જનઆક્રોષ ઠંડો પાડવા ખાડાઓમાં વેટમીક્ષનુ લીંપણ
પાલિકાના આયોજન વગરના વહિવટથી શહેરમાં ફરવુ મુશ્કેલ બન્યુ હતુ
- વાર્ષિક ભાવમાં તાત્કાલીક ડામર મટેરીયલના આઈટમનો સમાવેશ કરાયો-પ્રમુખ ઉત્તમભાઈ પટેલ
- વેટમીક્ષથી પેચવર્કની કામગીરી કરવા બે ટીમ તૈનાત કરાઈ-ચીફ ઓફીસર
વર્ષો પહેલા છાણ અને માટીનુ મીક્ષ કરેલ લીંપણ ઘરની અંદર કરવામાં આવતુ હતુ. પાણીના સંપર્કમાં આવતાજ કિચ્ચડમાં ફેરવાઈ જતુ હોવાથી આ લીંપણ ઘરના આગણામાં ક્યારેય કરવામાં આવતુ નહોતુ. વેટમીક્ષ એ લીંપણ જેવુજ છે. મેઘરાજાએ વિરામ લેતા હાલ પૂરતી પાલિકાને આબરૂ બચાવવાની તક મળતાજ ખાડાનગરના ખાડા પુરવા યુધ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ આતો હાલ પૂરતો જનઆક્રોશ ઠંડો પાડવા ખાડાઓમાં વેટમીક્ષનુ લીંપણ છે. હવેના પછીના વરસાદમાં ફરીથી યથાવત પરિસ્થિતિ સર્જાવાની છે. જે માટે શહેરીજનોએ અત્યારથીજ ખાડારાજમા જીવવાની માનસિક તૈયાર રાખવી પડશે.
વિસનગર પાલિકાનો આયોજન વગરનો વહિવટ અને કોન્ટ્રાક્ટરોની આળપંપાળ કરવાની નીતિના પરિણામે અત્યારે શહેરની જે હાલત થઈ છે તે ક્યારેય જોવા મળી નથી. શહેરમાં અત્યારે જોવા મળતા ખાડા એ વિકાસ કામથી થયા નથી પરંતુ ચોમાસા પહેલાના છે. પરંતુ પાલિકાએ ખાડા પુરવાની તસ્દી ક્યારેય પણ લીધી નથી. એમ.એન.કોલેજ રોડ ઉપર, આદર્શ હાઈસ્કુલ પાસે, આદર્શથી દિપરાના ઢાળ સુધી, વડનગરી દરવાજા, સાત પીંપળી વિસ્તાર, મહેસાણા ચાર રસ્તા ગુરુકુળ રોડ વિગેરે વિસ્તારમાં કેટલાય સમયથી ખાડાની બુમરાડ હતી. પ્રિમોન્સુન કામગીરીમાં કેનાલોની સફાઈ કરાઈ પરંતુ ખાડા પુરવાનો વિચાર કર્યો નહોતો. જેના કારણે આજ વિસનગરમાં ખાડારાજ જોવા મળી રહ્યુ છે. એમ.એન.કોલેજ રોડ ઉપર આકાશ આંખની હોસ્પિટલ આગળ રેલીંગ નાખવાના કારણે ઉનાળામાજ ડામર રોડ ખેચાઈ ગયો હતો. ઉનાળામાં ડામર પ્લાન્ટ ચાલુ હતા તે સમયેજ રીપેર થઈ શકે તેમ હતો. પરંતુ વહિવટી અણ આવડતના કારણે અત્યારે પંડ્યાના નાળા પાસે અગાઉ કરતા પણ વધારે ખાડા સર્જાયા છે.
અત્યારે ચોમાસામાં કરોડોના વિકાસની અને સારા વહિવટની વાતો કરતા પાલિકાની પોલ ખુલી ગઈ છે. શહેરમાં ખાડારાજ જોવા મળી રહ્યુ છે. એતો મેઘરાજાની કૃપા કહેવાય કે વરસાદે વિરામ લેતા પાલિકાને આબરૂ બચાવવાની તક મળી છે. પાલિકા દ્વારા શહેરમાં યુધ્ધના ધોરણે મહેસાણા ચાર રસ્તા, કડા દરવાજા પાસે ઠાકોરવાસ, વિજાપુર રોડ ઉપર, લાલ દરવાજાથી ભાલક રોડ વિગેરે વિસ્તારમાં પડેલા ખાડામાં વેટમીક્ષથી પેચવર્ક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે ડસ્ટ અને નાના મેટલનુ વેટમીક્ષ બીજો વરસાદ નહી આવે ત્યા સુધીજ રહેશે. ચોમાસાનો બીજો રાઉન્ડ થશે કે તુર્તજ ફરીથી ખાડા જોવા મળશે અને શહેરના વાહન ચાલકોને સાવચેતીથી પસાર થવુ પડશે.
શહેરમાં ખાડા પુરવાની યુધ્ધના ધોરણે ચાલતી કામગીરી સંદર્ભે ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીએ જણાવ્યુ છેકે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા અભિયાન અંતર્ગત પાલિકાએ ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોની મરામ્મત માટે વેટમીક્ષથી પેચવર્ક સહિતની કામગીરી કરવા બે ટીમ તૈનાત કરવામાં આવી છે. ટ્રાફીકવાળા રસ્તા ઉપર રાત્રી દરમ્યાન વેટમીક્ષથી પેચવર્ક દ્વારા મરામ્મત કરવાની કામગીરી હાલ પ્રગતિમા છે. જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી ચાલતી હોવાથી સોસાયટીના આંતરીક રસ્તામાં કાદવ કિચ્ચડ ન થાય તે માટે જીયુડીસી સાથે સંલગ્ન કામગીરી કરવામાં આવી રહી છે.
મહત્વની બાબત તો એ છેકે શહેરમાં સીસી રોડ બનતા હોવાથી છેલ્લા કેટલાક વર્ષથી પાલિકાના વાર્ષિક ભાવમાં ડામરની આઈટમ કાઢી નાખવામાં આવી હતી. એમ.એન.કોલેજ રોડ, સવાલા દરવાજા બસ સ્ટેન્ડ, આદર્શ હાઈસ્કુલ પાસે, આદર્શથી દિપરા દરવાજા રોડ ઉપર અત્યારે ચોવીસ કલાક ટ્રાફીક રહે છે. આ રોડ ઉપર ખાડા પુરવા સીસી કામ થાય તેમ નથી. જે બાબતે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે જણાવ્યુ છેકે, પાલિકાના વાર્ષિક ભાવમાં ડામરની આઈટમ સામેલ કરવામાં આવી છે. ચોમાસુ પુરૂ થાય ત્યારે દિવાળી પહેલા જ્યાં વધારે ખાડા છે ત્યા ડામરનુ પેચવર્ક કરવામાં આવશે.