યોગ્ય નિકાલ ન થાય ત્યા સુધી અચોક્કસ મુદત માટે માર્કેટયાર્ડ બંધ ગંજબજારમાં ભરાતા પાણીના મુદ્દે વેપારીઓનો પાલિકા સામે મોરચો
વિસનગર ગંજબજારની અંદર તથા બહાર વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન વર્ષોથી છે. ગત ચોમાસામાં પણ વરસાદી પાણીનો નિકાલ કરવા ગંજબજારના વેપારીઓની રજુઆત હતી. ત્યારે ભારે વરસાદમાં પાણી ભરાતા ગંજબજારમા પેઢીઓની બહાર પડેલો માલ સામાન પલડીને નુકશાન થતા વેપારીઓએ હવે યોગ્ય નિકાલ ન થાય ત્યા સુધી અચોક્કસ મુદત માટે માર્કેટયાર્ડ બંધનુ શસ્ત્ર ઉગામતા ભારે ચકચાર જાગી છે. બીજી બાજુ ગંજબજારની બહારના વેપારીઓએ પણ ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાનુ અલ્ટીમેટમ આપવા વેપારીઓના મોરચા સામે પાલિકા તંત્ર દોડતુ થઈ ગયુ છે.
જ્યારથી વિસનગરમાં બ્રોડગેજ રેલ્વે લાઈનનુ કામ શરૂ થયુ અને રેલ્વે સ્ટેશનમાં પુરાણ કરવામાં આવ્યુ ત્યારથી છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગંજબજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા વધી છે. વિસનગરમાં ૨૯ જુલાઈના રોજ સવારના સમયે એક સાથે ૬ ઈંચ વરસાદ ખાબકતા ગંજબજારમાં પાણી ભરાઈ ગયુ હતુ. પાણીનો નિકાલ નહી થતા પેઢીઓમાં પાણી ઘુસી જતા બહાર મુકવામાં આવેલ અનાજની બોરીઓ અને માલ સામાનને ભારે નુકશાન થયુ હતુ. વેપારીઓ અનાજની બોરીઓ અને માલ સામાન ઉઠાવવા દોડતા થઈ ગયા હતા. ગંજબજારમા બબ્બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. સવારે વરસાદ પડ્યો હતો ત્યારે સાંજના ૬ કલાક સુધી ગંજબજાર વિસ્તારમાંથી પાણી ઓસર્યા નહોતા. વારંવાર રજુઆતો કરવા છતા પાલિકા દ્વારા વરસાદી પાણી નિકાલ બાબતે નક્કર કામગીરી નહી કરતા આ પરિસ્થિતિથી ગંજબજાર વેપારી મંડળ લાલઘુમ થયુ હતુ.
ગંજબજારમાં વરસાદી પાણી ભરાતા બીજાજ દિવસે મંગળવારે વેપારી મંડળના હૉલમાં મીટીંગ મળી હતી. જેમાં વેપારીઓએ સામુહિક રોષ વ્યક્ત કર્યો હતો કે, ગંજબજારમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા પાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજુઆતો કરીએ છીએ છતાં પાલિકાના સત્તાધિશો તેનો કોઈ ઉકેલ લાવતા નથી. વેપારીઓની કોઈ રજુઆત ગણકારતા નથી. જેના કારણે ચોમાસુ આવે ત્યારે વેપારીઓને આર્થિક નુકશાન થવાનો ડર લાગે છે. વારંવાર રજુઆત કરવા છતાં પાલિકાના સત્તાધિશો રજુઆત ધ્યાને નહી લેતા અમને વેપારી જાત ઉપર શરમ આવે છે. જોકે આ મીટીંગમાં વેપારી મંડળના હોદ્દેદારોએ રાજકારણને બાજુમાં રાખી માત્ર વેપારીઓના હિતમાં પાલિકાનો વિરોધ કરવાનું આયોજન કર્યુ હતુ. જેમાં કેટલાક વેપારીઓએ પાલિકામાં વાર્ષિક વેરો નહી ભરવાની અને પાલિકા વિરુધ્ધ કડક વલણ અપનાવવા માગણી કરી હતી. જ્યારે કેટલાક વેપારીઓએ જ્યાં સુધી વરસાદી પાણીના નિકાલની અસરકારક કામગીરી ન થાય ત્યા સુધી ગંજબજાર માર્કેટ બંધનુ એલાન જાહેર કરવાનો અભિપ્રાય આપ્યો હતો. એક વેપારીએ તો રોષ સાથે કહ્યું કે વરસાદી પાણીના નિકાલ માટે પાલિકામાં રજુઆત કરીએ ત્યારે તેઓ માત્ર આશ્વાસન આપે છે. કોઈ કાર્યવાહી કરતા નથી. અત્યારે વેપારીઓના વર્ચસ્વ અને અસ્તિત્વ સામે મોટો ખતરો ઉભો થયો છે. પાલિકાના આવા વહીવટના કારણે વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવા કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતુ નથી. તે શરમજનક કહેવાય. આ મીટીંગમાં ગંજબજાર વેપારી મંડળે એપીએમસીના વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરીના વર્તન બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. ભોળાભાઈ પટેલના શાસનકાળને યાદ કરી તેમના વહીવટની પ્રશંસા કરી હતી.
આ મીટીંગમાં ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ પી.સી.પટેલ, પૂર્વ પ્રમુખ કરશનભાઈ પટેલ(લાછડી), એપીએમસીના ડીરેક્ટર પરેશભાઈ પટેલ, લાલભાઈ પટેલ, જગાભાઈ, મુકેશભાઈ, સહિત વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મીટીંગ બાદ તા.૨-૮-૨૦૨૪ ના રોજથી અચોક્કસ મુદત માટે માર્કેટયાર્ડનુ કામકાજ બંધ રાખવા પાલિકાને અલ્ટીમેટમ આપ્યુ હતુ. ગંજબજાર વેપારી મંડળના નિર્ણય બાદ તા.૨-૮ ના રોજ ગંજબજાર જડબેસલાક બંધ રહ્યુ હતુ.
ગંજબજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા બહારના વેપારીઓ પણ પરેશાની ભોગવી રહ્યા છે. ૩૦ તારીખે ગંજબજારના વેપારીઓની મીટીંગ બાદ ગંજબજારની બહારના વેપારીઓની પણ તા.૧-૮-૨૪ ના રોજ મીટીંગ મળી હતી. આ મીટીંગમાં પણ પાણી દુકાનોમાં અને વખાર પ્લોટમાં ઘુસી જતા માલ સામાનને નુકશાન થતુ હોવાનો વેપારીઓનો રોષ હતો. મીટીંગ બાદ ભરાતા વરસાદી પાણીનો ત્રણ દિવસમાં કાયમી નિકાલ કરવામામાં નહી આવે તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની પાલિકા ચીફ ઓફીસરને ચીમકી આપી હતી.
ગંજબજાર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ બાબતે વેપારીઓએ મોરચો માડતા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી સહીતનુ આખુ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. ચોમાસા પહેલા રેલ્વે નાળાથી નૂતન તરફ જતી કેનાલની સફાઈ કરવા વેપારીઓએ રજુઆત કરી હતી. પરંતુ પાલિકા તંત્રએ વેપારીઓની રજુઆત ગણકારી નહોતી. વેપારીઓનો રોષ જોઈ લવારીયાઓના ઘર આગળની કેનાલ તાત્કાલીક ખોદીને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે જીવનયોગ અને જ્યોતિ હોસ્પિટલની આગળની દુકાનો આગળથી પસાર થતી કેનાલ ખોલી સફાઈ કરવામાં નહી આવે ત્યા સુધી વરસાદી પાણીનો નિકાલ થાય તેમ નથી.
ઘરમાં વિવાદ ચાલતો હોય તો ફરવા જવાનુ મન થાય ખરૂ?
ગંજબજાર બંધનો નિર્ણય કરી વેપારી મંડળ ફરવા ગયુ
ગંજબજારમાં પાણી ભરાવાના મુદ્દે ગંજબજાર વેપારી મંડળ દ્વારા વિસનગર પાલિકાની નિષ્ક્રીય કામગીરી સામે અચોક્કસ મુદત માટે બંધનુ એલાન આપ્યુ હતુ. બીજી ઓગસ્ટથી જડબેસલાક બંધ રહેતા ગંજબજારમાં સુનકાર જોવા મળ્યો હતો. ચોમાસામાં ખેત ઉત્પાદનની આવક ઓછી થાય છે. પરંતુ કરિયાણા તથા અન્ય વેપારની દુકાનો બારેમાસ ધમધમતી હોય છે. આ વેપારીઓને મોટુ નુકશાન થયુ છે. આવા નિર્ણયો લઈને વેપારી મંડળના હોદ્દેદારોએ વિસનગરમાં હાજર રહેવુ જોઈએ જ્યારે લક્ઝરી બસ લઈ હોદ્દેદારો ફરવા જતા રહેતા આ વર્તણુકથી કેટલાક વેપારીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો કે વેપારી મંડળના હોદ્દેદારો જવાબદાર વ્યક્તિઓ છે ત્યારે વિવાદ સળગતો રાખી બહાર ફરવા જતા રહે તે કેટલુ યોગ્ય છે. ઘરમાં વિવાદ ચાલતો હોય તો ફરવા જવાનુ મન થાય ખરૂ?