Select Page

નગરયાત્રાએ નીકળેલા ભગવાન જગન્નાથજીનુ મેઘરાજાનુ અમી છાંટણાથી સન્માન

નગરયાત્રાએ નીકળેલા ભગવાન જગન્નાથજીનુ મેઘરાજાનુ અમી છાંટણાથી સન્માન

વિસનગરમાં ધામધુમથી ૧ કિ.મી. લાંબી ૪૫ મી રથયાત્રા નીકળી

જગતનો નાથ જ્યારે વર્ષમાં એક વખત ભક્તોને દર્શન આપવા માટે નીકળતો હોય ત્યારે તેમના કાર્યમાં વિઘ્ન નાખવાની હિંમત કોણ કરી શકે. વરસાદની આગાહીમાં ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા હતી. ત્યારે ધોધમાર વરસાદની જગ્યાએ નગરયાત્રાએ નીકળેલા ભગવાન જગન્નાથજીનુ મેઘરાજાએ અમી છાંટણાથી સન્માન કર્યુ હતુ. વિસનગરમાં હરિહર સેવા મંડળ ટ્રસ્ટના ઉત્સાહી આયોજનમાં દર વર્ષે અભૂતપૂર્વ રથયાત્રા નીકળે છે. આ વર્ષે વિવિધ ભજન મંડળીઓ, વેશભૂષા, લોક નૃત્યો સાથે એક કિ.મી. લાંબી નીકળેલી રથયાત્રા જોવા માનવ મહેરામણ ઉમટ્યો હતો.
આ વર્ષે જગન્નાથપુરીના રથના ઘુમ્મટ જેવા ઓપ સાથે નીકળેલા ભગવાન જગન્નાથજીના રથે વિસનગરની રથયાત્રામાં ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. દર વર્ષ કરતા રથયાત્રા વધુ આકર્ષિત બને તે માટે હરિહર સેવા મંડળ ટ્રસ્ટ તથા હરિહર સ્વયંમ સેવક સમિતિ સતત પ્રયત્નશીલ હોય છે. અષાઢી બીજે હરિહર સેવા મંડળમાં રૂા.૪૧,૦૦૦ આરતીનો ચઢાવો લક્ષ્મી પ્રીન્ટીંગ પ્રેસવાળા પટેલ રાજેન્દ્રભાઈ ગાંધી બોલ્યા હતા. જ્યારે મેઈન બજાર પારેખપોળના ચબુતરા પાસે ચાંદીના દાગીનાની અવનવી ડિઝાઈનનો શો-રૂમ ધરાવતા જનકભાઈ પંચાલે રૂા.૧૧૦૦૦ ચઢાવો બોલી રથયાત્રા પ્રસ્થાનનો લાભ લીધો હતો. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ, રાજુભાઈ પટેલ આર.કે.જ્વેલર્સ, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ગોવિંદચકલા પાટીદાર સમાજના પ્રમુખ બાબુભાઈ વાસણવાળા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનિષભાઈ ગળીયા, સામાજીક કાર્યકર કમલેશભાઈ પટેલ વિગેરેની ઉપસ્થિતિમાં રથયાત્રાનુ પ્રસ્થાન થયુ હતુ. રથયાત્રામાં જોડાયેલ સિધ્ધપુર બેન્ડ, અમદાવાદથી અખાડા, કાર્ટૂન, રાવણની વેશભૂષા, લાકડી નૃત્ય કરતુ આદીવાસી ગૃપ, ગાંધીનગરનુ ૨૦ થી ૨૫ યુવાનોનુ કરાટે ગૃપ, દાંતાનુ આદીવાસી નૃત્ય ગૃપ, યુવક યુવતીઓની સ્કેટીંગ ટીમ, અંબાજીથી પોલીસ બેન્ડ, ૧૦ બગી, ડબલ ઘોડાની બે બગી, ગાંધીનગર રાજપૂત યુવક યુવતીઓનુ તલવારબાજી કરતુ ગૃપ, ત્રણ ડી.જે., ભજન મંડળીઓ, સ્કુલના બાળકોની વેશભૂષા વિગેરેએ ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. રથયાત્રામાં જોડાયેલ શરૂઆતના સાધનો લાલ દરવાજા વિસ્તારમાં હતા ત્યારે ભગવાનનો રથ દરબાર રોડ ઉપર હતો. લગભગ એક કિ.મી. લાંબી રથયાત્રા પરંપરાગત માર્ગો ઉપર જ્યાંથી પસાર થઈ ત્યા માનવ મહેરામણ જોવા મળ્યો હતો.
અષાઢી બીજે રથયાત્રામાં જોડાયેલા યાત્રીકો માટેના સેવા કેમ્પમાં પણ વિવિધ મિત્ર મંડળો, વેપારી મંડળો, સંસ્થાઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રથયાત્રાના માર્ગ ઉપર લગભગ ૩૦ થી ૩૨ સેવા કેમ્પ લાગ્યા હતા. કયા વિસ્તારમાં કયા સેવા કેમ્પ હતા તે જોઈએ તો, શ્રી જબરેશ્વર મહાદેવ સથવારા પરિવાર – ઠંડુ પાણી, પ્રજાપતિ ભાઈઓ દ્વારા – ઠંડુ પાણી, ગંજી મિત્ર મંડળ – લીંબુ શરબત, રામજી મંદિર કન્યાશાળા – ઠંડી છાસ, દરબાર રોડ મિત્ર મંડળ – ઠંડી છાસ, સાંકડીશેરીના નાકે મિત્ર મંડળ દ્વારા – શરબત, બાલાજી ગૃપ મિત્ર મંડળ એક ટાવર – ઠંડી છાસ, સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટાવર બજાર – બિસ્કીટ પેકેટ, રબારી સમાજ દ્વારા ચોક્સી બજાર પાસે સ્વાગત, ગણપતી મિત્ર મંડળ ગોસાવાડ – શરબત, મહાકાળી ધાર્મિક મિત્ર મંડળ પટણી દરવાજા – ઠંડુ પાણી, સંત શ્રી સવૈયાનાથ સેવા ટ્રસ્ટ – ઠંડુ પાણી, જીતેન્દ્ર સ્ટીલ પરિવાર – ઠંડી છાસ, રોટરી રોટરેક્ટ ક્લબ ઓફ વિસનગર – ઠંડી છાસ, જી.ડી.રોડ વેપારી મિત્ર મંડળ દ્વારા ડી.જે. – બુંદી, જી.ડી.હાઈસકુલ પાસે ક્ષત્રિય ઠાકોર સેના તફરથી લાઈવ ડી.જે.પાર્ટી, શક્તી માર્કેટ મિત્ર મંડળ – શરબત, દેવિપૂજક ભાઈ તરફથી ચંદનપાર્ક નાકે – મસાલા કાકડી, વિસનગર નગરપાલિકા તથા ભાજપ સંગઠન – શરબત, સદ્‌ વિચાર મિત્ર મંડળ – ઠંડુ પાણી, વિસનગર શહેર રીક્ષા ડ્રાઈવર વેલ્ફેર એસો. – ઠંડુપાણી, ભારત વિકાસ પરિષદ ત્રણ ટાવર પાસે – શરબત, ગોવિંદ ચકલા યુવક મિત્ર મંડળ – કેન્ડી, શ્રી મહાકાળી મંડળ નવ જુવાન યુવક મંડળ – શરબત, ગુંદીખાડ માંડવી ચોક મિત્ર મંડળ – ઠંડુ પાણી, માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટ વિસનગર – ઠંડુ પાણી, તેમજ નામી અનામી તમામ લોકોએ ઠેર ઠેર ઠંડા પાણીના જગ મુકી તેમજ ફુલો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.