બ્લડ બેંકના લાભાર્થે ભાગવત સપ્તાહનો તાલુકામાં અનેરો ઉત્સાહ
દાનપ્રીય દાતાઓ સમાજ સેવાના કાર્યમાં ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપે દાન આપવા તત્પર
- રૂક્ષ્મણી વિવાહમાં મામેરાના યજમાન પાલિકાના પૂર્વ પ્રમુખ લાલાભાઈ રબારીના નિવાસ્થાનેથી તા.૨-૧-૨૬ ના રોજ બપોરે ૨-૩૦ કલાકે મામેરાની શોભાયાત્રા નીકળશે
- કથા સ્થળે રૂા.૧૦૦, રૂા.૨૦૦ અને રૂા.૫૦૦ ની હુંડી લઈને ફૂલ નહી તો ફૂલની પાંખડી સ્વરૂપે દાન કરી શકાશે
વિસનગર બ્લડ બેંકના લાભાર્થે શરૂ થયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવની ઉજવણી માટે અત્યારે સમગ્ર તાલુકામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બ્લડ બેંકનુ સંચાલન હાથી પાળવા સમાન છે. હોય એટલુ ભંડોળ ઓછુ પડે. અત્યાર સુધી શહેરના દાતાઓએ સ્વેચ્છાએ દાન આપ્યુ છે. ત્યારે ભાગવત સપ્તાહ દરમ્યાન ફૂલ નહી તો ફૂલની પાંખડી સ્વરૂપે દાન આપવા માટે દાનપ્રેમી અને ધર્મપ્રેમી જનતામાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. બ્લડ બેન્કના લાભાર્થે આ સપ્તાહ અત્યારે સમગ્ર તાલુકાનો પ્રસંગ બની ગયો હોય તેવુ વિસનગરના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યુ છે.
વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ આર.કે., એમ.ડી. પટેલ કિર્તિભાઈ કલાનિકેતન અને તેમની સમગ્ર ટીમ અત્યારે અદ્યતન બ્લડ બેંકના લાભાર્થે જે ભગીરથ કાર્ય કરી રહ્યા છે તેનો લાભ સમગ્ર તાલુકાને મળવાનો છે. પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બ્લડ બેન્કનુ અદ્યતન નવીન ભવન બનાવ્યા બાદ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞથી આ સેવા કાર્યનો શુભારંભ થઈ રહ્યો છે. બ્લડ બેંકના લાભાર્થે તા.૨૮-૧૨-૨૫ થી તા.૩-૧-૨૦૨૬ સુધી રોજ બપોરે ૨-૩૦ થી સાંજે ૭-૦૦ કલાક સુધી કડા રોડ ના.વી. કન્યા વિદ્યાલય પાસે તળ સમાજની વાડી ઉમિયા ગાર્ડન પાર્ટી પ્લોટમાં સપ્તાહ થશે. કથાકાર પૂજ્ય દિપાલી દીદી કથાનુ રસપાન કરાવશે. તા.૨૮-૧૨ ના રોજ કથાનો પ્રારંભ થઈ ગયો છે. પોથીના મુખ્ય યજમાન શેઠ કેશવલાલ અમથાલાલ પટેલના નિવાસ્થાનેથી ભવ્ય પોથીયાત્રા સાથેજ ભાગવત સપ્તાહ શરૂ થશે. ભાગવત સપ્તાહ દરમ્યાન તા.૨૯-૧૨ ભીષ્મ સ્તુતી, તા.૩૦-૧૨ નરસિંહ ભગવાન પ્રાગટ્ય, તા.૩૧-૧૨ શ્રી કૃષ્ણ જન્મોત્સવ, તા.૧-૧-૨૬ શ્રી ગોવર્ધનલીલા અન્નકુટ, તા.૨-૧ શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ તથા તા.૩-૧ના રોજ શ્રી સુદામા ચરિત્ર કથાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ દિવસે સાંજે ૬-૦૦ કલાકે કથાનો વિરામ થશે. તા.૨-૧-૨૬ ના રોજ શ્રીકૃષ્ણ રૂક્ષ્મણી વિવાહમાં સ્વ.શ્રી રૂગનાથભાઈ મુળાભાઈ રબારી અને સ્વ.માલીબેન રૂગનાથભાઈ રબારી સમસ્ત પરિવાર મામેરાના યજમાન બન્યા છે. આ દિવસે પાલિકાના પૂર્વ પ્રમુખ લાલાભાઈ રૂગનાથભાઈ રબારીના ડી.ડી. રોડ સરદાર સોસાયટી ખાતેના નિવાસ્થાનેથી બપોરે ૨-૩૦ કલાકે મામેરાની શોભાયાત્રા નીકળશે. સ્વ.શ્રી રૂગનાથભાઈ રબારીના પુત્રો વિરમભાઈ રબારી, લાલાભાઈ રબારી, કાનજીભાઈ રબારી અને જયરામભાઈ રબારી દ્વારા ભાગવત સપ્તાહ નિમિત્તે મામેરા માટેની તડામાર તૈયારી કરી રહ્યા છે.
ભાગવત સપ્તાહમાં સમગ્ર તાલુકામાંથી લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી કથા શ્રવણ માટે આવનાર ધર્મપ્રેમી લોકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે. કમિટીના કન્વીનર અને સભ્યોને શુ કાર્ય કરવુ તેની માહિતી આપવા તા.૨૧-૧૨-૨૦૨૫ ને રવિવારે કથા સ્થળે મીટીંગનુ આયોજન કર્યુ હતુ. જેમાં બ્લડ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ તથા એમ.ડી. કિર્તિભાઈ કલાનિકેતને કમીટીમાં કોને શું કાર્ય કરવુ તેનુ માર્ગદૃશન આપ્યુ હતુ. કમીટીના સભ્યોમાં ભાગવત સપ્તાહના સફળ આયોજન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમ્યાન બ્લડ બેંકને વધુમાં વધુ દાન મળે તે માટે ચેરમેન રાજુભાઈ પટેલ અને તેમની ટીમ સતત પ્રયત્નો કરી રહ્યા છે. લોકોમાં પ્રશ્ન થતો હશે કે નવુ ભવન તો બની ગયુ હવે દાનની શું જરૂરીયાત છે? ત્યારે બ્લડ બેંકનુ સંચાલન હાથી પાળવા સમાન છે. રક્તદાતા પાસેથી રક્ત લઈને તેને પ્રોશેશ કરી સાચવવા પાછળ ઘણો ખર્ચ થાય છે. જ્યારે હૉલબ્લડ બોટલના રૂા.૯૦૦ અને પ્લેટલેટ બોટલના રૂા.૪૦૦ ચાર્જ લેવામાં આવે છે. વળી લોકોને નિયમિત બ્લડની જરૂર પડતી હોય છે તેવા રોગના દર્દીઓને વિનામુલ્યે બ્લડ બેગ આપવામાં આવે છે. બ્લડના ટેસ્ટ, બ્લડ બેન્કની મશીનરી, કર્મચારીઓનો પગાર, લાઈટ બીલ વિગેરે માટે પણ ઘણો ખર્ચ થાય છે. સમાજ સેવાની ભાવનાથી બ્લડ બેંકનુ સંચાલન થાય છે. બ્લડ બેંકના સંચાલન માટે જેટલુ ભંડોળ હોય તેટલુ ઓછુ પડે. ચેરમેન રાજુભાઈ પટેલ પોતે ભામાશા હોવાથી બ્લડ બેંકને જરૂર પડશે ત્યારે મદદ કરવાની તૈયારી દર્શાવતા આખી ટીમ કોઈ ચિંતા વગર બ્લડ બેંકનુ સંચાલન કરી રહી છે. બ્લડ બેંકમાં જેટલુ વધારે ભંડોળ હશે તેટલુ સારૂ સંચાલન થશે. જેથી બ્લડ બેંકમાં ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપે પણ દાન કરવા અપીલ કરવામાં આવી છે. ભાગવત સપ્તાહના સ્થળે રૂા.૧૦૦, ૨૦૦ અને ૫૦૦ ની હુંડી રાખવામાં આવી છે. દાતાઓ આ હુંડી સ્વિકારી દાન કરી શકશે.
બ્લડ બેંકના લાભાર્થે ભાગવત સપ્તાહમાં સામાજિક સમરસતાનો અનોખો કાર્યક્રમ યોજાયો
બ્લડ બેંકના લાભાર્થે આયોજિત ભાગવત સપ્તાહમાં સામાજિક સમરસતાનો સમાજમાં સંદેશો પહોંચે તે માટે અનુસૂચિત જાતિની દીકરીઓના હસ્તે બપોરે ભોજનપ્રસાદ રસોડાનો શુભારંભ કરાયો હતો. પ્રથમ દિવસે તા.૨૮/૧૨/૨૦૨૫ના રોજ બપોરના ભોજન સમારંભમાં સૌપ્રથમ અનુસૂચિત જાતિની દીકરીઓ ભોજન પ્રસાદ લીધો હતો. ત્યારબાદ કથા સ્થળે કથાકાર પૂજ્ય દિપાલી દીદી મંડપ પ્રવેશ કર્યો ત્યારે અનુસૂચિત જાતિની દીકરીઓના હસ્તે પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અનુસૂચિત જાતિની આ દીકરીઓ સાથે કથાકાર પૂજ્ય દિપાલી દીદી સ્ટેજ ઉપર પહોચ્યા હતા. જ્યાં કથાની શરૂઆતમાં સૌપ્રથમ અનુસુચિત જાતિની દીકરીઓના ચરણનુ કુમકુમથી લક્ષ્મીપૂજન કરી કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
અનુસૂચિત જાતિ સમાજની દીકરીઓની ઉપસ્થિતિમાં ભોજન પ્રસાદ રસોડાનો અને કથાનો પ્રારંભ કરાયો