Select Page

સરકારની ટેક્ષની લાલચમા લોકો ગેમ્બલીંગના રવાડે ચડી રહ્યા છે મનોરંજનનુ માધ્યમ ગણાતુ ઓનલાઈન ગેમીંગ હવે સમાજનુ મોટુ દૂષણ

સરકારની ટેક્ષની લાલચમા લોકો ગેમ્બલીંગના રવાડે ચડી રહ્યા છે મનોરંજનનુ માધ્યમ ગણાતુ ઓનલાઈન ગેમીંગ હવે સમાજનુ મોટુ દૂષણ

તંત્રી સ્થાનેથી…
મહાભારતના સમયથી જુગારની પ્રવૃત્તિ આપણા સમાજમાં ચાલી રહી છે. અત્યારે ચાલતા શ્રાવણ માસમાં મોટા પ્રમાણમાં લોકો જુગાર રમે છે. જુગાર રમનાર પરિવારની આર્થિક સ્થિતિ ડામાડોળ બનતી હોવાથી જુગારની બદી ધરાવતા લોકો પાયમાલ થતા હોવાથી સરકારે તેના ઉપર પ્રતિબંધ મુક્યો છે. જુગાર રમાતા સ્થળ ઉપર પોલીસ રેડ કરીને જુગારધારા મુજબ ગુનો નોંધી ફરિયાદ કરવામાં આવે છે. ત્યારે ઓનલાઈન ગેમીંગ(ગેમ્બલીંગ)ને છૂટ આપતા સરકારની જુગાર ઉપર બેવડી નીતિ જોવા મળે છે. ઓનલાઈન ગેમીંગ ઉપર કોઈ કાયદો નહી હોવાથી અત્યારે દેશનુ યુવાધન બરબાદ થઈ રહ્યુ છે. રમતના નામે આજના ટેકનોલોજી યુગમાં ઓનલાઈન ગેમીંગ એક જંગી ઉદ્યોગ બની ગયો છે. ભારત દેશમાં એક નહી પરંતુ અનેક કંપનીઓ ઓનલાઈન ગેમીંગ ચલાવી રહી છે. દારૂ, ખાવાની તમાકુ અને ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવાથી તેની જાહેરાત કરવા ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે પરિવારના આર્થિક હિત માટે હાનિકારક ઓનલાઈન ગેમીંગની જાહેરાત ઉપર કોઈ પ્રતિબંધ નથી. ફિલ્મ સ્ટાર્સ અજય દેવગણ, રિતિક રોશન, શાહિદ કપુર, શાહરૂખ ખાન, જેકલીન ફર્નાન્ડીઝ વિગેરે જાણીતા કલાકારો, કેટલાક સેલીબ્રીટી જાહેરાત કરીને દેશના લોકોને મોટી રકમ જીતવાની લાલચમાં ભરમાવી જુગાર તરફ ધકેલી રહ્યા છે. ઓનલાઈન ગેમીંગથી જીતનાર કેટલાક લોકોની જાહેરાત પણ સોશિયલ મીડીયામાં જોવા મળે છે. ક્રિકેટ સટ્ટો, શેર સટ્ટો, બાજી પત્તા, કૅસીનો, ઓનલાઈન ગેમીંગ જેવા કોઈ પણ પ્રકારના જુગારમાં જીતનાર માંડ બે પાંચ ટકાજ લોકો હોય છે. જ્યારે ગુમાવનાર ૯૦ ટકાથી વધારે હોય છે. આવા કોઈ પણ પ્રકારના જુગાર રમાડનાર માલેતુજાર બને છે, જ્યારે રમનાર પાયમાલ થાય છે તે જગ જાહેર છે. એમ.એસ.યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના સ્ટેટેસ્ટીકના અધ્યાપક પ્રો.રાકેશ શ્રીવાસ્તવના માર્ગદર્શન નીચે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન ગેમીંગ ઉપર અભ્યાસ માટે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૩૧૪ જેટલા વિદ્યાર્થીઓનો જે સર્વે કરવામાં આવ્યો તેમાં ચોકાવનાર તારણ સામે આવ્યા હતા. કરાયેલા આ સર્વેમાં ૭૦ ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન ગેમ રમતા હોવાનુ જણાયુ હતુ. જેમાં મોટા ભાગના વિદ્યાર્થી ગેમ રમવા માટે મોબાઈનો ઉપયોગ કરતા હતા. એકજ બેઠકે ૧૭ ટકા વિદ્યાર્થી ૬ કલાકથી વધારે, ૨૧ ટકા ૩ થી ૬ કલાક, ૨૭ ટકા ૧ થી ૩ કલાક તથા ૩૦ ટકા એક કલાકથી ઓછો સમય ગેમ રમતા હતા. મોબાઈલના સતત સંપર્કમાં રહેતા લોકો સમાજ અને પરિવારના સંપર્કથી દુર થઈ જાય છે. શારીરીક તકલીફો પણ વધે છે. વિદ્યાર્થી કાળમાં અભ્યાસ ઉપર વિપરીત અસરો પડે છે જેવી ઘણી હાની થતી હોય છે. જ્યારે ઓનલાઈન ગેમીંગના કારણે અન્ય નુકશાનની સાથે આર્થિક નુકશાન પણ મોટુ થતુ હોય છે. ઓનલાઈન ગેમીંગના કારણે ફ્રોડના પણ કિસ્સા જોવા મળી રહ્યા છે. ગેમીંગ વોલેટમાં રહેલ રીયલ વર્લ્ડ કરન્સી ઉપર સ્કેમર્સની નજર હોય છે. જેમાં સરળતાથી રૂપિયાની ચોરી થઈ શકે છે. યુઝરને ગેમ રમવા માટે અલગ સોફ્ટવેર ડાઉનલોડ કરવુ પડે છે. આ પ્રકારના સોફ્ટવેર યુઝરના ફોનની સિક્યુરીટી અને પ્રાઈવર્સી માટે ખતરનાક હોય છે. ઓનલાઈન ગેમ્સ લોગઈન કરતાજ તમે પોતાની સાથે જોડાયેલી જાણકારી તેમાં આપી દે છે. હેકર્સ ડેટા ચોરી કરીને નુકશાન પહોચાડી શકે છે. અનેક પોપ્યુલર ગેમ્સના વર્ઝન લોકોને ફસાવવા માટેનાજ હોય છે. તેમાં ડેટા કે રૂપિયાનુ ફ્રોડ થતુ હોય છે. ઓનલાઈન ગેમીંગના ઘણા સર્વિસ પ્રોવાઈડર્સ એવા પણ છે કે જેઓ લોકોને લાલચ આપીને ગેમ રમવા માટે આકર્ષિત તો કરે છે પણ જ્યારે ગેમર્સ જીતી જાય છે ત્યારે તેમને ઈનામ આપવાની ના પાડી દે છે. અથવા જીતનાર ગેમર્સને ડિસક્વૉલીફાઈડ કરી દે છે. સમાજમાં એવા ઘણા કિસ્સા જોવા મળે છે કે જેમાં ઓનલાઈન ગેમીંગના રવાડે ચડેલા લોકો ઘર ખર્ચના પૈસા બરબાદ કરી દે છે. વિદ્યાર્થીકાળના યુવાનો માતા-પિતાની જાણ બહાર ડેબીટ કાર્ડ કે ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. બેંકમાંથી બેલેન્સ ઓછુ થાય કે ક્રેડીટ કાર્ડના પૈસા ભરવાની નોટીસ આવે ત્યારે ખબર પડે છે કે પોતાનુ સંતાન ઓનલાઈન ગેમ્બલીંગના રવાડે ચડ્યા છે. મનોરંજનનુ માધ્યમ ગણાતુ ઓનલાઈન ગેમીંગ હવે સમાજનુ મોટુ દૂષણ બની જતા વિશ્વના દેશોમાં નેધરલેન્ડ, વેનેઝુએલા, બ્રાઝીલ, દક્ષિણ કોરીયા, યુએઈ જેવા કેટલાક દેશોએ આ માટે કડક નિયમો બનાવ્યા છે. દેશમાં ફક્ત તેલંગણા એક એવુ રાજ્ય છે કે, જ્યા ઓનલાઈન ગેમીંગ માટે કાયદો છે. જેમાં ઓનલાઈન ગેમીંગમાં જુગાર રમવા પર ૩ મહિનાની જેલ કે રૂા.૫૦૦૦ દંડ અથવા બન્ને સજા, ઓનલાઈન જુગારની જાહેરાત કરવા માટે જવાબદાર વ્યક્તિને એક વર્ષની જેલ કે પાંચ લાખ રૂપિયા દંડ અથવા બન્ને સજા, ઓનલાઈન ગેમ દ્વારા જુગાર રમતા પકડાય, ગેમમાં પૈસા કે પ્રોપર્ટી ઉપર સટ્ટો લગાવે તો તેને ૩ વર્ષની જેલ કે રૂા.૧૦ લાખનો દંડ અથવા બન્ને સજા કરવામાં આવે છે. ભારત સરકારને ઓનલાઈન ગેમીંગ ઉપર ૨૮ ટકા જીએસટી તથા ઈન્કમટેક્ષની તગડી આવક થતી હોવાથી આ ડીજીટલ જુગારને છુટ આપવામાં આવી છે. આ ઉદ્યોગમાંથી મોટી આવક મળે તેવુ ઈચ્છે છે. બાકી પ્રજાનુ જુગટુ રમીને જે થવાનુ હોય તે થાય તેવી સરકારની માનસિકતા જોવા મળે છે.