Select Page

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને સાનુકુળ વાતાવરણ પુરૂ પાડવાની આપણા સૌની જવાબદારી

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને સાનુકુળ વાતાવરણ પુરૂ પાડવાની આપણા સૌની જવાબદારી

સંસારીક જીવનમાં ડગલે ને પગલે પ્રશ્નો આવશે

તંત્રી સ્થાનેથી…

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૭ મી ફેબ્રુઆરીથી ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે. શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓનો જે સ્ટેટેસ્ટિકલી રીપોર્ટ જાહેર કરાયો છે તે પ્રમાણે કુલ ૧૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. નિયમિત, રીપીટર, આઈસોલેટેડ અને ખાનગી સહિત ધો.૧૦ મા ૮,૯૨,૮૮૨ , ધો.૧૨ સાયંસ પ્રવાહમાં ૧,૧૧,૩૮૪ તથા ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૨૩,૯૦૯ વિદ્યાર્થીઓ અભ્યાસકાળમાં કારકિર્દિની મહત્વની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. શિક્ષણ બોર્ડના આંકડા પ્રમાણે જોવા જઈએ તો ગુજરાત રાજ્યનુ કોઈ શહેર, ગામ કે વિસ્તાર બાકી નહી હોય કે જ્યાંથી કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપતા નહી હોય. બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને પ્રથમ તો પ્રચાર સાપ્તાહિક પરિવારની શુભેચ્છા. પ્રાથમિક કક્ષાએથી ધો.૯ સુધી વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપતા હોય છે તેને સામાન્ય રીતે જોતા હોય છે. પરંતુ બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં મનમા એક હાઉ હોય છે. પરંતુ વિદ્યાર્થીઓએ એ સમજવુ જરૂરી છે કે, અત્યારે તમે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે તે અભ્યાસક્રમ મુજબ હોય છે. વર્ષ દરમ્યાન જે વિષયનો અભ્યાસ કર્યો હોય તે મુજબજ પરીક્ષામાં પ્રશ્નો પુછાતા હોય છે. જ્યારે સંસારીક જીવનની શરૂઆત થશે ત્યારે ડગલે ને પગલે વિવિધ પ્રશ્નોનો સામનો કરવો પડશે. જે આવડત અને અનુભવથી ઉકેલવા પડશે. જેથી સીલેબશ મુજબની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ ગભરાયા વગર પુરી હિમ્મત અને ઉત્સાહથી આપે. પરિવારમાંથી કોઈએ બોર્ડની પરીક્ષા આપી ન હોય તેવો સમાજમાંથી કોઈ પરિવાર બાકાત નહી હોય. ૨૭ ફેબ્રુઆરીથી ૧૩ માર્ચ સુધી બોર્ડની પરીક્ષાનો ઉત્સવ યોજાવાનો છે. પહેલા લગ્નના મુહૂર્તો બાદ બોર્ડ દ્વારા પરીક્ષા યોજાતી હતી. આ વખતે બોર્ડની પરીક્ષાના મહોત્સવ સાથે લગ્ન મહોત્સવ અને ધાર્મિક મહોત્સવો પણ યોજાવાના છે. વર્ષ દરમ્યાન ગમે તેટલો સમય અભ્યાસ કર્યો હોય અને વાંચન કર્યુ હોય તો પણ બોર્ડની પરીક્ષામાં છેલ્લા સમયે રિવિઝન ખુબજ મહત્વનુ હોય છે. કોઈ વિદ્યાર્થી રિવિઝન કરવામાં ડિસ્ટર્બ થાય તો ટેન્શનમાં આવી જતો હોય છે અને રિવિઝન નહી કરવાના ટેન્શનની અસર છેવટે પરીક્ષાના પેપર ઉપર થતી હોય છે. ત્યારે લગ્ન અને ધાર્મિક મહોત્સવ દરમ્યાન મોટા અવાજે વાગતા સ્પિકરોનો ઘોઘાટ ન થાય અને ખાસ કરીને રાત્રીના સમયે સ્પિકરોનો ઘોઘાટ ન થાય તેની કાળજી રાખવી જરૂરી છે. દરેક જિલ્લામાંથી હજ્જારો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપતા હોય છે. જેમનો અભ્યાસ અને કારકિર્દિનો ખ્યાલ રાખીને ખરેખર તો જિલ્લા કલેક્ટર દ્વારા અવાજનુ પ્રદૂષણ અટકાવતુ જાહેરનામુ બહાર પાડવુ જોઈએ. તહેવારોને અનુલક્ષીને જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવતા હોય તો બોર્ડની પરીક્ષા પણ વિદ્યાર્થીઓ માટે તહેવાર છે. છેલ્લા કેટલાક વર્ષથી બોર્ડની પરીક્ષાના આગળના દિવસોમા પેન તથા ચોકલેટ આપી શુભેચ્છા વ્યક્ત કરવાની પ્રથા શરૂ થઈ છે. બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસ વિદ્યાર્થીઓ માટે ખૂબજ મહત્વના હોય છે. ત્યારે સબંધીઓ શુભેચ્છા પાઠવવા પહોંચી વિદ્યાર્થીઓને અભ્યાસમાં કનડગત કરે છે. શુભેચ્છા માટે આવેલ સબંધી વાતો ચર્ચાઓ કરતા હોવાથી વિદ્યાર્થીને અભ્યાસમાં ખલેલ થાય છે. ઘણા લોકોને ઘરમાં મોટા અવાજે સ્પીકર વગાડવાની ટેવ હોય છે. આ કુટેવથી બાજુમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીને અભ્યાસમાં તકલીફ થતી હોય છે. બોર્ડની પરીક્ષાના દિવસોમાં આપણી એવી કોઈ વર્તણુક ન હોવી જોઈએ કે જેથી વિદ્યાર્થીને અભ્યાસ કરવામાં તકલીફ થાય. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને સાનુકુળ વાતાવરણ પુરૂ પાડવાની આપણા સૌની જવાબદારી બની રહે છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને શુ ખ્યાલ રાખવો, કંઈ વસ્તુ લઈ જવી કંઈ ન લઈ જવી, પ્રશ્નો કંઈ રીતે લખવા તેવી દરેક બાબતની વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવતી હોય છે. જ્યારે પરીક્ષાના સમયે વાલીઓએ પણ તેમના સંતાનો સાથે કેવી વર્તણુક રાખવી તેના શિક્ષણ શાસ્ત્રીઓ દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા સમયે માતા પિતાએ સંતાનો પ્રત્યે પ્રેમ, લાગણી અને હૂંફ કોઈપણ સ્થિતિમાં ઓછી કરવી જોઈએ નહી. પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓના વાંચન કે અધ્યયનમાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોચે તે જોવાની અને વ્યવસ્થા કરવાની જવાબદારી માતા પિતાની છે. સંતાન પરીક્ષાને લઈને મૂંઝવણ અનુભવતો હોય તેનો નિકાલ કરી માતા પિતાએ આત્મવિશ્વાસ અપાવવો જોઈએ. પરીક્ષાના દિવસો દરમ્યાન સ્વસ્થ, આરોગ્યપ્રદ, પચવામાં ખૂબજ હળવો તેમજ સ્ફૂર્તિમાં રહે તેવો ખોરાક વિદ્યાર્થીને આપવો જોઈએ.
તહેવારોમાં જો જિલ્લા કલેક્ટર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામા બહાર પાડતા હોય તો વિદ્યાર્થીઓનો તહેવાર પરીક્ષા માટે પણ અવાજ પ્રદુષણ અટકાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવુ જોઈએ

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us