાવવા હુકમ

સતલાસણા ખાતે ૧૮ એકર જેવી જમીન સરકારી પડતર છે. જેનો જુનો સર્વે નંબર ૧૭૧ છે. કોર્ટની પાછળ તેની માપણી ૨૦૦૨-૩ના વર્ષમાં કરાઈ હતી. તે વખતે તત્કાલિન મામલતદાર ખેરાલુએ દબાણો દુર કરવા હુકમ કર્યો હતો. રાજકીય પ્રેશરમાં તે વખતે ૨૧ દબાણ કર્તાઓને રાહત મળી હતી. તાજેતરમાં ગુજરાત સરકાર દબાણો દુર કરાવવા માટે શખ્ત બની છે. તેમજ આ સર્વેનંબરમાં ૧૦૦ બેડની હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, સ્ટાફ ક્વાર્ટર સહિત અનેક સરકારી બાંધકામો માટે જગ્યા ખુલ્લી કરવાનું નક્કી થતા ૨૧ દબાણ કર્તાને નોટીસો આપી દબાણો દુર કરવા હુકમ કર્યો છે.
મામલતદાર સતલાસણા દ્વારા તા.૨૧-૪-૨૦૨૫ના રોજ ૨૧ દબાણકર્તાઓને દબાણો દુર કરવા નોટીસ આપી તા.૨૫-૪-૨૦૨૫ના રોજ કાયદેસર કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો. સરકારી પડતર જમીનમાં હાલ ૨૧ ખેડુતોએ વાવેતર કરી દીધુ છે. પોતાના ઢોર ઢાંખર તેમજ ટેમ્પરરી બાંધકામો પણ કરેલા છે. જેને દુર કરવાનું શરૂ કરતા પંથકના લોકો સ્થળ ઉપર જોવા ચડ્યા હતા.
દબાણ દુર કરવાની શરૂઆત કરાઈ
સતલાસણા મામલતદાર દ્વારા ૨૧ દબાણોકર્તાઓને નોટીસ આપી છે. જેમાં (૧) રબારી વિરાભાઈ ભગવાનભાઈ (વાવ), (૨) ચૌધરી જેઠાભાઈ તેજાભાઈ મૈયતના વારસદારો ચૌધરી રઘાભાઈ જેઠાભાઈ (વાવ), (૩) ચૌધરી રઘાભાઈ જેઠાભાઈ (વાવ) સતલાસણા ગામના (૪) ચૌહાણ અશોકસિંહ ધુળસિંહ, (૫) પટેલ પ્રવિણભાઈ લાલાભાઈ (૬) પટેલ નરેશભાઈ કેશાભાઈ (૭) પટેલ લીલાભાઈ વિરાભાઈ (૮) પટેલ ભીખાભાઈ પુંજાભાઈ (૯) પટેલ ગણેશભાઈ માણકાભાઈ (૧૦) પટેલ પ્રભુભાઈ લીલાભાઈ (૧૧) પટેલ મુકેશભાઈ લીલાભાઈ (૧૨) પટેલ ઈશ્વરભાઈ લીલાભાઈ (૧૩) પટેલ બેચરભાઈ મણકાભાઈ, (૧૪) પટેલ લાલાભાઈ જેચંદભાઈ, (૧૫) પટેલ પુરીબેન બેચરભાઈ, (૧૬) પટેલ અંબાલાલ બેચરભાઈ, (૧૭) પટેલ રણછોડભાઈ ભાયચંદભાઈ, (૧૮) પટેલ પ્રભુદાસભાઈ ભાઈચંદભાઈ, (૧૯) પટેલ અશ્વિનકુમાર મોતીભાઈ, (૨૦) ચૌધરી મોંઘજીભાઈ દેવજીભાઈ (વાવ) તથા દરજી ચંપાબેન ધુળાભાઈ (વાવ)ને દબાણો દુર કરવા નોટીસ આપી છે. લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૧ની જોગવાઈઓ અને ઠરાવોની રૂએ તા.૧૭-૧-૨૦૨૫થી જમીન ઉપર ઉગાડેલા પાક વાવેતર સરકાર દાખલ કરવા તેમજ જમીન ઉપરનો કબ્જો ખાલી કરવા આદેશ કર્યો હતો. જેના વિરૂધ્ધમાં ખેરાલુ પ્રાંતમાં અપિલ થઈ હતી જે અપિલ પણ ચાલી જતા દબાણો દુર કરવાની શરૂઆત કરવામાં આવી છે. દબાણો દુર કરવા માટે જરૂરી બંદોબસ્ત માટે નાયબ પોલીસ અધિક્ષક પાસે બંદોબસ્તની માંગણી કરાઈ હતી. ડી.આઈ.એલ.આર. ટી.ડી.ઓ., પી.આઈ.સતલાસણા, તલાટી, સર્કલ ઓફિસર તથા પ્રતિવાદીઓના વકીલ જશુભાઈ એચ.પટેલ રહે. ખેરાલુ વાળાને હાજર રાખવા જાણ કરાઈ હતી. તા.૨૧-૪-૨૦૨૫ના રોજ દબાણ દુર કરવાનો ઓર્ડર થયો અને ૨૫-૪-૨૦૨૫ના રોજ દબાણો દુર કરવાની શરૂઆત થઈ છે.
સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યુ છે કે, દબાણો દુર કરાયા પછી ૧૦૦ બેડની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, એસ.ટી.ડેપો, મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત, સર્કિટ હાઉસ, બી.આર.સી.ભવન, સ્ટાફ ક્વાર્ટર, તાલુકા હેલ્થ કચેરી જેવી સરકારી બિલ્ડીંગો બનશે. જુનો સર્વે નં.૧૭૧ અને નવો સર્વે નંબર૨૦૦માં સરકારી પડતર હાઈવે ટચ હોવાથી ૫૬ ગામોના લોકોને એકજ જગ્યાએ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે.