એપીએમસીએ ખેડૂતો-વેપારીઓના હિતમાં કામો કર્યા છે-ઋષિભાઈ પટેલ
વિસનગર એપીએમસીમાં આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે કિસાન રેસ્ટ હાઉસ અને ઓક્શન શેડનુ લોકાર્પણ કરાયુ
- કિસાન રેસ્ટ હાઉસમાં રૂા.૩.૭૫ કરોડના ખર્ચે ખેડૂતો અને શ્રમિકો માટે કુલ ૪૮ રૂમો બનાવવામાં આવી છે
- એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલના વહીવટમાં ખેડૂતો અને વેપારીઓની સુવિધા તથા સુખાકારીમાં વધારો થયો છે-આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ
વિસનગર એપીએમસીમાં કુલ રૂા.૫.૨૫ કરોડના ખર્ચે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ખેડૂતો અને શ્રમિકો માટે કિસાન રેસ્ટ હાઉસ અને ઓક્શન શેડ બનાવવામાં આવ્યો હતો. જેનું આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે ગત રવિવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મંત્રી ઋષિભાઈ પટેલે એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ તથા સાથી બોર્ડના ડીરેક્ટરોના વહીવટમાં માર્કેટયાર્ડમાં થયેલા વિકાસકાર્યોની પ્રશંસા કરી હતી.
વિસનગર એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, વાઈસ ચેરમેન હરેશભાઈ પટેલ તથા બોર્ડના ડીરેક્ટરો અને ગંજબજાર વેપારી મંડળના સંકલનથી માર્કેટયાર્ડમાં અનેક વિકાસકાર્યો થયા છે. માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતો અને વેપારીઓના હિતમાં સરાહનીય નિર્ણયો લેવાયા છે. જેના પરિણામે આજે આ માર્કેટયાર્ડમાં વિસનગર સહિત આજુબાજુના તાલુકાના ખેડૂતોનો ખેતપેદાશોના માલનું વેચાણ કરવા ભારે ઘસારો રહે છે. જોકે વિસનગર માર્કેટયાર્ડના વિકાસમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલનો નોધપાત્ર સહયોગ મળી રહ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના સહયોગથી વિસનગર એપીએમસી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમવાર રૂા.૫.૨૫ કરોડના ખર્ચે ૪૦૦૦ ચો.ફૂટની વિશાળ જગ્યામાં કિસાન રેસ્ટ હાઉસ અને ઓક્શન શેડ બનાવવામાં આવ્યો છે. જેમાં કિસાન રેસ્ટ હાઉસમાં રૂા.૩.૭૫ કરોડના ખર્ચે કુલ ૪૮ રૂમો બનાવવામાં આવી છે. આ રૂમોમાં ૨ બીએચકે ના ૬ રૂમ ખેડૂતો માટે અને ૧ બીએચકે ના ૪૨ રૂમ માર્કેટયાર્ડના શ્રમિકો માટે બનાવાયા છે. જ્યારે રૂા.૧.૫૦ કરોડના ખર્ચે ઓક્શન શેડ બનાવવામાં આવ્યો છે. આ કિસાન રેસ્ટ હાઉસ અને ઓક્શન શેડનુ ગત રવિવારે વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે મંત્રી ઋષિભાઈ પટેલે સભા સંબોધતા જણાવ્યુ હતુ કે, એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલના વહીવટમાં માર્કેટયાર્ડના ખેડૂતો અને વેપારીઓ માટે દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ થઈ છે. એપીએમસીના ભોજનાલયમાં ફક્ત રૂા.૪૦ માં ખેડૂતો અને વેપારીઓને દાળ-ભાત, રોટલી-શાકનું અનલીમીટેડ ભોજન આપવામાં આવે છે. એપીએમસીએ માર્કેટયાર્ડના ખેડૂતો અને વેપારીઓના હિતમાં અનેક કામો કર્યા છે. જેમાં એપીએમસીના ચેરમેન, ડીરેક્ટરો, વેપારી મંડળના સભ્યોએ ખેડૂતોના હિતમાં ખુબ સારૂ કામ કર્યુ છે. જ્યારે સ્વચ્છતા બાબતે ટકોર કરતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, આપણે દુનિયાના કોઈપણ દેશમાં જઈએ ત્યારે ત્યાં સ્વચ્છતા જાળવીએ છીએ અને આપણા દેશમાં જાહેરમાં કચરો નાખીને ગંદકી કરીએ છીએ. ત્યારે દરેક વ્યક્તિએ આ માનસિકતામાંથી બહાર આવી સ્વચ્છતા જાળવવી પડશે. દેશને આર્થિક રીતે મજબુત બનાવવા સ્વદેશી વસ્તુઓ અપનાવવી પડશે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દેશના નાગરિકોના હિતમાં અનેક કાર્યો કર્યા છે, છતાં ટીકાકારો તેમની ટીકા કરી રહ્યા છે. મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલના સમયમાં પણ ટીકાકારો હતા. ટીકાકારો ગમે તેટલી ટીકા કરે તો પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દેશ માટે કરેલા કામો ૨૧ મી સદીના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. જ્યારે રેલ્વેલાઈનના વિકાસની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહેસાણા-તારંગા બ્રોડગેજ લાઈન અંબાજી-આબુરોડ સુધી લંબાશે. જેનાથી આવનારા સમયમાં માલવાહક ટ્રેનો શરૂ થશે અને વિસનગરમાં વિકાસની મોટી તકો ઉભી થશે. વિસનગર ઔદ્યોગિક ક્ષેત્રે વેપારી કેન્દ્રનું મથક બનશે. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરી, એપીએમસીના વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરી, ડીરેક્ટર રાજુભાઈ ચૌધરી, રાજુભાઈ પટેલ(આર.કે.), એલ.કે.પટેલ, અંકિતભાઈ પટેલ, રાજીવભાઈ પટેલ, નટુભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, જશુભાઈ ચૌધરી, સેક્રેટરી અમિતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, શહેર પ્રમુખ ખુશાલભાઈ પટેલ, તાલુકા પ્રમુખ મેહુલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ હાજર રહ્યા હતા.