Select Page

દિકરી દેવો ભવઃના સુત્રને સાર્થક કર્યુ
ગોઠવામાં લક્ષ્મી સમાન દિકરીની હાથી ઉપર શોભાયાત્રા

વિસનગર તાલુકાના ગોઠવા ગામના અને અમદાવાદના શિક્ષકે દિકરીનો જન્મ થયો ત્યારેજ સંકલ્પ કર્યો હતો કે, દિકરીના લગ્નપ્રસંગે દિકરીને હાથીની અંબાડી ઉપર બેસાડી શોભાયાત્રા કાઢવી. દિકરીને પુત્ર કરતા પણ વિશેષ સન્માન આપી આ શિક્ષકે દિકરી દેવો ભવઃના સુત્રને સાચા અર્થમાં સાબીત કરી બતાવ્યુ હતુ.
લગ્નપ્રસંગે હાથીની અંબાડી ઉપર દિકરીને બેસાડી વાજતે ગાજતે લગ્નમંડપ સુધી લઈ ગયા
વિસનગર તાલુકાના ગોઠવા ગામના મુળ વતની અને અમદાવાદ એચ.બી. કાપડીયા સ્કુલમાં માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા શિક્ષક વિમલકુમાર ભરતભાઈ પટેલ અને ઈલાબેન પટેલના કુખે દિકરી ફોરમનો જન્મ થયો હતો. દિકરીનો જન્મ થતાજ શિક્ષકે સંકલ્પ કર્યો હતો કે, દિકરીના લગ્ન પ્રસંગ મૂળ વતન ગોઠવામાં કરવા તેમજ હાથીની અંબાડી ઉપર બેસાડી દિકરીને વાજતે ગાજતે લગ્ન મંડપ સુધી લઈ જવી. ગોઠવા ગામમાં તા.૨૯-૧-૨૦૨૩ ને રવિવારના રોજ વિજાપુર તાલુકાના ખરોડ ગામના ભૂપેન્દ્રકુમાર કનુભાઈ પટેલ અને શ્રીમતી દિપીકાબેન પટેલના પુત્ર જિમિકુમાર સાથે દિકરી ફોરમનો લગ્નપ્રસંગ યોજાયો હતો. જે પ્રસંગે દિકરીને હાથીની અંબાડી ઉપર બેસાડી ઘરેથી લગ્ન મંડપ સુધી એક કી.મી. લાંબી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
લગ્નપ્રસંગે પુત્રનો વરઘોડો હોય છે ત્યારે પુત્ર કરતા વિશેષ સન્માન આપી દિકરીનો હાથીની સવારી ઉપર વરઘોડો નિકળતા ગોઠવા ગામના લોકો આ અનોખી શોભાયાત્રા જોવા ઉમટ્યા હતા.
એવા અનેક પરિવારો છે જ્યા દિકરીનો જન્મ થતા જીવન બદલાયુ છે. દિકરીના જન્મ બાદ શિક્ષક વિમલભાઈ પટેલના જીવનમાં આવોજ ચમત્કાર થયો હતો. વિમલભાઈ પટેલે જણાવ્યુ હતું કે, દિકરીનો જન્મ થયો ત્યારેજ સંકલ્પ કર્યો હતો કે, દિકરીના લગ્નપ્રસંગે હાથીની સવારી ઉપર શોભાયાત્રા કાઢવી. પરિવારમાં પ્રવેશ કરનાર લક્ષ્મી સમાન દિકરીને સન્માન આપવાનો મનોમન સંકલ્પ કરતાજ શિક્ષકના જીવનમાં પરિવર્તન આવ્યુ અને સામાજીક તેમજ આર્થિક સક્ષમતા વધી. બે કુળ તારનારી દિકરી દેવદૂત સમાન છે. ત્યારે લગ્નપ્રસંગે દિકરીને હાથીની અંબાડી ઉપર બેસાડી ગોઠવામાં શોભાયાત્રા કાઢી વિમલકુમાર પટેલ અને ઈલાબેન પટેલે એક સાચા અર્થમાં દિકરી દેવો ભવઃના સુત્રને સાર્થક કરી બતાવ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us