વિસનગરમાં જવાબદારી આપેલ કર્મચારીઓ રાત્રે હાજર રહે છે કે નહી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના વરસાદી આંકડાની નોધણીમાં ગફલત
વહિવટી તંત્ર દ્વારા જેમ અન્ય કર્મચારીઓને રૂબરૂ સ્થળ તપાસ કર્યાની સાબીતી રૂપે ઉપરી ઓફીસ કે અધિકારીને ગુગલ લોકેશન મોકલવાની ફરજ પાડવામાં આવે છે. તેમ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા જવાબદાર કર્મચારીને પણ લોકેશન મોકલવાની પ્રક્રિયાનુ પાલન કરાવવા જીલ્લા કલેક્ટર દ્વારા વિચારવુ પડશે. કેમ કે તાલુકા લેવલે કેટલીક જગ્યાએ ભારે વરસાદમાં પણ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં કર્મચારી હાજર રહેતા નહી હોવાની શંકા એટલા માટે રાખવી પડે છેકે વિસનગરમાં ૩૦ તારીખની રાત્રીના ભારે વરસાદની કોઈ નોધ લેવામાં આવી નથી. દોઢ કલાક ભારે વરસાદ પડ્યો હતો જેની કોઈ નોધ નથી. વિસનગર પ્રાન્ત ઓફીસર અને મામલતદાર આ બાબતે તપાસ કરે તે જરૂરી છે.
ચોમાસામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ એટલા માટે કાર્યરત કરવામાં આવે છેકે ભારે વરસાદમાં કોઈ હોનારત થાય તો તાત્કાલીક તંત્રની મદદ મળી શકે. જે માટે ૨૪ કલાક દેખરેખ રહે તે માટે કંટ્રોલ રૂમમાં ૮-૮ કલાકની કર્મચારીઓને જવાબદારી સોપવામાં આવે છે. પરંતુ વિસનગર તાલુકા સેવા સદનના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં રાત્રીના સમયે કર્મચારી હાજર રહેતા ન હોય તેવો એક બનાવ ઉપરથી શક રાખી શકાય. વિસનગરમાં તા.૨૯ અને ૩૦ મી જુલાઈએ ભારે વરસાદ પડ્યો હતો. જેમાં તા.૩૦-૭ ને મંગળવારની રાત્રે લગભગ ૧૨-૩૦ થી ૨-૦૦ કલાક વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાત્રે લોકો ઉંઘમાંથી ઉઠી જાય તેવા વાદળો ગાજ્યા હતા. રાત્રે પડેલા વરસાદની બીજા દિવસે બુધવારની સવારે પણ લોકોમાં ચર્ચા જોવા મળી હતી. મંગળવારની રાત્રે લગભગ એક થી દોઢ ઈંચ વરસાદ થયો હોવાનો અંદાજ હતો. જેમાં વધઘટ પણ હોઈ શકે ત્યારે નવાઈની વાત એ છેકે જીલ્લા કંટ્રોલ રૂમના દર બબ્બે કલાકના જાહેર થયેલા આંકડામાં તા.૩૦-૭ ની રાત્રે ૧૨ થી ૨ અને ૨ થી ૪ માં ભારે વરસાદની કોઈ નોધ નથી. ત્યારે પ્રશ્ન એ થાય છેકે રાત્રે જવાબદારી સોપવામાં આવેલ કર્મચારી કંટ્રોલ રૂમમાં હાજર રહે છેકે પછી ઘરે સુઈ જઈ સવારે હાજરી પુરવા આવે છે?