Select Page

સલાટવાડાથી ગોવિંદચકલા ચાર રસ્તા સુધીનો ૪૦૦ મીટર રોડ ૨૦ દિવસમાં બન્યો ધરોઈકોલોની રોડની હાલત નધણીયાતી ગાઝાપટ્ટી જેવી

વિસનગર પાલિકા દ્વારા સલાટવાડાથી ગોવિંદચકલા ચાર રસ્તા સુધીનો યુધ્ધના ધોરણે બનાવેલ સી.સી.રોડથી ધરોઈ કોલોની રોડની મંથર ગતિએ ચાલતી કામગીરી વિવાદમાં આવી છે. સ્થાનિક કોર્પોરેટરો અને રહીસોએ ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચેના ગાઝાપટ્ટી જેવી નધણીયાતી હાલત ધરોઈ કોલોની રોડની થઈ હોવાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. સલાટવાડાનો ૪૦૦ મીટરનો રોડ જો ૨૦ દિવસમાં બની શકતો હોય તો ધરોઈ કોલોની રોડ હજુ ચાર માસમાં પણ નહી બનતા પાલિકાના ભેદભાવ ધરાવતા વિકાસની ભારે ટીકા થઈ રહી છે.
વિસનગર પાલિકા દ્વારા વોર્ડ નં.૪ માં આવતા સલાટવાડાના ઓમકારેશ્વર મહાદેવથી ગોવિંદચકલા ચાર રસ્તા સુધીનો લગભગ ૪૦૦ મીટર રોડ અસાધારણ ગતિથી બનાવવામાં આવતા સ્થાનિક વેપારીઓ યુધ્ધના ધોરણે કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી રહ્યા છે. ૧ લી ફેબ્રુઆરીથી કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યુ હતુ અને ૨૦ મી ફેબ્રુઆરીએ કામ પૂર્ણ કરી અવરજવર માટે રોડ ખોલવામાં આવ્યો છે. જુનો આર.સી.સી.નો રોડ હતો જે તોડી તેનો કાટમાળ ઉપાડી જરૂરીયાત મુજબ ગટરના અને પાણીના કનેક્શન જોઈન્ટ કરી ફક્ત ૨૦ દિવસમાં ટ્રીમીક્સ રોડ બનાવવામાં આવ્યો છે. વેપાર ધંધાથી ધમધમતો અને લોકોની અવરજવર ધરાવતો જાહેર રોડ હોવાથી સ્થાનિક કોર્પોરેટરોની જાગૃતિથી ન કલ્પી શકાય તેટલી ઝડપથી કામ કરવામાં આવ્યુ છે. લગ્નપ્રસંગ હોવાથી બે દિવસ કામગીરી બંધ રાખવા છતા લોકહિતનો વિચાર કરી મોડી રાત સુધી કામગીરી કરીને સીસી રોડ બનાવવામાં આવતા આ વિસ્તારના લોકો સ્થાનિક કોર્પોરેટરોની જાગૃતિ અને પાલિકામાં વગની પણ સરાહના કરી રહ્યા છે.
સલાટવાડાનો રોડ યુધ્ધના ધોરણે બનાવવામાં આવતા ગોકળગાયની ગતિએ ચાલતા ધરોઈ કોલોનીનો વી.આઈ.પી. રોડ ફરીથી વિવાદમાં આવ્યો છે. ધરોઈ કોલોની રોડના વિકાસ અને સુવિધાઓમાં પાલિકા દ્વારા રીતસરનો ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. અનેક રજુઆતો અને પ્રયત્નો બાદ સી.સી. રોડનુ ટેન્ડરીંગ થયુ અને હવે વિકાસ કામમાં પણ એટલોજ અસંતોષ જોવા મળી રહ્યો છે. પંડ્યાના નાળાથી શિરડીનગર ચાર રસ્તાને જોઈન્ટ કરતો ધરોઈ કોલોની રોડ લગભગ ૮૦૦ થી ૯૦૦ મીટરનો છે. નવરાત્રીની શરૂઆત પહેલા રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે હજુ સુધી આસોપાલવ સોસાયટી સુધી લગભગ ૬૦૦ મીટરનોજ રોડ તૈયાર થયો છે. ૬૦ ઉપરાંત્ત સોસાયટીના લોકોની અવરજવર છે અને કોલેજ ફાટક બંધ હોય ત્યારે ધરોઈ કોલોની રોડ ખુબજ ઉપયોગી બને છે. આવો ધમધમતો જાહેર રોડની કામગીરી પાલિકા દ્વારા ખુબજ ધીમી ગતિથી થતા સ્થાનિક કોર્પોરેટરો ઉપરાંત્ત રહિસોનો પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સલાટવાડાના રોડની કામગીરી જોઈ લોકો પ્રશ્ન કરી રહ્યા છેકે, આ રોડનું પણ પાલિકા દ્વારા કામ કરવામાં આવ્યુ છે. તો ધરોઈ કોલોની રોડના કામમાં આટલી નિષ્ક્રીયતા અને આળસ કેમ? પાલિકાના ભેદભાવના કારણે વી.આઈ.પી. રોડ તરીકે ગણાતા ધરોઈ કોલોની રોડને ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચેના નધણીયાતા ગાઝાપટ્ટી સાથે સરખાવી રહ્યા છે. વોર્ડ નં.૫ ના સ્થાનિક કોર્પોરેટરોનુ પાલિકામાં કંઈ ઉપજતુ નહી હોવાની પણ લાગણી જોવા મળી રહી છે.
વોર્ડ નં.૫ ના કોર્પોરેટર આર.ડી.પટેલે રોષ વ્યક્ત કર્યો છેકે, રોડની કામગીરી ઝડપી થાય તે માટે પાલિકામાં રજુઆતો કરીને થાકી ગયા છીએ પરંતુ પાલિકા પ્રમુખ કે કર્મચારીઓ ગાંઠતા નથી. રોડ તોડ્યા પછી તુટેલી ગટરના જોઈન્ટ ઝડપથી ન કરતા કામગીરી આગળ વધતી નથી. નવરાત્રી પહેલા કામ શરૂ થયુ હતુ. ધીમી ગતિના કામથી હેરાન થતા સોસાયટીના લોકો પણ નારાજ છે. પાલિકાના કર્મચારીઓ ખઈબદેલા હોવાથી ધરોઈ કોલોની રોડની હાલત કફોડી બની છે. વોર્ડ નં.૫ ના કોર્પોરેટર જગદીશભાઈ પટેલે જણાવ્યુ છેકે, રોડ ઉપર રહેતા લોકોના ત્રણ થી ચાર લગ્નપ્રસંગ આવતા દરેક પ્રસંગ વખતે અઠવાડીયુ કામ બંધ રહ્યુ હતુ. રોડ બનાવ્યા બાદ કોન્ટ્રાક્ટર સી.સી.રોડમાં પાણી નહી પીવડાવતા હોવાનુ પણ જણાવ્યુ છે.
ધરોઈ કોલોની રોડ એ જાહેર રોડ છે અને હવે લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચુંટણી જાહેર થયા પહેલા રોડ નહી બને તો ચુંટણી પ્રચારમાં રોડનો વિવાદ નડી શકે તેમ છે. ત્યારે છેલ્લા ૧૫ દિવસથી રોડનુ કામ બંધ છે. હોળી વખતે મજુરો એક મહિનાની રજા ઉપર જતા હોવાથી સીસી રોડની બાકીની કામગીરી યુધ્ધાન ધોરણે થાય તે જરૂરી છે. રાજુભાઈ પટેલ આર.કે.ના બંગલાથી આસોપાલવ સોસાયટી સુધી બનેલા રોડ ઉપર સીસી રોડને પાણી પીવડાવવા કરેલા માટીના પાળા નહી ઉઠાવતા ટુ વ્હીલર વાહનચાલકો સ્લીપ થવાના બનાવ બની રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us