ગંજબજારના વરસાદી પાણી માટે બીજી બે લાઈન નાખવા રજૂઆત
વિસનગર ગંજ બજારના વરસાદી પાણીના નિકાલ માટે રૂા.૪ કરોડની પાઈપ લાઈનની યોજના જોઈએ તેવી સફળ રહી નથી. ભારે વરસાદમાં ગંજબજારની અંદર બહાર બન્ને બાજુ પાણી ભરાય છે. વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે હજુ બે પાઈપ લાઈન નાખવી જરૂરી હોઈ માર્કેટયાર્ડ દ્વારા પાલિકાને પત્ર લખી રજૂઆત કરવામાં આવતા તેનો ઠરાવ કરી સર્વાનુમતે મંજુરી આપવામાં આવી છે. પાણીના નિકાલ માટે મારવાડીવાસ તરફની કેનાલની સફાઈ કે પાઈપલાઈન નાખવા તેમજ ખેરાલુ રોડ વિષ્ણુનગર સોસાયટીના નાકેથી કાંસા ચાર રસ્તા સુધીની પાઈપલાઈન નાખવા મુખ્યત્વે રજૂઆત કરવામાં આવી છે.
આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે ‘નેવાના પાણી ક્યારેય મોભે ચડે નહી’, નેવાના (ગંજબજાર તરફના) પાણી મોભે (કાંસા ચાર રસ્તા તરફ) ચડાવવાની ગંજબજારના વરસાદી પાણીના નિકાલની રૂા.૪ કરોડની યોજના નિષ્ફળ ગઈ છે. વરસાદી પાણીની આ લાઈન નાંખવા યોજના તૈયાર કરી ત્યારે અને જ્યારે પાઈપલાઈન નાખવામાં આવતી હતી ત્યારે મોટાભાગના લોકો કહેતા હતા કે આમા સફળતા મળશે નહી. ચોમાસામાં ભારે વરસાદ પડતા ગંજબજારની અંદરના ભાગમાં પાણી ભરાયુ હતુ. ગેટ આગળ બહારના ભાગમાં દોઢ થી બે ફૂટ પાણી ભરાતા નાના વાહનો નીકળી શકતા નહોતા. પાલિકાની જનરલમાં જ્યારે માર્કેટયાર્ડ દ્વારા લખવામાં આવેલા પત્રને વંચાણે લઈ ઠરાવ કરવામાં આવ્યો ત્યારે જાણ થઈ કે વરસાદી પાણીના નિકાલ માટે બીજી બે પાઈપલાઈન નાખવા રજૂઆત કરવામાં આવી છે.
નેવાના(ગંજબજાર તરફના) પાણી મોભે(કાંસા ચાર રસ્તા તરફ) ચડાવવાની યોજનામાં આંશિક સફળતા
માર્કેટયાર્ડના પત્રને પાલિકાના ઠરાવમા લઈ મંજુરી આપી
ગંજબજારથી મારવાડી વાસ તરફ કુદરતી ઢાળ છે. વર્ષો પહેલા પાલિકા દ્વારા બનાવવામાં આવેલી આ કેનાલ યોગ્ય હતી અને વરસાદી પાણીનો યોગ્ય માત્રામાં નિકાલ થતો હતો. પરંતુ બ્રોડગેજ રેલ્વે લાઈન નાખવામાં આવી ત્યારે ધ્યાન આપવામાં નહી આવતા ગંજબજાર ફાટકના નાળાનુ રીપેરીંગ કરવામાં આવ્યુ નહી. વર્ષાબેન પટેલ જ્યારે પાલિકા પ્રમુખ પદે હતા ત્યારે નૂતન હાઈસ્કુલથી મારવાડી વાસ સુધીની કેનાલની સફાઈ કરાવી હતી. ફાટકથી નૂતન સુધી કેનાલ ઉપર દબાણ હોવાથી આ ભાગની સફાઈ થઈ શકી નહોતી. ગંજબજારથી કાંસા તરફથી પાઈપ લાઈન નાંખવા છતા વરસાદી પાણીનો નિકાલ નહી થતા હવે મારવાડીવાસ તરફની કેનાલની સફાઈ કરવા અથવા ફાટકથી મારવાડીવાસ સુધી પાઈપલાઈન નાખવા ઠરાવ કરવામાં આવ્યો છે.
મારવાડીવાસ તરફની કેનાલની સફાઈ કે પાઈપલાઈન માટે વિચારણા
ગંજબજારના ભોજનાલય ગેટથી દગાલા રોડ ઉપર પણ ભારે વરસાદમાં પાણી ભરાય છે. કલ્યાણ-કોહીનુર સોસાયટી તરફનુ પાણી ખેરાલુ રોડ ક્રોશ કરી દગાલા રોડ તરફ આવે છે. કલ્યાણ અને કોહીનુરનો ભાગ ઉંચો હોવાથી તેમજ ગંજબજાર તરફનો વિસ્તાર નીચો હોવાથી દગાલા રોડ ઉપર ભારે વરસાદમાં ખુબજ પાણી ભરાય છે. જેનો યોગ્ય નિકાલ થતો નહી હોવાથી વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસરતુ નથી. જેનો કાયમી નિકાલ કરવા માટે ખેરાલુ રોડ પ્રભુનગર સોસાયટીના નાકે આવેલ કેનાલથી કાંસા ચાર રસ્તા સુધી પાઈપ લાઈન નાખવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. દગાલા રોડ ઉપર ભરાયેલ પાણી તાલુકા સેવા સદન રોડ તરફ જાય છે. કલ્યાણ-કોહીનુર સોસાયટી આગળના નાળાથી કાંસા ચાર રસ્તા તરફ પાઈપલાઈન નાંખવામાં આવે તો વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે તેમ છે. માર્કેટયાર્ડ દ્વારા ગંજબજાર વિસ્તારના વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે આ બન્ને પાઈપલાઈન નાખવા રજૂઆત કરતા ઠરાવ તો કરાયો છે પરંતુ તેનો અમલ ક્યારે થાય છે તે જોવાનુ રહ્યુ.