વિસનગર તાલુકા પંચાયતમાં કાદવ કિચ્ચડથી અરજદારોને હાલાકી
વિસનગર તાલુકા પંચાયત સંકુલમાં અત્યારે ચોમાસાનું વરસાદી પાણી ભરાતા તાલુકા પંચાયત કચેરીમાં જવાના રસ્તા ઉપર કાદવ કિચ્ચડ ફેલાયો છે. કાદવ કિચ્ચડના કારણે કર્મચારીઓ અને અરજદારો કચેરીમાં અવર જવર કરવામાં હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ટી.ડી.ઓ. સુચીબેન પટેલ ચોમાસાની સિઝનને લક્ષમાં રાખી વૈકલ્પીક રસ્તાની કાર્યવાહી કરે તેવી અરજદારોની માગણી છે.
વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલના અથાક પ્રયત્નોથી સરકાર દ્વારા શહેરના મધ્યે આવેલ તાલુકા પંચાયત વિશાળ સંકુલમાં અદ્યતન નવિન તાલુકા પંચાયત ભવન અને નગરપાલિકા ભવનનું
નિર્માણકાર્ય થઈ રહ્યુ છે. જેમાં તાલુકા પંચાયત
ભવનનું કામ હવે પુર્ણ થવાના આરે છે. જ્યારે નગરપાલિકા ભવનનું કામ ધમધોકાર ચાલી રહ્યુ છે. આ બંન્ને બિલ્ડીંગના બાંધકામ દરમિયાન મટીરીયલ્સ ભરેલા મોટા લોડીંગ વાહનોની અવર જવરથી તાલુકા પંચાયતની જુની ઓફિસમાં જવાનો રસ્તો બિસ્માર બની ગયો છે. વધુમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ટી.ડી.ઓ. સુચીબેન પટેલે માટી નંખાવતા અત્યારે ચોમાસાના વરસાદથી તાલુકા પંચાયત કચેરી આગળ પગ ખુંપી જાય તેટલો કાદવ કિચ્ચડ થયો છે. વધુ પડતા કાદવ કિચ્ચડથી તાલુકા પંચાયતના કર્મચારીઓ અને અરજદારોને અવર જવર કરવામાં હાલાકી પડી રહી છે. જોકે આ વર્ષે ચોમાસામાં આવેલા ભારે વરસાદના કારણે આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ અને મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી ડા. હસરત જૈસ્મીને નવિન બની રહેલા તાલુકા પંચાયત ભવનની મુલાકાત લીધી નથી. જો આરોગ્યમંત્રી અને જીલ્લા વિકાસ અધિકારી આ તાલુકા પંચાયત ભવનની ઓચિંતી મુલાકાત લે તો તેઓ પણ રસ્તા ઉપરનો કાદવ કિચ્ચડ જોઈ ચોંકી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ટી.ડી.ઓ. સુચીબેન પટેલ ચોમાસાની સિઝનને લક્ષમાં રાખી વૈકલ્પીક રસ્તાની તાત્કાલિક કાર્યવાહી કરે તેવી અરજદારોની માગણી છે.