Select Page

વિસનગરમાં દેણપ ત્રણ રસ્તા પાસે પોલીસની ગેરહાજરીથી દોઢ કિ.મી.નો રસ્તો કાપતા એક કલાક થયો

વિસનગરમાં દેણપ ત્રણ રસ્તા પાસે પોલીસની ગેરહાજરીથી દોઢ કિ.મી.નો રસ્તો કાપતા એક કલાક થયો

વિસનગરમાં ચાલતા વિકાસ કામથી કોઈને કોઈ વાધો હોઈ શકે નહી. પરંતુ વિકાસ કામ સાથે તંત્રની દેખરેખ નહી હોવાથી લોકો જે પરેશાની ઉઠાવી રહ્યા છે તેનો રોષ છે. ખેરાલુ રોડ ઉપર જીયુડીસી ગટરલાઈન ખોદકામ દરમ્યાન દેણપ ત્રણ રસ્તા પાસે પોલીસ હાજર નહી રહેતા એક કલાક ટ્રાફીક જામ થઈ ગયો હતો. જેના કારણે પાલડી ત્રણ રસ્તાથી કાંસા ચાર રસ્તા સુધી આવવામાં વાહન ચાલકોને એક કલાકનો સમય થયો હતો.
વિસનગરમાં હાઈવે ઉપર જીયુડીસી દ્વારા પાલડી ત્રણ રસ્તાથી એસ્સાર પંપ સુધી ખોદકામ કરી ગટરલાઈન નાખવામાં આવી હતી. એક તરફ ચોમાસુ તો બીજી તરફ ભાદરવી પૂનમના ટ્રાફીકને ધ્યાનમાં રાખી ગટરલાઈન ખોદકામ છેલ્લા બે માસથી બંધ હતુ. ભાદરવી પૂનમનો અંબાજીનો ટ્રાફીક બંધ થતાની સાથેજ જીયુડીસીએ ગટરલાઈન માટે આગળ ખોદકામ શરૂ કર્યુ છે. જેમાં એસ્સાર પંપથી હિરો હોન્ડા શો-રૂમ તરફનો એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. હાલમાં હાઈવે ઉપર અવર જવર માટે દેણપ ત્રણ રસ્તા તરફનોજ રસ્તો ખુલ્લો છે.
હાઈવે ઉપર વાહનોની ભારે અવર જવર રહે છે. ત્યારે તા.૨૪-૯-૨૦૨૫ ના રોજ દેણપ ત્રણ રસ્તા ઉપર પોલીસની હાજરી નહી હોવાથી પાલડી ત્રણ રસ્તાથી કાંસા ચાર રસ્તા સુધીના લગભગ દોઢ કિ.મી.ના રોડ ઉપર ટ્રાફીક જામ થઈ ગયો હતો. એક તરફ ખેરાલુ વડનગર વિસનગર તરફનો ટ્રાફીક હતો, ત્યારે દેણપ તરફથી આ રોડ ઉપર વાહનો ઘુસતા એવુ તો ચક્કાજામ થઈ ગયુ હતુ કે વાહનો આગળ વધી શકતા નહોતા. શહેરના કેટલાક વાહન ચાલકોએ પ્રચાર સાપ્તાહિકને ફોન કરી જણાવ્યુ હતું કે, પાલડી ત્રણ રસ્તાથી કાંસા ચાર રસ્તા સુધી આવતા એક કલાકનો સમય થયો હતો.
શહેરના વિકાસ કામના કારણે ટ્રાફીકમાં ફસાયેલા વાહન ચાલકોએ રોષ વ્યક્ત કર્યો હતો કે, વિકાસ કામથી કોઈ તકલીફ નથી પરંતુ વિકાસ કામના કારણે જે હાલાકી ઉભી થઈ રહી છે તેમાં તંત્રની નિષ્ક્રીયતા જવાબદાર છે. હાઈવે ઉપર ખુબજ ટ્રાફીક રહે છે અને મોટી સંખ્યામાં વાહનોની અવરજવર હોય છે. જીયુડીસી દ્વારા ખોદકામ શરૂ થયુ ત્યારે જો દેણપ ત્રણ રસ્તા પાસે પોલીસ હાજર હોત અને વાહનોનુ નિયમન કર્યુ હોત તો આવી પરિસ્થિતિ સર્જાઈ ન હોત. જ્યા વિકાસ કામ ચાલે છે ત્યા વાહનોની અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવે તો ટ્રાફીકની કોઈ મુશ્કેલી રહે નહી. વાહનચાલકો ટ્રાફીક ચક્કાજામમાં ફસાય છે ત્યારે પોલીસ દોડતી આવે છે. પહેલેથીજ પોલીસ કર્મચારીઓને મુકવામાં આવે તો ટ્રાફીકની કોઈ સમસ્યા સર્જાય નહી.