શહેરને ગંદકી મુક્ત કરવા-રસ્તાઓના ખાડા પુરવા- ટ્રાફીકમા તંત્રને એલર્ટ કરવા વિસનગરમાં મહિનામાં એક વખત VIP એન્ટ્રી મોકડ્રીલ જરૂરી
વિસનગરમાં રૂા.૪૯પ કરોડના વિકાસ કામોનુ ખાતમૂર્હૂત તથા લોકાર્પણ કાર્યક્રમમા મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના હોઈ પાલિકા સહીતના તંત્ર દ્વારા રસ્તાઓની સફાઈ, ખાડા પુરવાની કામગીરી, ટ્રાફિક નિયમની જે કામગીરી થઈ એ ઉપરથી શહેરીજનો ઈચ્છી રહ્યા છે કે મહિનામા એક દિવસ વી.આઈ.પી. એન્ટ્રીની મોકડ્રીલ કરવુ જોઈએ. વાહન ચાલકો રોજ જ્યા પટકાતા હતા તે આદર્શ વિદ્યાલય પાસેના ખાડા મુખ્યમંત્રીના સ્વાગત માટે પુરવામા આવ્યા હતા. વિકાસ કામમા પાલિકા જો થોડી સતર્કતા રાખે તો ઘણી મુશ્કેલીઓ દૂર થાય તેમ છે.
આદર્શ વિદ્યાલય પાસે ઘણા સમય બાદ ખાડા પુરાયા
વિસનગરમા થતા વિકાસ કામથી થોડી ઘણી અગવડતા રહેવાની જ પરંતુ વિકાસમા નડતરરૂપ કામ પ્રત્યે જો પાલિકા તંત્ર થોડુ ઘણુ ધ્યાન આપેે તો ઘણી સમસ્યાઓનો નિકાલ થાય તેમ છે. શહેરમા વિકાસ કામ ઉપરાંત જાહેર માર્ગો ઉપર ગંદકી, રોડ ઉપરના ખાડા, ગટરો ઉભરાવવી ટ્રાફીક જેવી ઘણી સમસ્યાઓ જોવા મળે છે. લોકો દ્વારા વારંવાર રજૂઆત પણ થાય છે. પરંતુ પાલિકા તંત્રના પેટનુ પાણી હલતુ નથી.
વિસનગરમાં તા.૮-પ-ર૦રપ ના રોજ રૂા.૪૯પ કરોડના ખર્ચના વિકાસ કામનુ ખાત મૂર્હૂત તથા લોકાર્પણ કાર્યક્રમમા મુખ્યમંત્રી ભુપેન્દ્રકુમાર પટેલ ઉપસ્થિત રહેવાના હોઈ વહીવટી તંત્ર દ્વારા ત્રણ દિવસ પહેલાથી શહેરની શોભા વધારતી કામગીરી શરૂ કરાઈ હતી. કાંસા ચાર રસ્તા પાસે વરસાદી લાઈનની કામગીરી પૂર્ણ થવા છતા માટીના ઢગલા ઉઠાવવામા આવતા નહોતા. જે ઢગલા ઉઠાવી રોડ ખુલ્લો કરાયો, કુંડીઓ બની ગઈ હોવા છતા ખાડા પુરાવામા આવતા નહોતા તે ખાડા કોન્ટ્રાક્ટરે તાત્કાલિક અસરથી પૂર્યા અને કુંડીઓ ઉપરના ઢાંકણા નાંખ્યા, પાઈપ લાઈન નંખાઈ ગયા બાદ રોડ ઉપર જામેલી માટીની સફાઈ કરવામા આવતી નહોતી. મુખ્યમંત્રી પાલડી ત્રણ રસ્તા પાસેના એપીએમસી ગ્રાઉન્ડનો કાર્યક્રમ પતાવી કદાચ સિવિલ હોસ્પિટલ પાલિકા ભવન અને તાલુકા પંચાયત ભવનની મુલાકાતે આવે તો તેની તૈયારી રૂપે કાંસા ચાર રસ્તાથી ગંજબજાર સુધીના રોડની સફાઈ કરવામા આવી. મુખ્યમંત્રી જયાંથી પસાર થવાના હતા તે રોડ ઉપર ઉભરાતી ગટરોની સફાઈ કરવામા આવી. મુખ્યમંત્રી ગાંધીનગરથી રોડ માર્ગે આવવાના હોવાથી કડા ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીના શહેરના માર્ગો તથા હાઈવેની સફાઈ કરાઈ. રોડ ઉપર રખડતી ગાયો દેખાતી બંધ થઈ ગઈ હતી. આદર્શ પાસેના ખાડાઓમા વાહન ચાલકો પટકાતા હતા ત્યારે મુખ્યમંત્રીની એન્ટ્રી થવાની હોવાથી તાત્કાલીક ખાડા પુરવામા આવ્યા. મુખ્યમંત્રી કાફલાને ટ્રાફીક નડે નહી તે માટે પોલીસ કર્મચારીઓ ખડકી દેવામા આવ્યા હતા. અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ, વડનગરની મુલાકાતે આવ્યા ત્યારે પણ વિસનગરમા તંત્રની આવી કવાયત જોવા મળી હતી.
વિસનગરમા મુખ્યમંત્રી આવવાના હોવાથી પાલિકા અને તંત્રની યુધ્ધના ધોરણે થયેલી કામગીરીથી શહેરની આખી રોનક બદલાઈ ગઈ હતી. જ્યારે સામાન્ય સંજોગોમાં શહેરીજનોને નડતરરૂપ સમસ્યા પ્રત્યે કોઈ ધ્યાન રાખવામા આવતુ નથી કે કાળજી લેવામા આવતી નથી. મુખ્યમંત્રીના સ્વાગતની તૈયારીઓ જોઈને શહેરીજનોમા હવે એવી લાગણી વર્તાઈ રહી છે કે મહિનામા એક વખત વીઆઈપી એન્ટ્રીનુ મોકડ્રીલ થવુ જોઈએ.