મંદિરો લુંટનાર અને હિન્દુઓની કત્લેઆમ કરનાર મોઘલ શાસકોનો ઈતિહાસ થોપી બેસાડ્યો તો, ભેદભાવ મિટાવીને માનવમાત્રમા એકતાનુ નિર્માણ કરનાર શ્રીમદ્ ભાગવત ગીતાના અભ્યાસક્રમનો વિરોધ કેમ?
તંત્રી સ્થાનેથી…
ભાગવત ગીતા અને સમુદ્ર બન્ને ઉંડા છે, પણ બંનેની ઉંડાઈમાં એક બહુ મોટો ફરક છે,
સમુદ્રની ઉંડાઈમાં માણસ ડુબી જાય છે અને ગીતાજીની ઉંડાઈમાં માણસ તરી જાય છે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મા શિક્ષણને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિધ્ધાંતો આપ્યા છે. જે સિધ્ધાંતોમાં વિદ્યાર્થીઓમાં ભારતની સમૃધ્ધ, વૈવિધ્યસભર, પ્રાચિન અને આધુનિક સંસ્કૃતિ, જ્ઞાનની પ્રણાલીઓ અને પરંપરા પ્રત્યે ગર્વ તેમજ જોડાણની લાગણી ઉદ્ભવે તેવા પ્રયાસ કરવા ભાર મુકાયો છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્રથી રાજ્ય ભરની શાળાઓમાં ધો.૬ થી ૧૨ ના અભ્યાસક્રમમાં ભાગવત ગીતાનો સમાવેશ કરવાની જાહેરાત કરી, તેના ભાગરૂપે અજમાયશી ધોરણે એક પુસ્તક બહાર પાડી અભ્યાસક્રમ શરૂ કરાયો છે. આ પુસ્તકના પ્રથમ ભાગમાં વિદ્યાર્થીઓને ભાગવત ગીતાના ૧ થી ૬ અધ્યાયનો પરિચય અપાશે. પુસ્તકમાં આપેલા તમામ એકમમાં આવતા શ્લોકનુ ગાન મોબાઈલમાં સ્કેન કરીને થઈ શકશે, જેથી વિદ્યાર્થીઓને શુધ્ધ ઉચ્ચારણ કરવામાં મદદરૂપ થાય. ૫૦૦૦ વર્ષ પૂર્વે મહાભારતના યુધ્ધના આરંભે કુરૂક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદરૂપે પ્રગટેલી શ્રીમદ્ ભાગવત ગીતા માત્ર એક હિન્દુ પરંપરા નથી પણ સમસ્ત માનવ જાતિ માટે આધ્યાત્મક અને જીવન વ્યવહારની સમજ આપતો એક ગ્રંથ છે. પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીએ કહ્યુ હતું કે “મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પણ સંકટ સમયે હુ ગીતા માતા પાસે જવાનુ શીખી ગયો છુ. જીવનના તમામ પ્રશ્નોના હલ આ મહાન ગ્રંથમાં સમાયેલો છે.” વિદેશીઓ ભારતના હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિને ખૂબજ પસંદ કરે છે. વિશ્વના તમામ દેશોમાં ભાગવત ગીતાનુ મહત્વ છે. જાપાનમાં પણ ગીતાજીનો પ્રસાર અને પ્રચાર થઈ રહ્યો છે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે ધો.૬ થી ૮ અને ધો.૯ થી ૧૨ મા હવે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો શાળા શિક્ષણમાં સમાવેશ કરાયો છે. શિક્ષકે પ્રાર્થનામા અને વર્ગખંડમાં તેના અભ્યાસક્રમ સાથે વિદ્યાર્થીઓને ગીતાના સિધ્ધાંતો અને મુલ્યો સમજાવવા પડશે. સાંપ્રત સમાજના પથદર્શક ગીતાજી છે તે સર્વાંગી વિકાસનો રસ્તો તો બતાવે છે, ઉપરાંત્ત ભેદભાવ મીટાવીને માનવ માત્રમા એકતાનુ નિર્માણ કરે છે. સમગ્ર માનવ જાત માટે હૂંફ અને માર્ગદર્શન આપીને દૈવી ભાતૃભાવ નિર્માણ કરે છે. માનવ જાતિના તમામ સામાજીક, આર્થિક, રાજકીય, ભૌગોલિક વિગેરે ક્ષેત્રના પ્રશ્નોના જવાબો એક માત્ર ભાગવત ગીતામાંથી મળતા હોવાથી કેન્દ્ર તથા રાજ્ય સરકારની આ પહેલથી વિદ્યાર્થીઓને નાનપણથીજ સમજ અને જ્ઞાન પ્રાપ્ત થશે. દરેક માનવીને સારી રીતે જીવવા કે માણસમાંથી શ્રેષ્ઠ માનવ બનવા માટે ભાગવત ગીતાને સમજવી જરૂરી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્ય સરકારનો ભાગવત ગીતાનો અભ્યાસક્રમમા સમાવેશ કરવાના નિર્ણય બાદ હિન્દુ વિરોધી સંગઠનો દ્વારા ભારતના બંધારણે બક્ષેલા મૂળભૂત અધિકારોમાં ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની જોગવાઈઓ તથા આર્ટિકલનો ઉલ્લેખ કરી આવેદન આપવામાં આવ્યા છેકે, ભારત બીન સાંપ્રદાયીક રાષ્ટ્ર છે. જો મૂલ્ય નિર્માણનીજ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે એવા પ્રસંગો લઈને પુસ્તક બનાવવુ જોઈએ. કેમ કે શાળાઓમાં બૌધ્ધ, શીખ, ઈસ્લામ, પારસી, જૈન વિગેરે ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી આ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળવો જોઈએ. નવી શિક્ષણ નીતિમાં ફક્ત હિન્દુ ધર્મની ગણના કરી આ યોજનાને આખા રાષ્ટ્રમાં લાગુ કરવામાં આવશે તો આવનાર દિવસોમાં અન્ય ધર્મો ઉપર ખતરો ઉભો થઈ શકે છે. આમાંથી એટલેકે ગીતાના જ્ઞાનથી ધર્મ જનૂની કે કટ્ટરપંથી માનસિકતા ધરાવતા લોકોનો જન્મ થશે. જેનાથી બૌદ્ધ, શીખ, ઈસ્લામ, પારસી, જૈન વિગેરે ઉપર હુમલાઓ થશે. ભાગવત ગીતાનુ જ્ઞાન આપતુ પુસ્તક પાછુ ખેચી સર્વધર્મના પુસ્તક ખ્રીસ્તી ધર્મનુ બાઈબલ, શીખ ધર્મનુ ગુરૂગ્રંથ સાહીબ, બૌદ્ધ ધર્મનુ ત્રીપીટક, પારસી ધર્મનુ જનદઅવેસ્થા, ઈસ્લામ ધર્મનુ કુર્આન, જૈન ધર્મનુ જૈન આગમોમાંથી ધાર્મિક મુલ્યો અને સિધ્ધાંતો સામેલ કરી પુસ્તક ભણાવવામાં આવે. બીનસાંપ્રદાયીક રાષ્ટ્રના નામે ભારતમાં રહેતા બહુમતી હિન્દુઓને દેશ આઝાદ થયો ત્યારથી અન્યાય કરવામાં આવ્યો છે. ભારતના બંધારણને આગળ ધરી હિન્દુઓને તેમના મૂળભૂત ધાર્મિક ગ્રંથોથી અળગા રહે તેવા વર્ષોથી પ્રયત્નો થયા છે. બંધારણ અને તેના આર્ટીકલની આડમા અત્યાર સુધી હિન્દુઓને અભ્યાસક્રમમાં મોઘલ શાસકોનેજ મહાન દર્શાવતા પાઠ શીખવવામાં આવ્યા છે. એવા અનેક હિન્દુ રાજાઓ હતા જેમણે દેશને મહાન બનાવવાના કાર્યો કર્યા છે. પરંતુ આ મહાન હિન્દુ શાસકોના પાઠ ઓછા ભણાવામાં આવ્યા છે. જ્યારે ઐયાશ, વ્યભિચારી, હિન્દુઓની કત્લેઆમ કરનાર, મંદિરો તોડનાર અને લુંટનાર, લાખ્ખો હિન્દુઓનુ ધર્મ પરિવર્તન કરાવનાર કેટલાક મોઘલ શાસકોને મહાન બતાવતા પાઠ અત્યાર સુધી ભણાવવામાં આવ્યા છે. ઈતિહાસ સાક્ષી છેકે, હિન્દુ સમ્રાટો અને રાજાઓએ ધર્મ અને સંસ્કૃતિનુ રક્ષણ કર્યુ છે. ક્યારે પણ કોઈ ધર્મને ડામી દેવા પ્રયત્નો કર્યા નથી. આઝાદી બાદ પ્રથમ વખત નવી શિક્ષણ નીતિ અંતર્ગત ભાગવત ગીતાના અધ્યયનનો અભ્યાસક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. ભાગવત ગીતા અન્ય ધર્મના લોકો ઉપર હુમલા કરવાનુ નહી પરંતુ ભેદભાવ મીટાવીને માનવ માત્રમા એકતાનુ નિર્માણ કરનાર સંસ્કારો શીખવે છે.