Select Page

૧૦ ગણુ ઝડપી ઉગે છે અને ૩ વર્ષમાં મેઈન્ટેનન્સ ફ્રી બની જાય છે જાપાની મિયાવાકી પધ્ધતિના વૃક્ષોનાકાર્બન ડાયોક્સાઈડ શોષવાની ક્ષમતા ૩૦ ગણી

૧૦ ગણુ ઝડપી ઉગે છે અને ૩ વર્ષમાં મેઈન્ટેનન્સ ફ્રી બની જાય છે જાપાની મિયાવાકી પધ્ધતિના વૃક્ષોનાકાર્બન ડાયોક્સાઈડ શોષવાની ક્ષમતા ૩૦ ગણી

તંત્રી સ્થાનેથી…
આ વર્ષે ઉનાળામાં હિટવેવના દિવસો અગાઉ તમામ નોધાયેલા રેકર્ડને પાછળ પાડી દીધા છે. લાંબા દિવસો સુધી ૪૩ થી ૪૫ ડીગ્રી તાપમાનથી જીવ માત્ર ત્રાહીમામ પોકારી ઉઠ્યો હતો. ભારતદેશમાજ હિટવેવના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. કેટલાક રાજ્યમાં શાળાઓમા પણ મીની વેકેશન જાહેર કરવાની ફરજ પડી હતી. સુર્યના કિરણોત્સર્ગ અને કોસ્મિક રેડીયેશનનું પૃથ્વી પર નિયંત્રણ કરતા ઓઝોન સ્તરની ક્ષમતા ઘટતા ઉનાળામાં તાપમાનના રેકોર્ડ દર વર્ષે તુટી રહ્યા છે. કાળા માથાના માનવીની સંશોધનની સતત વૃત્તીના કારણે ટેકનોલોજીનો યુગ આગળ વધી રહ્યો છે, પરંતુ આકાશમાંથી થતી અગનવર્ષાને રોકવાની, તેને ઘટાડવાની કે તેની ઉપર પકડ રાખવાની ટેકનોલોજી શોધી શકાઈ નથી. જોકે કુદરત ઉપર ટેકનોલોજીનો ઉપયોગ ઘાતક બની જાય છે. થોડા સમય અગાઉ આરબ રાષ્ટ્રમા ક્લાઉડ શેડીંગ કરવામાં આવતા રણપ્રદેશ વિસ્તારના શહેરોમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. કુદરતનો પ્રકોપ રોકવામાં વિજ્ઞાન થોડુ ઘણુ સહાયરૂપ બની શકે પણ કાયમી પરિવર્તન આવે તેવુ હાલના વિજ્ઞાન પ્રમાણે શક્ય નથી. વિશ્વ ઉપર મંડારાતી ગ્લોબલ વોર્મિંગની અસરો ઉપર જો કોઈ અંકુશ લાવી શકે તેમ હોય તો એક માત્ર વૃક્ષ છે. જેટલા વૃક્ષ વવાશે તેટલો પર્યાવરણમાં ફાયદો થશે. ભારત દેશમાં પારંપારિક વૃક્ષોના રોપણ, ઉછેર અને પરિપક્વ થવા સુધી સાત થી આઠ વર્ષનો સમય થતો હોય છે. અત્યારના ફાસ્ટ યુગમાં લોકોને પોતાની જાત સાચવવાનો સમય નથી ત્યારે આટલા વર્ષ સુધી વૃક્ષોની જાળવણી કરી શકે તે અશક્ય છે. જીવન જીવવા માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ તેમાં વાતાવરણ સંતુલીત કરવાનો પ્રયત્ન કરવો એ પણ એટલોજ જરૂરી છે. કારણકે આપણુ જીવન વાતાવરણ ઉપરજ ટકેલુ છે. પ્રકૃતિ સાથેનો આપણો સબંધ આજે કટોકટીના આરે આવીને ઉભો છે. જેનાથી પૃથ્વી અને આસપાસના વાતાવરણને કદી ન સુધરે એવી ક્ષતિ પહોચી છે. આ ક્ષતિ દૂર કરવાનો એક માત્ર ઉપાય વૃક્ષારોપણ છે. મોટા થવામા લાબો સમય લેતા વૃક્ષોની જગ્યાએ અત્યારે સરકાર મિયાવાકી વનીકરણને પ્રોત્સાહન આપી રહી છે. અકીરા મિયાવાકી એક જાપાનીઝ બોટનિસ્ટ છે. જેમણે વૃક્ષો વાવવાની નવી ટેકનિકનુ સંશોધન કર્યુ છે. આ પર્યાવરણવાદીએ બીન ઉપજાઉ જમીનનુ સંવર્ધનના વિશ્વભરમાં પ્રયોગો કર્યા. જેમણે શહેરો પોતાના શુધ્ધ પર્યાવરણ માટે આત્મનિર્ભર બને તેવા પ્રયત્નો કર્યા. શહેરની ગીચતામા ઓછી જગ્યામાં વૃક્ષો ઉછેર માટે આ પધ્ધતિ કારગત નિવડી. આ પધ્ધતિથી જમીનમાં દેશી જાતના વૃક્ષો એકબીજાથી ખૂબ નજીક વાવવાથી એકદમ ગીચ જંગલ તૈયાર થાય છે. એમાં ઝાડને સુર્યપ્રકાશ ફક્ત ઉપરની તરફથીજ મળે છે અને ઝાડ ઉપરની તરફજ વધતા જાય છે. આ કારણથી જંગલ ૩૦ ટકા વધુ ગીચ બને છે. આ પધ્ધતિથી વૃક્ષ ૧૦ ગણુ ઝડપી ઉગે છે અને ૩ વર્ષની અંદર મેઈન્ટેનન્સ ફ્રી બની જાય છે. વળી આ પધ્ધતિમા વૃક્ષોની કાર્બન ડાયોક્સાઈડ શોષવાની ક્ષમતા ૩૦ ગણી વધારે હોય છે. વનીકરણના ઉપયોગમાં લેવાતી આ આધુનિક વાવેતર પધ્ધતિમા વપરાતા છોડ મોટે ભાગે સ્વ ટકાઉ હોય છે. તેને ખાતર પાણી આપવા જેવી નિયમિત જાળવણીની જરૂર નથી. ઝડપથી વૃધ્ધી પામતા હોવાથી કુદરતી ઈકોસિસ્ટમ બનાવવામાં મદદ કરે છે. આ પ્રકારના જંગલ ત્રણ થી પાંચ વર્ષમાં આત્મનિર્ભર બની જાય છે. મિયાવાકી પધ્ધતિથી ગુજરાતમાં અમદાવાદ રિવરફ્રન્ટ અને ગોતામાં, વલસાડ નાગરોલ દરિયા કિનારે, ભાવનગર સોનગઢ પોલીસ મથકમાં, રાજકોટમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેમજ પાટણમા સૌથી વ્યસ્ત રોડ પૈકીના યુનિવર્સિટી રોડ ઉપર મિયાવાકી જંગલ ઉછરી રહ્યા છે. વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના તુલસીપુરા ગામે આ પ્રકારના જંગલની કામગીરી શરૂ કરવામાં આવી છે. કચ્છના કુકમા ગામમાં ગટરના પાણીને શુધ્ધ કરીને મિયાવાકી જંગલ તૈયાર કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત્ત કેરળના શિક્ષક રફી રામનાથે જમીનના ઉજ્જડ ટુકડાને વિધ્યાવનમ નામના જંગલમાં પરિવર્તિત કરવા માટે મિયાવાકી પધ્ધતિનો ઉપયોગ કર્યો. શહેરમાં વધતા વિકાસની અસર પ્રદૂષણ અને ઓક્સિજનના લેવલ ઉપર વર્તાઈ છે. શહેરી વન એ શહેરોના ફેફસા છે. જે ઓક્સીજન બેક અને કાર્બન શોષકો તરીકે કામ કરે છે. નાના શહેરો અને ગામડામાં એવી ઘણી જગ્યાઓ છે જે બીન ઉપયોગી છે. ત્યારે ગ્રીન કવર વધારવા માટે સરકારે નાના શહેરો અને ગામડામાં મિયાવાકી પધ્ધતિથી વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવુ જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts