
પામોલમાં મનરેગાના બોગસ જોબકાર્ડ પકડાતા રૂા.૯૦,૦૦૦ રિકવર

મહેસાણાના લોકપાલ ગીરીશભાઈ શર્માની તપાસમાં
- વડનગર અને ખેરાલુ તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા અને થતા કામોની ઉંડી તપાસ કરવામાં આવે તો સરકારી નાણાંમાં મોટો ભ્રષ્ટાચાર બહાર આવવાની શક્યતા છે
વિજાપુર તાલુકાના પામોલ ગામમાં કેન્દ્ર સરકારની મનરેગા યોજનામાં થયેલા કામોમાં નોકરી કરતા ગામના બે વ્યક્તિઓએ શ્રમિકનું બોગસ જોબકાર્ડ બનાવી છેલ્લા ચાર વર્ષમાં સરકારના ૯૦ હજારની ગેરરીતી કરી હોવાનું બહાર આવ્યુ હતુ. જેમાં જીલ્લાના બિન ભ્રષ્ટાચારી લોકપાલે શ્રમિક બનેલા બંન્ને વ્યક્તિઓ પાસેથી રૂા.૯૦ હજાર રિકરવર કરવાની કડક કાર્યવાહી કરી હતી. જો જીલ્લાના લોકપાલ ગીરીશભાઈ શર્મા વડનગર અને ખેરાલુ તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા કામોની પણ ઉંડી તપાસ કરે તો મોટી નાણાંકીય ગેરરીતી બહાર આવે તેમ છે.
ગ્રામિણ વિસ્તારના ગરીબ, શ્રમિક અને બેરોજગારોને રોજગારી પુરી પાડતી કેન્દ્ર સરકારની મનરેગા યોજના કૌભાંડની યોજના પુરવાર થઈ રહી છે. જેમાં તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. આઈ.આર.ડી. શાખાના મદદનીશ ટી.ડી.ઓ. તથા મનરેગાના એ.પી.ઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોય છે. અગાઉ વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં મનરેગા યોજનામાં થયેલા કામોમાં લાખો રૂપિયાનુ કૌેભાંડ બહાર આવતા તાલુકા અને જીલ્લાના અધિકારીઓના પગ તળે રેલો આવ્યો હતો. આ યોજનામાં મૃતકો, નોકરીયાત તથા બહારગામ રહેતા લોકોના નામે બોગસ જોબકાર્ડ બનાવી નાણાંકીય કૌભાંડ કરવામાં આવ્યુ છે. વિજાપુર તાલુકાના પામોલ ગામમાં મનરેગા યોજનામાં વિવિધ કામો કરવામાં આવ્યા હતા. આ કામમાં નોકરી કરતા લોકોના બોગસ જોબકાર્ડ બનાવી સરકારી નાણાંમા ગેરરીતી કરવામાં આવી હોવાની ગામના રહીશ ચૌધરી મહેન્દ્રભાઈ કચરાભાઈએ મહેસાણા જીલ્લાના મનરેગાના બિન ભ્રષ્ટાચારી લોકપાલ ગીરીશભાઈ શર્માને લેખિત રજુઆત કરી હતી. જેમાં લોકપાલ ગીરીશભાઈ શર્માએ તપાસ કરતા મનરેગામાં કામો કરતા ૮ (આઠ) શ્રમિકો પૈકીના જોબકાર્ડમાં શ્રમિક આશાબેન સોમાભાઈ બાવા આશાવર્કર તરીકે નોકરી કરતા હતા. જ્યારે બીજા શ્રમિક હસમુખભાઈ મફતલાલ વર્ષ ૨૦૦૯થી કોલવડા ગામમાં વી.સી.તરીકે ફરજ બજાવતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. ત્યારે લોકપાલ ગીરીશભાઈ શર્માએ મનરેગાના બોગસ જોબકાર્ડ બનાવી સરકારી નાણાંમાં ગેરીરીતી કરનાર આશાબેન બાવા પાસેથી વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૪ સુધીના કુલ રૂા.૪૦,૧૭૫ અને હસમુખભાઈ ચૌધરી પાસેથી વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ સુધીના રૂા.૫૦,૦૮૨ રિકવર કરવાની કાર્યવાહી કરી હતી. લોકપાલની કડક કાર્યવાહીથી વિજાપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આશાબેન બાવા પાસેથી રૂા.૪૦,૧૭૫ અને હસમુખભાઈ ચૌધરી પાસેથી રૂા.૫૦,૦૮૨ સરકારમાં રિકવર કરવામાં આવ્યા હતા. જોકે મહેસાણા જીલ્લામાં આવા તો કેટલાય બોગસ જોબકાર્ડ હશે. જેમાં વડનગર અને ખેરાલુ તાલુકામાં મનરેગા યોજનામાં થતા કામોની ઉંડી તપાસ કરવામાં આવે તો અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગત અને ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતા છે. જોકે આગામી ટુંક સમયમાં આ દિશામાં મનરેગા યોજનાનું મોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા છે.