Select Page

ITI ફાટકનો રસ્તો પૈસા લઈ ખોલાતો હોવાની ચર્ચા

ITI ફાટકનો રસ્તો પૈસા લઈ ખોલાતો હોવાની ચર્ચા
  • ગુજરાતમાં નવા બનેલા બ્રીજના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયા છે ત્યારે વિસનગરમાં કેટલો ટકાઉ અને મજબુત ઓવરબ્રીજ બને છે તેના ઉપર લોકોની બાજનજર છે

વિસનગરમાં આઈ.ટી.આઈ. પાસે ઓવરબ્રીજનું કામ ચાલતુ હોઈ આ હાઈવે ઉપર વાહન વ્યવહાર બંધ કરી શહેરમાં ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. ત્યારે બ્રીજ બનાવનાર એજન્સીના માણસો ભુલા પડેલા આ રોડ ઉપર આવેલા વાહનચાલકો પાસેથી રૂા.૫૦ થી ૧૦૦ લઈ ગેટનું તાળુ ખોલતા હોવાનું ચર્ચાય છે. જ્યારે એજન્સીના કોન્ટ્રાક્ટરનું કહેવુ છે કે, કેટલાક વાહન ચાલકો અમને ગેટ ખોલવા રૂપિયા આપવાનુ કહે છે. છતાં અમે ગેટ ખોલતા નથી. હવે આ ચર્ચામાં સત્ય કેટલુ તે તો રામ જાણે પરંતુ અત્યારે ઓવરબ્રીજનું કામ કેટલુ ટકાઉ અને મજબુત થાય છે તેની તપાસ જરૂરી છે.
આજે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઠેર ઠેર વિકાસ કામો થયા છે. અને થઈ રહ્યા છે. જેમાં કેટલાક કામોમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મિલીભગતથી લાખ્ખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના કૌભાંડો બહાર આવ્યા છે. જોકે લાખો રૂપિયાના ભ્રષ્ટાચારમાં જે તે એજન્સીના માણસોની પણ સંડોવણી હોય છે. અત્યારે વિસનગરમાં ITI પાસે ઓવરબ્રીજ બનાવવા મહેસાણાની એક કન્સ્ટ્રક્શન કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ઓવરબ્રીજના કામ માટે ITI રોડ ઉપર વાહન વ્યવહાર બંધ કરી એમ.એન.કોલેજ રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જેથી મહેસાણા અને કડા રોડ તરફ જતા વાહનચાલકો અત્યારે એમ.એન.કોલેજ રોડ ઉપરથી અવર જવર કરે છે. ઘણીવાર બ્રીજ બનાવનાર એજન્સીના માણસો ITI પાસેના ગેટનું તાળુ ખોલી રસ્તો ખુલ્લો કરતા અહી પણ નાના વાહનોની અવર જવર જોવા મળે છે. આ દરમિયાન કામગીરીની દેખરેખ રાખતા સરકારી કર્મચારીઓ પણ હાજર હોય છે. સરકારી કર્મચારીઓની હાજરીમાં એજન્સીના માણસો ગમે ત્યારે ગેટનું તાળુ ખોલી બંધ કરતા હોવાથી વાહનચાલકો અટવાય છે. કેટલાક વાહનચાલકો તો ગેટનું તાળુ ખોલવા એજન્સીના માણસો અને કર્મચારીઓને આજીજી પણ કરતા હોય છે. છતાં તેઓ ગેટ ખોલતા નથી. જે વાહનચાલકોના હિતમાં સારી કામગીરી કહેવાય. પરંતુ અત્યારે એજન્સીના માણસો સરકારી કર્મચારીઓની હાજરીમાં ભુલા પડેલા આ રોડ ઉપર આવેલા વાહનચાલકો પાસેથી રૂા.૫૦ થી ૧૦૦ લઈ ગેટનું તાળુ ખોલતા હોવાનુ ચર્ચાય છે. જોકે એજન્સીના માણસો સરકારી કર્મચારીની હાજરીમાં વાહનચાલકો પાસેથી ગેટ ખોલવા રૂા. ૫૦ થી ૧૦૦ પડાવતા હોવાની ચર્ચામાં કેટલુ તથ્ય છે તે તો રામ જાણે. પરંતુ ઓવરબ્રીજનું કામ કેટલુ ટકાઉ અને મજબુત થાય છે તેની હવે તપાસ જરૂરી બની છે. કારણ કે અગાઉ પાલનપુરમાં નવો બની રહેલા ઓવરબ્રીજનો સ્લેબ અચાનક તુટી પડતા જાનહાની થઈ હતી. ત્યારે ભાજપ સરકાર ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ થતા નેતાઓ અને અધિકારીઓ દોડતા થયા હતા. જે ઘટના આજેપણ લોકો ભુલ્યા નથી. ગુજરાતમાં આવા બીજા બ્રીજના કામોમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની દેખરેખ હેઠળ વિસનગરમાં ઓવરબ્રીજ કેટલો ટકાઉ અને મજબુત બને છે તેના ઉપર લોકોની બાજ નજર છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us