CDHO ડૉ.મહેશ કાપડીયા ઉપર કોની છત્રછાયા-ચર્ચાતો પ્રશ્ન
વડાપ્રધાન તથા આરોગ્યમંત્રીના જીલ્લામાં આરોગ્યક્ષેત્રે અનેક વિવાદો છતાં
- અગાઉ આરોગ્ય અધિકારી ડૉ.મહેશ કાપડીયાની અમદાવાદ સિવિલમાંથી સાવરકુંડલા બદલી કરવામા આવતા તેમને બદલીના નિર્ણયને હાઈકોર્ટમા પડકાર્યો હતો. જેમા હાઈકોર્ટ તેમની અરજી ફગાવી દીધી હતી
અમદાવાદ ખ્યાતિકાંડ બાદ પુરૂષ નસબંધી ઓપરેશન કાંડમાં ભાજપ સરકાર બદનામ થતા ભાજપના આગેવાનો મહેસાણા જીલ્લા આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી ડૉ.મહેશ કાપડીયાની કામગીરી સામે શંકા સેવી રહ્યા છે. આરોગ્ય તંત્રમા એવી ચર્ચા છે કે ડૉ.મહેશ કાપડીયા અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર હતા ત્યારે પણ તેઓ વિવાદોમાં ઘેરાયા હતા. આ સમયે આ અધિકારીની સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં બદલી કરવામા આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતનના જીલ્લામાં આરોગ્ય ક્ષેત્રે ભાજપ સરકારને બદનામ કરનાર જીલ્લાના આ વિવાદીત મુખ્ય અધિકારી સામે કેમ પગલા લેવાતા નથી તે પ્રશ્ન કાર્યકરમા ચર્ચાઈ રહ્યો છે.
ભૂતકાળ કયારેય કોઈનો પીછો છોડતુ નથી. દરેક વ્યક્તિના સારા- ખરાબ ભૂતકાળની કરમ કુંડળી લોકો સમક્ષ આવ્યા વગર રહેતી નથી. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ નસબંધી ઓપરેશન કાંડમાં સૌ પ્રથમવાર મહેસાણા જીલ્લો આરોગ્યક્ષેત્રે બદનામ થતા ભાજપના આગેવાનો અત્યારે જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.મહેશ કાપડીયાની કામગીરી સામે શંકા સેવી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં મહેસાણા જીલ્લો આરોગ્યક્ષેત્રે સૌથી વધુ બદનામ થતા લોકો જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.મહેશ કાપડીયાના ભૂતકાળને જાહેરમા વાગોળી રહ્યા છે. અત્યારે આરોગ્યતંત્રમાં એવી ચર્ચા છે કે અગાઉ આ આરોગ્ય અધિકારી અમદાવાદ સિવિલ હોસ્પિટલમા મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમના વર્તનથી વિવાદોમા ઘેરાયા હતા. જેમા સિવિલમા સારવાર માટે ગયેલી એક ૩ર વર્ષની મહિલાએ આ આરોગ્ય અધિકારી સામે ગંભીર આક્ષેપ કરી તેમની વિરૂધ્ધ ફરીયાદ કરવા અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશને પહોચી હતી. જ્યાં પોલીસે આ મહિલાની ફરીયાદ નોધવાને બદલે ફક્ત અરજી લઈ કાર્યવાહી પૂર્ણ કરી હતી. વિવાદોના કારણે સરકારે આ આરોગ્ય અધિકારીની અમદાવાદથી તા.૪-૪-ર૦૧૮ ના રોજ સાવરકુંડલા સરકારી હોસ્પિટલમા બદલી કરી હતી. ત્યારે આ આરોગ્ય અધિકારી ડૉ.મહેશ કાપડીયાએ તેમની બદલી સામે સિવિલના તત્કાલીન અધિક્ષક સહિત વહીવટી તંત્ર વિરૂધ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમા હાઈકોર્ટ પુરાવાના આધારે વહીવટી તંત્રના બદલીના નિર્ણયને યોગ્યગણી આ અધિકારીની અરજી ફગાવી દીધી હતી. જો કે આ સમયે રાજ્યના તત્કાલીન આરોગ્યમંત્રી નિતિનભાઈ પટેલ આ અધિકારીની રજૂઆતને ગણકારતા નહતા. પરંતુ સરકાર બદલાતા મહેસાણા જીલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.મહેશ કાપડીયાનુ રાજકીય વર્ચસ્વ વધ્યુ હતુ. પરંતુ અમદાવાદ ખ્યાતિકાંડ બાદ પુરુષ નસબંધી ઓપરેશન કાંડમા ભાજપનો ગઢ ગણાતો મહેસાણા જીલ્લો આરોગ્યક્ષેત્રે બદનામ થતા ભાજપના આગેવાનો અને નિષ્ઠાવાન આરોગ્ય કર્મચારીઓ જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.મહેશ કાપડીયા વિરૂધ્ધ જાહેરમા રોષ વ્યક્ત કરી રહ્યા છે. જેમા મહેસાણા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાજુભાઈ ચૌધરીએ તો ભાજપ સરકારને બદનામ કરતા આ અધિકારી સામે કડક પગલા લેવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત પણ કરી હતી. છતાં સરકારે આ વિવાદાસ્પદ જીલ્લાના આરોગ્ય અધિકારી સામે કોઈ પગલા નહી લેતા આ મુદ્દે ભાજપના આગેવાનો અને આરોગ્ય ખાતાના કર્મચારીઓમા ચર્ચાનો વિષય બન્યો છે.
અત્રે નોંધપાત્ર બાબત એ છે કે મહેસાણા જીલ્લા આરોગ્ય વિભાગમાં ભાવનગરની સમર્થ એજન્સી દ્વારા જીલ્લાના આઉટસોર્સ કર્મચારીઓને છ માસ સુધી પગાર નહી ચુકવતા જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મહેશ કાપડીયાએ આ એજન્સીને વારંવાર નોટીસો આપી હતી. પરંતુ બ્લેક લીસ્ટ કરી નહોતી અને પાછળથી આ એજન્સીનો કોન્ટ્રાકટ રીન્યુ કરતા આ અધિકારીના વહીવટ સામે લોકોને શંકા ઉભી થઈ છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની કેટલીક ગુપ્ત માહિતી વિપક્ષના આગેવાનો સુધી પહોચતી હોવાની ચર્ચાથી ભાજપના આગેવાનો આ આરોગ્ય અધિકારીના વહીવટને શંકાની નજરે જોઈ રહ્યા છે. જો કે આ સમર્ગ ચર્ચામા તથ્ય કેટલુ છે તે તો સાચી દિશામાં નિષ્પક્ષ તપાસ થાય ત્યારે જ ખબર પડે. આ બાબતે પત્રકારે ડૉ.મહેશ કાપડીયાને વારંવાર ફોન કરતા તેમને ફોન રિસિવ કર્યો નહોતો.