ગેરકાયદેસર રીક્ષા પાર્કિંગથી ઓલ ટાઈમ ટ્રાફીક
વિસનગરમા સવાલા દરવાજા બસ સ્ટેન્ડ આગળ
- બહારગામના પેસેન્જર ભરતા રીક્ષા ચાલકો પોલીસના કમાઉ દીકરા છે કે શુ ?
વિસનગર શહેરમા ગેરકાયદેસર પાર્કિંગ થયેલા વાહન ચાલકોને દંડવામા આવે છે. વાહનોને લોક મારવામા આવે છે. જ્યારે સવાળા દરવાજા બસ સ્ટેન્ડ આગળ રીક્ષાઓનુ ગેરકાયદેસર પાર્કિંગ થવા છતા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામા નહી આવતા વારંવાર ટ્રાફીકમા ફસાતા વાહનો ચાલકો પ્રશ્નો કરી રહ્યા છે કે શુ આ રીક્ષા ચાલકો પોલીસના કમાઉ દિકરા છે કે શુ ? આ રીક્ષા ચાલકોના કારણે બસ રોડ ઉપર ઉભી રહે છે અને પાછળ વાહનોની કતાર લાગી જાય છે.
વિસનગર શહેરમાં અત્યારે સવાળા દરવાજા વિસ્તારમા હરિહર સેવા મંડળથી સવાળા દરવાજા બસ સ્ટેન્ડ, એમ એન કોલેજ અને ગંજ બજાર ફાટક, ખેરાલુ રોડ વિગેરે વિસ્તાર ટ્રાફીકના એપી સેન્ટર છે. આ વિસ્તારોમા વારંવાર ટ્રાફીક થતો હોવાથી રોડ ઉપર કોઈ વાહન ગેરકાયદેસર પાર્કિંગ ન થાય તે જોવાની જવાબદારી પોલીસની છે ત્યારે સવાળા દરવાજા બસ સ્ટેન્ડ આગળ બહાર ગામના પેસેન્જર ભરતા રીક્ષા ચાલકો ગેરકાયદેસર પાર્કિંગ કરીને ઉભા રહેતા હોવા છતા પોલીસની નજરમા કેમ આવતા નથી તે બાબતે અનેક શંકાઓ સેવાઈ રહી છે.
સવાલા દરવાજા બસ સ્ટેન્ડ આગળ સવારથી મોડી સાંજ સુધી આખો દિવસ રીક્ષાઓ લાઈન કરી ઉભી રહેતી જોવા મળે છે. શહેરમા લોકલ ફેરા કરતી રીક્ષાઓ પ્રાથમિક શાળાના વરંડાને અડીને ઉભી હોય છે. જ્યારે બહારગામના પેસેન્જર ભરતા રીક્ષા ચાલકો બસ સ્ટેન્ડ આગળ ઉભા રહેતા હોવાથી બસ ડ્રાઈવરોને બસ સ્ટેન્ડથી થોડે દૂર બસ ઉભી રાખવા મજબુર બનવુ પડે છે. પેસેન્જર ચડે ત્યા સુધી બસ ઉભી રહેતી હોવાથી પાછળ વાહનોની કતાર લાગી જાય છે. બે ત્રણ બસ ભેગી થાય તો ઘણી વખત નાળા સુધી અને બીજી બાજુ ગોવિંદચકલા પટેલવાડી સુધી વાહનોની લાઈન લાગે છે. આવા સમયે રોડ બ્લોક થતા હરિહર સેવા મંડળ તરફથી આવતા વાહન ચાલકને ત્રણ દરવાજા ટાવર તરફ જવા જગ્યા ન મળતા આખા વિસ્તારમા ચક્કા જામ થઈ જાય છેે.
બસ સ્ટેન્ડ આગળ જો રીક્ષા ઉભી ન રહે તો બસ થોડી અંદરની બાજુ ઉભી રહી શકે. જેથી નાના વાહનોને આગળ નીકળવા જગ્યા મળી રહે તો આ વિસ્તારમાં જે વારંવાર ટ્રાફીક થાય છે તે ટ્રાફીક થાય નહી. આ ત્રણ રસ્તા ઉપર શહીદ વીર ઉત્રાણકરના બાવલા પાસે ટ્રાફીક પોલીસ હોય છે. જે બસ સ્ટેન્ડ આગળ ઉભી રહેતી રીક્ષાઓને હટાવતા નથી. શહેરમા અત્યારે ટ્રાફીકની ભારે સમસ્યા છે. ટ્રાફીક ન થાય તે માટે રોડ ઉપરના વાહનો હટાવવા માટે પી.આઈ કે.બી.પટેલ ગૌરવપથ રોડથી બસ સ્ટેન્ડ થઈ એમ એન કોલેજ ફાટક સુધી ફુટ પેટ્રોલીંગ કરે છે. ત્યારે પોલીસ ટીમ દિવસમા બે ત્રણ વખત સવાળા દરવાજા બસ સ્ટેન્ડ વિસ્તારમા પેટ્રોલીંગ કરી બસ સ્ટેન્ડ આગળ ગેરકાયદેસર પાર્ક કરવામા આવતી રીક્ષાઓ ડીેટેન કરી દંડનીય કાર્યવાહી કરે તો, ટ્રાફીકમા રાહત થાય તેમ છે.