સિટી લિમીટ વધારી, નવુ વોર્ડ સિમાંકન કરવા અને ચુંટણી મોકુફ રાખવા તેમજખેરાલુ પાલિકાને ‘ડ’ વર્ગમાંથી ‘ક’ વર્ગમાં લાવવા મુખ્યમંત્રીને આવેદનપત્ર
ખેરાલુ શહેરની વસ્તી દિવસે ઘટી રહી છે. લોકો શહેર બહાર પલાયન કરી રહ્યા છે. ખેરાલુ પાલિકાની વસ્તી ર૪૦૦૦ છે તેવી અનેક માન્યતાઓ વચ્ચે ખેરાલુ ચિફ ઓફીસરના સમર્થનથી અગ્રણી પત્રકાર જીતેન્દ્રભાઈ પંડયાએ પાલિકાનો ‘ડ’વર્ગમાંથી ‘ક’ વર્ગમાં લાવવામા મોહિમ છેડતા સમગ્ર ખેરાલુ શહેરના તમામ નાગરિકોએ પાલિકાનો ગ્રેડ વધારવા સમર્થન જાહેર કર્યુ છે. જેના પ્રયાસ સ્વરૂપે એક આવેદન પત્ર બનાવવામા આવ્યુ હતુ કે જેમા રાજકીય લોકો સિવાય ખેરાલુ શહેરના પ્રબૃધ્ધ નાગરિકોએ અસંખ્ય સહીયો કરી ખેરાલુ પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયુ હતુ.
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા એક વર્ષ પૂર્વે ખેરાલુ પાલિકાને ‘ડ’ વર્ગમાંથી ‘ક’ વર્ગમાં લાવવા પ્રયત્ન કર્યો હતો. પાલિકાના ભૂતપૂર્વ સભ્યો દ્વારા શહેરની સીટી લિમીટ વધારવા ઠરાવો કર્યા હતા. પરંતુ વ્યક્તિગત સ્વાર્થમા કામગીરી અટકી ગઈ હતી. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા ખેરાલુ શહેરના રેશનકાર્ડ ધરાવનારા લોકોનો સર્વે કરાવતા શહેરની વસ્તી ૩૩૦૦૦ ઉપરાંત થતી હતી. ધારાસભ્ય દ્વારા શહેરી વિકાસ મંત્રાલય અને મુખ્યમંત્રી સુધી આ બાબતે રજૂઆત કરી હતી. પણ આ બાબતને ગૃપ્ત રાખી હતી. છેવટે ખેરાલુના નવા આવેલા ચિફ ઓફીસર ભરતભાઈ વ્યાસના ધ્યાને આ બાબત આવતા તેમણે દરખાસ્ત તૈયાર કરવાનુ વિચાર્યુ હતુ. આ દરમ્યાન ખેરાલુના પત્રકાર જીતેન્દ્રભાઈ પંડયા દ્વારા શહેરને જાગૃત કરવા મિડીયા ગ્રુપના સહકારથી એક આવેદનપત્ર તૈયાર કર્યુ હતુ. જે આવેદનપત્ર બાબતે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા ખુલ્લુ સમર્થન જાહેર કરતા ખેરાલુ શહેરના લોકોનો ઉત્સાહ વધી ગયો હતો.
આવેદનપત્રના અંશ જોઈએ તો ખેરાલુ પાલિકામા બે વર્ષથી વહીવટદાર સાશન છે. સ્થાનીક સ્વરાજની ચુંટણીઓ આવી રહી છે. શહેરનો વિકાસ વધ્યો છતા સીટી લીમીટમા સમાવેશ કર્યા નથી. ખેરાલુની વસ્તી વધી છે જેથી નગરપાલિકાને ‘ડ’વર્ગનો દરજ્જો મળવાથી ખુબજ ઓછી ગ્રાન્ટ મળે છે. જેથી પ્રજાની સુવિધાઓ સરળતાથી મળતી નથી. ખેરાલુ નગરપાલિકા દ્વારા ૯-૧ર-ર૦ર૪ ના રોજ આ બાબતે દરખાસ્ત કરાઈ છે. ખેરાલુ પાલિકાનુ નવુ વોર્ડ સિમાંકન કરી છ વોર્ડમા સાતમો વોર્ડ નવો ઉમેરી વિકસીત વિસ્તારોને સીટી લિમીટમા આવરી લઈ પાલિકાનો ‘ડ’માંથી ‘ક’ વર્ગનો દરજ્જો આપવાની પ્રક્રિયા પુરી ના થાય ત્યાં સુધીના આઠ મહિનાના સમયગાળા પુરતી પાલિકાની ચુંટણી મોકુફ રાખી નવુ વોર્ડ સિમાંકન કરવા નમ્ર વિનંતી પ્રબૃધ્ધ નાગરિકો દ્વારા કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની ચુંટણી માટે ઘુઘરા બાંધીને તૈયાર થયેલા ઉમેદવારોને આ વાત નહી જ ગમે.સરકાર દ્વારા યુધ્ધના ધોરણે ખેરાલુ પાલિકાનો દરજ્જો બદલવા ધારાસભ્ય અને પાટણ-સાંસદ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે. ખેરાલુ પાલિકાનો દરજ્જો બદલવાની જાહેરાત થશે તો ખેરાલુ નગરપાલિકાની ચુંટણી મોકુફ રહેશે તેવુ લાગે છે.