આઈસોલેશન વોર્ડમા ઓક્સીજન સાથે ૧૫ બેડ તૈયાર વિસનગર સિવિલ હોસ્પિટલ કોરોનાની રી-એન્ટ્રી સામે તૈનાત
કોરોના મહામારીમા વર્ષ ૨૦૨૧ની બીજી વેવમાં સાધન સરંજ્જામ પુરા પાડવા જિલ્લા કલેક્ટર સહિતના તંત્રએ હાથ અધ્ધર કરી દીધા ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી વિસનગર સિવિલ હોસ્પિટલમા ઓક્સીજન પ્લાન્ટ અને ઓક્સીજન બેડ સહિતની તમામ સવલતો ઉભી કરવામાં આવી હતી. અત્યારે તો ઋષિભાઈ પટેલ આરોગ્યમંત્રી છે એટલે કોરોનાની રી-એન્ટ્રીમા આ વખતે પંથકના લોકોને સાવચેતી સીવાય બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતમા કોરોનાના કેસ વધતા સિવિલ હોસ્પિટલના આઈશોલેશન વોર્ડમા આર.એમ. ઓ. એસ.વી.કોરીયા તથા આર.કે. એસ. ના સભ્ય જે.કે. ચૌધરીના પ્રયત્નોથી તમામ તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૦-૨૧ની કોરોના મહામારીએ ગુજરાત સહિત ભારતમાં અનેક લોકોના જીવ લીધા છે. ત્યારે હોંગકોંગ અને સિંગાપુરમાં કોરોના કેસ વધતા ફરી આ મહામારીએ વિશ્વને ચિંતામાં મુકી દીધુ છે. ગુજરાતમાં કોરોનાના કેસમા વધારો થતા આરોગ્ય તંત્રએ સતર્ક રહેવાની સુચના આપતા વિસનગર સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કોરોના દર્દીઓની સારવાર માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગના પાછળના ભાગે નવો આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. જ્યાં હોસ્પિટલના આર.એમ.ઓ. એસ.વી.કોરીયાના માર્ગદર્શનમાં આર.કે.એસ.ના સભ્ય જે.કે.ચૌધરીની દેખરેખમા મેટ્રન ગીતાબેન પટેલ તથા સ્ટાફ દ્વારા ઓક્સીજન બેડ સહિતની તૈયારીઓ કરવામાં આવી છે. આરોગ્ય તંત્રની સુચનાથી ઓક્સીજન પ્લાન્ટનું પણ મોકડ્રીલ કરવામાં આવ્યુ હતુ. પ્લાન્ટની મશીનરી સાથે પુરતા પ્રમાણમાં ઓક્સીજન સપ્લાય થાય છે કે નહી તેની તપાસ કરવામાં આવી હતી.
કોરોનાની તૈયારી માટે આર.એમ.ઓએ જણાવ્યુ હતુ કે, પીપીઈ કીટ, સેનેટાઈઝર, N95 માસ્ક, ત્રીપલ લેયર માસ્ક, ઓક્સીજન કોન્સન્ટ્રેટર, ઓક્સીજનની સુવિધા સાથેના ૧૫ બેડ, ૭ વેન્ટીલેટર, બે બાયપૅક સહિતની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. હોસ્પિટલ અધિક્ષક પારુલબેન પટેલ રજા ઉપર હતા ત્યારે તેમની ગેરહાજરીમા સ્ટાફ દ્વારા તૈયારી કરવામાં આવી હતી.