Select Page

આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના માતૃશ્રીનુ નિધન

આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના માતૃશ્રીનુ નિધન

મધર્સ ડે દિવસેજ પરિવારના તમામ સભ્યોને આશીર્વાદ આપ્યા હતા

  • શિક્ષકની નોકરી છોડી પરિવારના પાલન પોષણમાં ધ્યાન આપ્યુ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરોગ્ય મંત્રીના નિવાસ્થાને પહોચી શ્રધ્ધાંજલિ આપી

છેલ્લા દિવસોમાં તમામ સભ્યોનો સહવાસ અને પ્રેમ પ્રાપ્ત કરનાર પુણ્યશાળી લોકો ઘણા ઓછા હોય છે. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના માતૃશ્રી કમળાબેન પટેલ આવુ પુષ્યશાળી ભાગ્ય ધરાવતા હતા. જેમણે મધર્સ ડેના દિવસેજ પરિવારના તમામ સભ્યોને આશીર્વાદ આપ્યા હતા. જેમનુ ૮૫ વર્ષની જૈફ વયે ટુંકી માદગી બાદ અવસાન થતા સમગ્ર પરિવાર ઘેરા શોકમાં ઘરકાવ થઈ ગયો છે. આરોગ્ય મંત્રીના માતૃશ્રીના અવસાનના સમાચાર જાણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ કાર્યક્રમો પડતા મુકી વિસનગર આવીને શ્રધ્ધાંજલિ આપી હતી. વિસનગર પંથકમાં કમળા બાના દુઃખદ અવસાનના સમાચાર વાયુવેગે ફેલાતા ભાજપના હોદ્દેદારો, ચુંટાયેલા સભ્યો, શહેરના આગેવાનો મોટી સંખ્યામાં આરોગ્ય મંત્રીના નિવાસ્થાને પહોચી ગયા હતા.
વિસનગરના ધારાસભ્ય તેમજ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના માતૃશ્રી કમળાબેન ગણેશભાઈ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. આરોગ્ય મંત્રી પણ માતાની નાદુરસ્ત તબીયતના કારણે વિસનગરથી ગાંધીનગર અપડાઉન કરતા હતા. ત્યારે તા.૧૭-૫-૨૦૨૫ ને શનિવારના રોજ આશરે ૧૧-૦૦ કલાક આસપાસ કમળાબેને પટેલે ૮૫ વર્ષની ઉંમરે આરોગ્ય મંત્રીની હાજરીમાંજ અંતિમ શ્વાસ લીધા હતા. વિસનગર પંથકના સોશિયલ મીડિયા આ સમાચાર વાયુવેગે ફેલાતાજ ભાજપના હોદ્દેદારો, ચુંટાયેલા સભ્યો, આગેવાનો મોટી સંખ્યામાં આરોગ્ય મંત્રીના નિવાસ્થાને ઉમટી પડ્યા હતા. કમળાબેન પટેલના નિધનના સમાચાર જાણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર ખાતેના તમામ કાર્યક્રમો પડતા મુકી હેલીકોપ્ટરમાં ગુંજા હેલીપેડ ખાતે ઉતરી આરોગ્ય મંત્રીના નિવાસ્થાને પહોચી શ્રધ્ધાંજલિ આપી હતી અને વાત્સલ્યમૂર્તિ ગુમાવનાર પરિવારને સાત્વના આપી હતી. સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ હરિભાઈ પટેલ, ભરતસિંહ ડાભી, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ-ઉંઝા, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી વિગેરે આગેવાનો આવી શ્રધ્ધાંજલિ આપી હતી.
કમળાબેન પટેલનો જન્મ વડનગર તાલુકાના સુંઢીયામાં તા.૪-૪-૧૯૪૪ ના રોજ થયો હતો. સ્ત્રી શિક્ષણનુ મહત્વ ઓછુ હતુ એ જમાનામા એસ.એસ.સી. કર્યુ હતુ અને સમાજને શિક્ષિત કરવાની ફરજમાં જોડાયા હતા. પતિ ગણેશભાઈ પટેલ સરકારી સેવામાં હોવાથી બદલી થતી હોવાથી કમળાબેન પટેલે શિક્ષિકાની નોકરી છોડી પરિવારના પાલન પોષણમાં ધ્યાન આપ્યુ હતુ. જેઓ તેમના પુત્ર ઋષિભાઈ પટેલ સાથેજ રહેતા હતા. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના ધર્મપત્ની મિનાબેન પટેલ કમળાબેન પટેલની સાસુ તરીકે નહી પણ જનેતાની જેમ સેવા કરતા હતા. આરોગ્ય મંત્રીના ભાઈ સમાન ભાગીદાર જીતુભાઈ પટેલ અને સુમીબેન પટેલ પણ કમળાબેન પટેલ પ્રત્યે અનેરૂ વાત્સલ્ય ધરાવતા હતા. કમળાબેન પટેલ પુણ્યશાળી હતા. જેમણે અંતિમ દિવસોમાં પરિવારના તમામ સભ્યો સાથે સમય વિતાવ્યો. તા.૧૧-૫-૨૦૨૫ને રવિવારના રોજ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના વિસનગર ખાતેના નિવાસ્થાને એકઠા થઈ કમળા બા સાથે માતૃત્વ દિવસની ઉજવણી કરી હતી. માતૃત્વ દિવસ બાદ કમળાબેન પટેલની તબીયત વધારે બગડી હતી. જેમણે શનિવાર સવારેજ છેલ્લો દિવસ હોવાનો સંકેત આપી આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલને તેમની સાથેજ રહેવા જણાવ્યુ હતુ. ત્યારે લગભગ સવારે ૧૧-૦૦ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. કમળા બા પટેલ તેમના પાછળ બહોળુ કુટુંબ વિલાપ કરતા મુકી ગયા છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રચાર સાપ્તાહિક પરિવારની પ્રાર્થના.