ખેરાલુ નાગરિક બેન્કમાં રાજ્ય રજીસ્ટ્રારના હુકમથી કસ્ટોડિયન નિમાયા
ખેરાલુ નાગરિક બેન્કની ચુંટણી તા.૨૪-૧૧-૦૨૫ના રોજ જાહેર થઈ હતી. ત્યારબાદ ઊમેદવારી પત્રો રદ કરી દેતા બોર્ડ ઓફ નોમિનીઝ અને હાઈકોર્ટમાં અનેક પ્રકારની અપીલો દાખલ થઈ હતી. ત્યારબાદ ખેરાલુ શહેર ભાજપ પુર્વ પ્રમુખ હેમન્તભાઈ મહેન્દ્રભાઈ શુકલ દ્વારા તા.૨૯-૦૧-૨૦૨૬ના રોજ કસ્ટોડિયનની નિમણુક માટે પત્ર મહેસાણા જિલ્લા રજિસ્ટ્રારને લખ્યો હતો. જિલ્લા રજિસ્ટ્રારે રાજ્ય રજિસ્ટ્રારને વિસ્તૃત અહેવાલ મોકલી આપતા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય ગાંધીનગર મિતેશભાઈ પંડ્યા દ્વારા કસ્ટોડિયનની નિમણુક માટે સ્પષ્ટ અભિપ્રાય મોકલ્યો છે.
હેમન્તભાઈ શુકલ દ્વારા ખેરાલુ નાગરિક બેન્કની ચુંટણી મુક્તપણે કરવા માટે કસ્ટોડિયનની નિમણુક કરવા અરજી કરી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, તા.૨૪-૧૧-૨૦૨૫ના રોજ ચુંટણીની જાહેરાત કરી હતી. જેમાં ૨૫-૧૧-૨૦૨૫ના રોજ છેવટની યાદી પ્રસિધ્ધ કરવાની હતી આ કાર્યક્રમને ચૌહાણ વિરેન્દ્રસિંહ દ્વારા તા.૨૬-૧૧-૦૨૫ના રોજ બોર્ડ ઓફ નોમિનીઝમાં પડકારી હતી. જેથી યથાવત સ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો હતો. આ હુકમ વિરૂધ્ધ બેન્કના ચુંટણી અધિકારી દ્વારા હાઈકોર્ટમાં દાદ માંગી હતી. ત્યારબાદ ૧૭-૧૨-૦૨૫ના હુકમ દ્વારા બોર્ડ ઓફ નોમિનીઝનો હુકમ સ્ટે કર્યો હતો. ત્યારબાદ ચુંટણી અધિકારીએ ૧૯-૧૨-૦૨૫ના રોજ ફરીથી ચુંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. જે અન્વયે દશરથભાઈ રામજીભાઈ પરમારે કેટલાક ફોર્મ રદ કરવા અરજી કરી હતી. પરંતુ ચુંટણી અધિકારીએ ૮ના ફોર્મ રદ કર્યા હતા. જેથી નારાજ થઈ બોર્ડ ઓફ નોમિનીઝમાં દાવો કર્યો હતો. જે અન્વયે બોર્ડ ઓફ નોમિનીઝ દ્વારા ૬ ઊમેદવારોના ફોર્મ રદ કરવા જણાવેલ, તે પછી ચુંટણી અધિકારી અને ફોર્મ રદ થયેલ ઊમેદવારોએ હાઈકોર્ટમાં પીટીશન કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા ૮-૦૧-૦૨૬ના રોજ હુકમ કરી ૩-૦૧-૦૨૬ના રોજ હુકમને રદ કર્યો હતો. તેમજ ચુંટણી અધિકારીને કોઈપણ પ્રકારની આગળની કાર્યવાહી કરવા પર સ્ટે આપ્યો હતો. ચુંટણી અધિકારીએ નિયમો અને કાયદાનું પાલન કરી ઊમેદવારોના ફોર્મ અંગે કાર્યવાહી કરવા વિગતવાર સોગંધનામુ રજુ કરવા બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટે હુકમ કર્યો હતો. આ અરજી અંતર્ગત ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ની કલમ ૭૪(૧) (સી)ની જોગવાઈ અન્વયે બેન્કની વ્યવસ્થાપક સમિતિના ચુંટાયેલા સભ્યો અને તેના હોદ્દેદારોના હોદ્દાની મુદ્ત પાંચ વર્ષની રહે તે પ્રમાણે ૧૦-૦૧-૦૨૬ના રોજ મુદ્ત પુર્ણ થયેલ છે. જેથી ગુજરાત સહકારી અધિનિયમ ૧૯૬૧ની કલમ ૧૪ (ડી) મુજબ કસ્ટોડીયન મુકવા અન્વયે સ્પષ્ટ અભિપ્રાય છે. જેથી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને કસ્ટોડિયન મુકવા સ્પષ્ટ અભિપ્રાય આપતા કસ્ટોડિયન તરીકે એચ.બી.ઠાકર સ્પેશિયલ ઓડિટર સહકારી મંડળીઓ મહેસાણાની નિમણુક કરવા હુકમ કર્યો હતો. જેમાં આ કસ્ટોડિયનની મુદ્ત એક વર્ષ અથવા નવી કમિટીનુ ચુંટણી ન થાય ત્યાં સુધી અથવા અન્ય હુકમ ન થાય ત્યાં સુધી જે વહેલુ હોય ત્યાં સુધીની રહેશે. તેવો હુકમ થતા હવે આ કસ્ટોડિયન ક્યાં સુધી રહેશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.