જુલાઈના અંતે તેમજ જન્માષ્ટમીના બે રાઉન્ડમાં જ ૨૧ ઈંચ વરસાદ ખાબક્યો વિસનગરમાં સિઝનનો ૩૨ ઈંચ વરસાદ-દેળીયુ પીંડારીયુ છલકાયુ
શ્રાવણના તો ઝરમરીયાજ હોય ત્યારે મઘા નક્ષત્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગથી ખેડૂતોમાં ખુશાલીનો પાર નહોતો. જ્યારે સાતમ આઠમના તહેવારમાં પડેલા વરસાદથી લોકોનો મેળાનો ઉત્સાહ પડી ભાગ્યો હતો. બહાર નહી નીકળવાની ચેતવણીથી રજાઓમાં બહારગામ જવાનુ પણ ટાળ્યુ હતુ. શ્રાવણના ત્રણ દિવસના તહેવારમાં ૧૧ ઈંચ સાથે વિસનગરમાં સિઝનનો કુલ ૩૨ ઈંચ વરસાદ નોધાયો છે. આ રાઉન્ડમાતો મેઘરાજાએ વિસનગરનુ દેળીયુ અને પીંડારીયુ તળાવ પણ છલકાવી દીધુ હતુ.
વિસનગરમાં જુલાઈ એન્ડમાં બેજ દિવસ ભારે વરસાદ પડતા ૧૦ ઈંચ વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતા. છેલ્લે શહેરનો વરસાદ ૫૨૫ મી.મી. નોધાયો હતો. ત્યારબાદની ગરમી અને પાક સુકાતા વરસાદની આતુરતાથી રાહ જોવાતી હતી. ત્યારે રાધણછઠ ને શનિવાર સવારથીજ દોઢ ઈંચ વરસાદ સાથે તા.૨૫-૮ શિતળા સાતમ અને ૨૬-૮ આઠમના દિવસે ધમાકેદાર એન્ટ્રીની ચેતવણી આપી હતી. આમ તો ચોથો શનિવાર ૨૪-૮, રવિવાર ૨૫-૮ અને જન્માષ્ટમી ૨૬-૮ ત્રણ દિવસના મીની વેકેશનમાં મોટાભાગના પરિવારો નજીકના પ્રવાસન સ્થળોએ ફરવા જતા હોય છે. પરંતુ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર દ્વારા કામ વગર બહાર નહી જવાની ચેતવણી આપતા મોટાભાગના પરિવારોએ મીની વેકેશનમાં ઘર છોડવાનુ ટાળ્યુ હતુ. સાતમ અને આઠમના દિવસે ભારે વરસાદથી તહેવારોમાં લોકોને ફરજીયાત ઘરમાં પુરાઈ રહેવા મજબુર બનવુ પડ્યુ હતુ. ડિઝાસ્ટર વિભાગ દ્વારા ૮-૮ કલાકની સાયકલમાં આંકડા નોધવામાં આવે છે. ત્યારે વિસનગરમાં કંઈ તારીખે ૮-૮ કલાક દરમ્યાન કેટલો વરસાદ નોધાયો તે જોઈએ તો તા.૨૪-૮ સવારે ૬ થી બપોરે બે સુધી ૮૭ મી.મી. વરસાદ પડ્યો હતો. ત્યારબાદ તા.૨૫-૮ રાત્રે ૯ કલાક સુધી વરસાદ નોધાયો નહોતો. તા.૨૫-૮ રાત્રે ૧૦ કલાકથી તા.૨૬-૮ ની સવાર ૬-૦૦ કલાક સુધી ૪૮ મી.મી. વરસાદ પડ્યો હતો. તા.૨૬-૮ સવારે ૬ થી બપોરે બે કલાક સુધી વરસાદે વિરામ લીધા બાદ બપોરે બે થી રાત્રે ૧૦ સુધી ૬૯ મી.મી., રાત્રે ૧૦ થી બીજા દિવસ તા.૨૭-૮ સવાર ૬ સુધી ૪૫ મી.મી. તથા સવારે ૬ થી બપોરે બે સુધી ૩૬ મી.મી. વરસાદ ખાબક્યો હતો. ત્રણ દિવસમાં ૨૯૦ મી.મી. એટલે કે ૧૧.૪૧ ઈંચ વરસાદ થયો હતો. આ વખતે મેઘરાજાની શહેરીજનો ઉપર એટલી મહેરબાની હતી કે થોડો થોડો સમય રોકાઈને વરસાદ પડ્યો હતો. જેથી જુલાઈ એન્ડના બે દિવસમાં ૧૦ ઈંચ જેવી પરિસ્થિતિ સર્જાઈ નહોતી. તેમ છતા કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગંજબજારમાં પણ થોડા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પરંતુ ફાટકની મારવાડીવાસ તરફની કેનાલ સફાઈ કરી હોવાથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થયો હતો. થલોટા રોડનુ પાણી અભય શોપીંગ સેન્ટર તરફ આવતુ હોવાથી વિવેકાનંદ સોસાયટીના મકાનોમાં પાણી ઘુસ્યા હતા. ગુરૂકુળ રોડની નીચાણવાળી સોસાયટીના મકાનોમાં વરસાદી પાણી ભરાતા નુકશાન થયુ હતુ. તા.૨૯-૮ સુધી વિસનગરમાં સિઝનનો કુલ ૮૨૫ મી.મી. એટલે કે ૩૨.૪૮ ઈંચ વરસાદ નોધાયો છે.
આ વર્ષે મેઘરાજાએ દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જી છે. પરંતુ ઉત્તર ગુજરાત ઉપર અમી દ્રષ્ટીથી વરસાદી પ્રકોપ ઓછો જોવા મળ્યો છે. વિસનગર પંથકમાં મેઘરાજાની મહેરબાનીથી શહેરની ઐતિહાસિક દેળીયુ તળાવ અને પીંડારીયુ તળાવ છલકાયુ છે. પીંડારીયા તળાવમાં કચરો નહી હોવાથી તળાવ નયન રમ્ય લાગી રહ્યુ છે. જ્યારે દેળીયા તળાવના ઘાટના પગથીયા સુધી પાણી આવવા છતા પાલિકાની ઉપેક્ષાથી ચારે કોર કચરો અને ગંદકી જોવા મળી રહી છે. દેળીયુ છલકાતા તેના ગેટ બંધ કરવામાં આવ્યા છે.