ખેરાલુ મનરેગા ભ્રષ્ટાચારમાં અધિકારીઓને રાહત કે સંકટ તર્કવિતર્ક
મહેસાણા લોકપાલ ગીરીશભાઈ શર્માની તપાસમાં
- ખેરાલુ મનરેગા યોજનામાં બાગાયતના થયેલા કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું જગજાહેર છે. પરંતુ લોકપાલની તપાસમાં શું બહાર આવ્યુ તેની કંઈ ખબર નથી- કુલદિપસિંહ ચૌહાણ
- જો મનરેગાની આ તપાસમાં કોઈની સામે કડક પગલા નહી લેવાય તો હું જવાબદાર અધિકારીઓ સામે કોર્ટ કાર્યવાહી કરીશ- કુલદિપસિંહ ચૌહાણ
સતલાસણા તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા બાગાયતના કામોમાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો હોબાળો થયો હતો. ત્યારે સતલાસણાના કોંગ્રેસના જીલ્લા સદસ્યની રજુઆતથી મનરેગા શાખાના લોકપાલે બે મહિના પહેલા મનરેગાના કામોની તપાસ શરૂ કરી હતી. પરંતુ લોકપાલની તપાસમાં શું બહાર આવ્યુ તે હજુ સુધી અરજદારને જાણવા મળ્યુ નથી. જોકે અરજદાર જીલ્લા સદસ્યએ મનરેગાની તપાસમાં ભીનુ સંકેલાશે તો તેઓ આ મુદ્દે જવાબદારો વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે તેવુ જણાવ્યુ છે.
કેન્દ્ર સરકારે ગ્રામ્ય વિસ્તારના શ્રમિકો અને બેરોજગારોને રોજગારી આપવા મનરેગા યોજના અમલમાં મુકી હતી. પરંતુ સરકારની આ યોજના ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઈ છે. ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી મનરેગા યોજનામાં લાખ્ખોના કૌભાંડ થયા છે. છતાં સરકાર ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કોઈ કડક પગલા લેતી નથી. જેના કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સરકારી કચેરીઓમાંથી ભ્રષ્ટાચાર દુર કરવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. અત્યારે વડાપ્રધાનના વતનના જીલ્લામાં જ મનરેગા યોજનામાં લાખ્ખોના કૈૌભાંડ થયા છે. જેમા વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં થયેલા કૌભાંડની તપાસ પણ થઈ હતી. પરંતુ હજુ સુધી તાલુકા અને જીલ્લાના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કોઈ કડક પગલા લેવામાં આવ્યા નથી. જ્યારે ખેરાલુ તાલુકામાં મનરેગા યોજનામાં થયેલ બાગાયતના પ્રોજેક્ટમાં જીલ્લા કક્ષાએથી ૨૫૦ જેટલા ખેડુત લાભાર્થીઓને આંબાના વાવેતર માટે વહીવટી મંજુરી આપવામાં આવી હતી. જેમાં ટી.ડી.ઓ. ભાટીયા, નાયબ ટી.ડી.ઓ. રજનીભાઈ બ્રહ્મભટ્ટ મનરેગાના ટેકનીકલ આસિસ્ટન્ટ ઈન્દ્રજીત રાવળ સહિતે ભેગા મળી ૨૫૦ માથી ૭૭ લાભાર્થીઓને લાખ્ખોના બિલનું ચુકવણુ કરતા તાલુકામાં મોટો હોબાળો થયો હતો. જેમાં સતલાસણા સીટના જીલ્લા સદસ્ય કુલદીપસિંહ ચૌહાણની રજુઆતથી મહેસાણા મનરેગા શાખાના લોકપાલ ગીરીશભાઈ શર્માએ બે મહિના પહેલા ખેરાલુ તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા આંબાના વાવેતરની તપાસ શરૂ કરી હતી. ત્યારે શરૂઆતની તપાસમાં તાલુકાના આગેવાનો અને કર્મચારીઓને એમ હતુ કે આ તપાસમાં કૌભાંડ પકડાશે તો લોકપાલ કોઈને છોડશે નહી. પરંતુ લોકપાલની તપાસમાં શું બહાર આવ્યુ તેની અરજદાર જીલ્લા સદસ્યને પણ ખબર નથી. આ અંગે અરજદાર જીલ્લા સદસ્ય કુલદિપસિંહ ચૌહાણે જણાવ્યુ કે ખેરાલુ તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા બાગાયતના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. તે જગજાહેર છે. જેની મહેસાણાના લોકપાલ છેલ્લા બે મહિનાથી ગુપ્ત તપાસ કરી રહ્યા છે. તપાસમાં શું થયુ તેની મને કંઈ ખબર નથી. જો આ તપાસમાં તાલુકા અને જીલ્લાના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કોઈ પગલા લેવામાં નહી આવે તો હું આ ભ્રષ્ટાચાર સામેની લડતમાં મનરેગાના જવાબદાર અધિકારી અને કર્મચારી વિરૂધ્ધ કોર્ટ કાર્યવાહી કરીશ.
અત્યારે તો લોકપાલની તપાસમાં બાગાયતના પ્રોજેક્ટમાં શું બહાર આવે છે તેની તાલુકાના આગેવાનો અને કર્મચારીઓ ચાતક પક્ષીની જેમ રાહ જોઈને બેઠા છે.