દાદીમાનુ વૈદુની જેમ ટીપ્સ આપનારથી ચેતજોસોશિયલ મીડિયામા સ્વાસ્થ્ય સબંધીત સલાહનેઅનુસરતા પહેલા સો વખત વિચાર કરજો
તંત્રી સ્થાનેથી…
સોશિયલ મીડિયાના ઓનલાઈન પ્લેટફોર્મના કારણે અનેક લોકો ગેરમાર્ગે દોરાય છે. કોઈ છેતરપીંડીનો ભોગ બને છે તો કોઈ શરીરનુ સ્વાસ્થ્ય ખરાબ કરે છે. સમાજમાં આવા અનેક બનાવો બને છે અને સાંભળવા મળે છે. તેમ છતા સોશિયલ નેટવર્ક ઉપર નભતા લોકો એવો આંધળો વિશ્વાસ રાખે છેકે જેના કારણે મોતના મુખમાં ધકેલાય છે. કેરાલાની એક ટીનેજરનુ યુટ્યુબ આધારે ડાયટીંગથી મૃત્યુ થતા સોશિયલ મીડિયા ઉપર મળતી ટીપ્સ ઉપર કેટલો વિશ્વાસ રાખવો તેના ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે. કેરાલાના કન્નુરના કુથુપરમ્બાની ૧૮ વર્ષની શ્રીનંદા એનોરેક્સીયા નર્વોસા નામની બીમારીથી પીડાતી હતી. આ એક એવી બીમારી છે જેમાં પીડિત લોકોને બીજા કરતા પોતાનુ વજન વધારે લાગતુ હોય છે. પોતાના વજન વિશે વધારે વિચારે છે અને અન્નનો ત્યાગ કરે છે. આ યુવતી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સોશિયલ મીડિયા તેમજ યુટ્યુબના ડાયટીંગના વિવિધ વિડિયો જોઈને વજન ન વધે તે માટે ડાયટ પ્લાન અનુસરતી હતી. વજન વધવાની ચિંતામા યુવતીએ સોશિયલ મીડિયાના ઓનલાઈન પોર્ટલથી પ્રભાવિત થઈને એકસ્ટ્રીમ વોટર ફાસ્ટીંગ શરૂ કરી દીધુ હતું. યુવતી વજન વધે નહી તે માટે છેલ્લા છ મહિનાથી માત્ર ગરમ પાણી પીને જીવતી હતી અને અન્નનો એક દાણો ખાધો નહોતો. વજન ઉતારવાની ગાંડી ઘેલછામા છેલ્લે યુવતીનુ વજન ૨૪ કિલોજ રહ્યુ હતુ. વજન વધે નહી તેની ચિંતામાં ફક્ત પાણી ઉપર રહેતા તેની તબીયત બગડતા ૧૨ દિવસ હોસ્પિટલના ઈન્ટેન્સીવ કેર યુનિટમાં રાખવામાં આવી હતી. તેના રિપોર્ટમા સુગર લેવલ, સોડિયમ અને બ્લડ પ્રેશર ઘણુ ઓછુ જોવા મળ્યુ હતુ. વેન્ટીલેટર ઉપર હોવા છતા તેની હાલતમાં સુધારો નહી થતા મૃત્યુ થયુ હતુ. કેરાલાની આ યુવતી સોશિયલ મીડિયાના એવા સલાહકારને અનુસરતી હતી જેને ડાયટીંગ માટેની કોઈ ગતાગમ નહોતી. આ હેલ્થ ઈન્ફ્લુએન્સરે વજન ઉતારવા માટે અનાજ ખાવાનુ બંધ કરીને માત્ર ગરમ પાણી ઉપર રહેવાની સલાહ આપી. યુવાન અવસ્થા એવી છેકે આ સમય શરીરના કોષો પોષણક્ષમ આહાર માગે છે. જ્યારે ફક્ત ગરમ પાણી પીવાની સલાહ માત્રને માત્ર મુર્ખામીભરી છે. અત્યારના જમાનામા સ્વાદના શોખીન લોકો કેવો ખોરાક ખાવો અને દિવસમાં કેટલુ ખાવુ તેનુ ધ્યાન રાખતા નથી. જ્યારે શરીર વધીને બેડોળ બની જાય છે, ત્યારે વજન ઉતારવા હાથવગા સોશિયાલ મીડિયાનો સહારો લે છે. આજના યુવાનોમાં અને એમા પણ ખાસ કરીને યુવતીઓ સ્લીમ અને ટ્રીમ રહેવા માટે ઘણા પ્રયત્નો કરે છે. જેમા સમતોલ અને પૌષ્ટીક આહારનુ મહત્વ જોવામાં આવતુ નથી. ૧૪૫ કરોડ દેશવાસીઓમાં એવા કરોડો લોકો છે જે શરીર સબંધીત સમસ્યા માટે ચાર્જ આપવો પડે નહી તે માટે ર્ડાક્ટર કે અનુભવી ડાયેટીશીયનનો સંપર્ક કરતા નથી અને સોશિયલ નેટવર્ક ઉપર આંધળો વિશ્વાસ રાખે છે. જેના કારણે સોશિયલ નેટવર્ક ઉપર જાતજાતની સલાહ આપનાર બીલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. વજન ઓછુ કરવુ, ડાયાબીટીસ હોય તો તેને નિયમિત કરવો, ઉંઘ ન આવવી, શરીર સ્થૂળતા દૂર કરવી, માથામાં ટાલ પડી હોય તો વાળ ઉગાડવા, જોઈન્ટનો દુઃખાવો મટાડવો, ઘુંટણના ઓપરેશનને બદલે તેલથી માલીશ કરવી, શરીરને ઘાટીલુ રાખવા અમુક કસરત કરવી, પેટ સાફ રહે તેમાટે કેટલી દવાઓ લેવી વિગેરે શરીર સબંધીત સલાહ સોશિયલ મીડિયા ઉપર મળી રહે છે. અત્યારના સિનિયર સિટીઝનોએ પહેલા દાદીમાનુ વૈદુ નામનુ પુસ્તક વાચ્યુ હશે. જેમાં સ્વાસ્થ્યને લગતા વિવિધ ઉપચારો બતાવવામાં આવતા હતા. આ પુસ્તીકાઓ અનુભવી આયુર્વેદના જાણકારો તથા શરીરશાસ્ત્રીઓના હસ્તે લખાયેલી હતી. આ પુસ્તીકાઓની સલાહ પ્રમાણે અનુકરણ કરવાથી ક્યારેય કોઈનુ સ્વાસ્થ્ય જોખમાયુ હોવાનુ જાણવા મળ્યુ નથી. અત્યારે સોશિયલ મીડિયાના જમાનામા ઓનલાઈન ઉંટવૈદો મેડીકલ સાયન્સને પડકારતા હોય તેમ મન ફાવે તેવુ ડાયટ પ્લાનીંગ સુચવી મોટા અને ખોટા દાવા કરીને લોકોને ફસાવે છે. હેલ્થ ટીપ્સમાં સોશિયલ મીડિયા ઉપર મળતી સલાહ સૂચનોએ લોકોમાં એટલો આંધળો વિશ્વાસ ઉભો કર્યો છેકે, મેડિકલ સાયન્સ જેવી ગંભીર બાબતોમાં પણ ઉંટવૈદોનો વિચાર કરતા નથી અને કેરાલાની શ્રીનંદાની જેમ શિકાર બની જાય છે. સોશિયલ મીડિયામાં હેલ્થ ટીપ્સ આપનાર લોકોનુ બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે તો તેમનો કોઈ અભ્યાસ હોતો નથી. પરંતુ હેલ્થ ઈન્ફ્લુએન્સરોનુ માર્કેટીંગ એટલુ પ્રભાવક હોય છેકે લોકો તેમની સલાહથી આકર્ષાય છે. હેલ્થ ટીપ્સના પ્રશંસકો પણ તેમના મળતીયા હોય છે. પરંતુ વાણી સ્વાતંત્રના નામે ભારત દેશમાં લોકોના જીવ લે તેવી આવી ભ્રામક જાહેરાતો ઉપર કોઈ અંકુશ નથી. ફોલોઅર્સ પ્રમાણે આવક થતી હોવાથી સોશિયલ મીડિયામાં હેલ્થ ટીપ્સના નામે અવનવા અખતરા કરાવતા અનેક વિડિયો જોવા મળે છે. ત્યારે સોશિયલ મીડિયામાં સ્વાસ્થ્ય સબંધીત સલાહને અનુસરતા પહેલા સો વખત વિચાર કરવો જોઈએ.