જીપીએસ સીસ્ટમ તથા માઈકની સુવિધા સાથેની ડોર ટુ ડોરની ૧૩ વાનને આરોગ્ય મંત્રીની લીલી ઝંડી
વિસનગર પાલિકાના સ્વચ્છતા વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા શહેરમાં ડોર ટુ ડોર ઘન કચરાના કલેક્શન માટે ૧૩ વાન ખરીદવામાં આવતા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે લીલી ઝંડી આપી લોકાર્પણ કર્યુ હતુ. કોન્ટ્રાક્ટર બીજી પાંચ વાન પણ સ્વચ્છતાની સેવા માટે મુકશે. જી.પી.એસ. સીસ્ટમ તથા માઈકની સગવડ સાથેની ડોર ટુ ડોર સેવાની કુલ ૧૮ વાન સેવારત થશે. આરોગ્ય મંત્રીના માર્ગદર્શનમાં પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલના પ્રયત્નોથી શહેરમાં ડોર ટુ ડોરની સેવા વધુ સુદ્ઢ બનવા તરફ છે.
વિસનગર પાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં ઘેર ઘેર કચરો ઉઘરાવતી ડોર ટુ ડોર સેવા ઘણા સમયથી શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી પરિસ્થિતિ એવી હતી કે કોન્ટ્રાક્ટર ડોર ટુ ડોર માટે અમુક વાહનો લાવતો હતો અને બીજા વાહનો માટે પાલિકાની મદદ લેવામાં આવતી હતી. ઘરમાં રહેલી મહિલાઓને ખબર પડે તે માટે ડોર ટુ ડોરમાં પ્રથમ ટ્રેક્ટર ઉપર બેલ મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ કર્મચારી સીસોટી વગાડતો હતો. ક્યારેક માઈક પણ લગાડવામાં આવતુ હતુ. છેલ્લે પરિસ્થિતિ એવી થઈ હતી કે કચરા માટેનુ ટ્રેક્ટર ક્યારે આવે અને જતુ રહે તેની ખબરજ પડતી નહોતી.
સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના શહેરમાં સ્વચ્છતાની સુદ્ઢ સેવાઓ માટે પાલિકા દ્વારા ૫૨ પ્રોપર્ટી ૫૨ ડે ના ડોર ટુ ડોરના ભાવોની વહિવટી મંજુરી લઈને આરસીએમ પાસે મંજુર કરાવી ટેન્ડરીંગ કરાયુ હતુ. જેમાં સુરતની કરણી કોર્પોરેશન એજન્સીને ટેન્ડર લાગતા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ એજન્સીએ આરોગ્ય મંત્રીના શહેરમાં સ્વચ્છતા અંતર્ગત સેવાઓ સારામાં સારી મળી રહે તે માટે ડોર ટુ ડોર કલેક્શનની કુલ ૧૮ વાન નવી ખરીદી હતી. જેમાં ૧૩ વાન તૈયાર થઈને આવતા તા.૯-૮-૨૦૨૫ ના રોજ પાલિકા ભવનમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે લીલી ઝંડી આપી ડોર ટુ ડોરની ૧૩ વાનને શહેરની સેવા માટે અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદી, સ્વચ્છતાના ચેરમેન જગદીશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ, પ્રાન્ત ઓફીસર રાતડા, પાલિકા સભ્યો વિગેરેએ હાજરી આપી હતી.
એજન્સી દ્વારા મુકવામાં આવેલ ઘન કચરાના કલેક્શન માટેના વાહનની વિશેષતા એ છેકે તેમાં જીપીએસ સીસ્ટમ મુકવામાં આવી છે. જેથી વાહન રૂટમાં ફર્યુ કે ન ફર્યુ તેની જાણકારી મળશે. વાહનમાં માઈક લગાવવામાં આવ્યુ છે. માઈક વાગતાજ કચરા કલેક્શનનુ વાહન આવ્યુ હોવાની મહિલાઓને જાણ થશે. આ ઉપરાંત્ત સૂકો અને ભીનો કચરો અલગ અલગ નાખવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.