
મર્ચન્ટ હોમિયોપેથીક કોલેજના પ્રોફેસરોના દુરાચારથી વિદ્યાર્થીનીની આત્મહત્યા

ખરાબ રીતે સ્પર્શ કરી એકલી બોલાવી ગંદી કોમેન્ટસ કરતા હતા
- પ્રિન્સીપાલને ફરિયાદ કરતા એવો જવાબ આપ્યો કે “ભણવા આવો છો તો આ બધુ સહન કરવુ પડે”
વિસનગર તાલુકાની હદમાં આવેલ બાસણા મર્ચન્ટ કોલેજ સંકુલમા મહેસાણા તાલુકાની હદમાં પીલુદરાની સીમમા આવેલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં હોમિયોપેથીક કોલેજની એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા શિક્ષણ આલમમા ભારે ચકચાર જાગી છે. કોલેજના પ્રોફેસરો વિદ્યાર્થીનીને ખરાબ રીતે સ્પર્શ કરી, ક્લાસમાં એકલી બોલાવી, ગંદી કોમેન્ટસ કરી, ત્રણ ત્રણ વખત જનરલ લખાવી ટોર્ચર કરતા હતા. વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજમાં ભારે હોબાળો કરી તોડફોડ કરવામાં આવી હતી. જવાબદાર પ્રોફેસરો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આત્મહત્યાના પગલે ભારે હોબાળો થતા વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ આધારે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં બાસણા મર્ચન્ટ હોમિયોપેથીક કોલેજના લંપટ દુરાચારી ચાર પ્રોફેસરો તથા પ્રિન્સીપાલ વિરુધ્ધ ગુનો નોધી ધરપકડ કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતના શિક્ષણ આલમને લજવે તેવો બનાવ બાસણા મર્ચન્ટ હોમિયોપેથીક કોલેજમાં બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા દસાડા તાલુકાના નગવાડા ગામની અને બહુચરાજી તાલુકાના બેચર ગામમાં રહેતી ઉર્વશીબેન પ્રવિણભાઈ શ્રીમાળી ઉં.વ.૧૯ બાસણા મર્ચન્ટ હોમિયોપેથીક કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થીની કોલેજ સંકુલમાં પીલુદરા ગામની હદમાં આવેલ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. આ વિદ્યાર્થીનીએ તા.૨૯-૧-૨૦૨૫ ના રોજ બપોરે પોણા બે વાગે ગર્લ્સ હોસ્ટેલની રૂમમાં પંખા ઉપર દોરડુ બાધી ફાંસો ખાઈ આત્મહત્યા કરતા કોલેજના વિદ્યાર્થીઓએ ભારે રોષ સાથે હોબાળો કર્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો કોલેજમાં દોડી આવી લંપટ અને દુરાચારી પ્રોફેસરો વિરુધ્ધ પગલા ભરવાની માંગ સાથે તોડફોડ કરી હતી. મહેસાણા તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોચતા મામલો બીચકતા અટક્યો હતો. બનાવની જાણ થતાજ વિદ્યાર્થીનીના પિતા, માતા તથા અન્ય સબંધીઓ દિકરી ઉર્વશીનો મૃતદેહ જ્યા રાખ્યો હતો ત્યાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
આ બનાવમાં વિદ્યાર્થીનીના વકીલાત કરતા પિતા પ્રવિણભાઈ શંકરભાઈ ઓખાભાઈ શ્રીમાળીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યુ છેકે, ઉર્વશી તા.૫-૧-૨૫ થી ૧૩-૧-૨૫ કોલેજમાંથી પ્રવાસ જઈ ઘરે આવી હતી. તે સમયે ઉર્વશીએ કોલેજના પ્રોફેસરોના ત્રાસ બાબતે જણાવ્યુ હતું કે, પ્રો.વિપક્ષી સુરેશરાવ વાસનીક ઉંચા અવાજે બોલી ધમકાવે છે અને નાપાસ કરવાની ધમકીઓ આપે છે. મેડીસીનના પ્રોફેસર પ્રશાંત ચાંદમલજી નુવાલ ત્રણ ત્રણ વખત લખવા આપે છે. બે થી ત્રણ કલાક એકજ જગ્યાએ ઉભા રાખી ખરાબ શબ્દો બોલે છે અને શરીરે ખરાબ રીતે સ્પર્શ કરે છે. ફાર્મસીના પ્રોફેસર વાય ચંન્દ્રા બોસ ક્લાસમાં એકલી બોલાવી ગંદી ગંદી કોમેન્ટસ કરે છે. ફીજીયોલોજીના એસોસીએટ પ્રોફેસર ર્ડા.સંજય રીથે બધાની વચ્ચે અપમાનીત કરી કોઈપણ બહાના હેઠળ શરીરે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થીનીએ તેના પિતાને એ પણ જણાવ્યુ હતું કે, પ્રોફેસરોના ત્રાસની ફરિયાદ કરવા કોલેજના પ્રિન્સીપાલ ર્ડા.કૈલાશ જીંગા પાટીલને રજુઆત કરતા કોઈ ફરિયાદ સાંભળેલ નહી. પ્રિન્સીપાલે ઉડાઉ જવાબ આપ્યો હતો કે, ભણવા આવો છો તો આ બધુ વહન કરવુ પડશે. કોલેજના લંપટ પ્રોફેસરોની કરતુતોથી વિદ્યાર્થીની કંટાળી ગઈ હતી. પરંતુ તેની આપવીતી સાંભળવા કોઈ તૈયાર નહોતુ. દિકરીની ફરિયાદ સાંભળી તેના પિતાએ સાંત્વના આપી હતી કે, પ્રોફેસરો ગુરૂજી કહેવાય, તેમનો ખોટો આશય હોય નહી, શાંતીથી અભ્યાસ કરવા રૂબરૂ આવી પ્રિન્સીપાલને વાત કરીશ. વિદ્યાર્થીનીને છેલ્લા બે મહિનાથી પ્રોફેસરોનો ત્રાસ હતો. છેવટે કંટાળીને હોસ્ટેલમાં આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીનીના પિતા પ્રવિણભાઈ શ્રીમાળીની ફરિયાદ આધારે પોલીસે બાસણા મર્ચન્ટ હોમિયોપેથીક કોલેજના પ્રોફેસર વિપક્ષી સુરેશરાવ વાસનીક, પ્રશાંત ચાંદમલજી નુવાલ, વાય ચંન્દ્રા બોસ, ર્ડા.સંજય રીથે તથા પ્રિન્સીપાલ ર્ડા.કૈલાશ જીંગા પાટીલ વિરુધ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરવા બદલ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.