Select Page

ટ્રાફીકનો એક્શન પ્લાન નહી થાય તો દિવાળી બગડશે

ટ્રાફીકનો એક્શન પ્લાન નહી થાય તો દિવાળી બગડશે

વિસનગરમાં નવરાત્રીની આઠમે જ્યા જુઓ ત્યા ચક્કાજામ

વિસનગરમાં ટ્રાફીક સમસ્યા દિવસે દિવસે જટીલ બની રહી છે. તહેવારના દિવસે શહેરમાં ચક્કાજામ દ્રશ્યો જોવા મળે છે. આરોગ્યમંત્રીની સુચનાથી ભાદરવી પૂનમ દરમ્યાન આઈ.ટી.આઈ. ફાટક ખોલવામાં આવતા આ દશેક દિવસ દરમ્યાન ટ્રાફીકમાં રાહત જોવા મળી હતી. ત્યારબાદ યથાવત સ્થિતિ થઈ છે. નવરાત્રીની આઠમના દિવસે શહેરમાં જ્યા જુઓ ત્યાં ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે દિવાળીના તહેવારને લક્ષમા રાખી ટ્રાફીક માટે જો કોઈ એક્શન પ્લાન તૈયાર કરવામાં નહી આવે તો શહેરના લોકોને વાહન લઈને બહાર નીકળવુ મુશ્કેલ થઈપડશે અને દિવાળીનો તહેવાર બગડશે.
વિસનગરમાં આઈ.ટી.આઈ. ફાટકના ઓવરબ્રીજનુ નિર્માણ થઈ બ્રીજ શરૂ નહી થાય ત્યા સુધી શહેરમા ટ્રાફીકની સમસ્યા રહેવાની છે. ટ્રાફીકતોે મોટા શહેરમા પણ હોય છે પરંતુ વિસનગરમાં જે રીતે ચક્કાજામ થઈ જાય છે તેવુ જોવા મળતુ નથી. શહેરમાં મહિનામા એકાદ દિવસ નહી પરંતુ અઠવાડીયામાં બે ત્રણ દિવસ લોકો ટ્રાફીકમા ફસાય છે. વિસનગરની કમનસીબી છે કે બહારગામના વાહનો બારોબાર પસાર થાય તે માટે કોઈ બાયપાસ બીજો કોઈ વિકલ્પ નથી. બાયપાસ હાઈવેની કામગીરી પણ ગોકળગાયની ગતિએ ચાલે છે. આઈ.ટી.આઈ. બ્રીજ શરૂ થાય તે પહેલા બાયપાસ હાઈવે શરૂ થાય તેવી હાલમાતો કોઈ શક્યતા જોવા મળતી નથી.
વિસનગરમા સામાન્ય સંજોગોમા જો ટ્રાફીક રહેતો હોય તો તહેવારમાં કેવી પરિસ્થિતિ સર્જાતી હશે. તેની નવરાત્રીની આઠમના દિવસે અનુભુતિ થઈ હતી. આ વર્ષે ૧૦ દિવસના નોરતા હોવાથી કેટલાક લોકોએ તા.૨૯-૯ના રોજ તો કેટલાકે તા.૩૦-૯ના રોજ આઠમ કરી હતી. આઠમના દિવસે બહારગામ રહેતા તમામ લોકો તેમના વતનની માંડવીના મંદિર અને હવનના દર્શન કરવા આવતા હોય છે. આઠમના દિવસે યાત્રાધામ અંબાજી યજ્ઞના દર્શનનો પણ મહિમા છે. આઠમના દિવસે બહારગામથી લોકો વતનમાં આવતા આ બંન્ને દિવસ વિસનગરમાં ભયંકર ટ્રાફીક જોવા મળ્યો હતો. પાલડી ત્રણ રસ્તાથી આઈ.ટી.આઈ. ચાર રસ્તા સુધી તેમજ એમ.એન.કોલેજ રોડ, સવાલા દરવાજા, મહેસાણા ચાર રસ્તા સુધી વાહનોના ચક્કાજામની સ્થિતિ જોવા મળી હતી. જેમા શહેરના લોકો પણ હાઈવેના ટ્રાફીકમાં ફસાયા હતા.
અત્યારે ખેરાલુ વડનગર હાઈવે ઉપર એસ્સાર પંપથી હિરોહોન્ડા શો-રૂમ તરફના રસ્તા ઉપર જીયુડીસી દ્વારા ગટર લાઈન કામ ચાલી રહ્યુ છે. જેના કારણે એકજ તરફનો રસ્તો ચાલુ છે. દેણપ ત્રણ રસ્તા ઉપર કોઈ વાહન વચ્ચે આવી જાય તો એટલો ટ્રાફીક થતો હોય છે કે, રસ્તો બ્લોક થઈ જાય છે. આવા સંજોગોમાં કેટલાક ઉતાવળીયા વાહન ચાલકોના કારણે પણ પરિસ્થિતિ વણસે છે. હાઈવે ઉપર એક તરફનો રસ્તો ખુલ્લો હોવાથી આવન જાવન માટે એકજ લાઈન હોય છે. ત્યારે કેટલાક વાહન ચાલકો આવા સંજોગોમાં આગળ વધવા ઓવરટેક કરતા હોવાથી વાહનો સામ સામે આવી જતા ટ્રાફીક જામ થાય છે. ખેરાલુ રોડ ઉપર આ કારણોથી પણ ટ્રાફીક થાય છે. ટ્રાફીક માટે પોલીસ દરેક ચાર રસ્તા ઉપર હોય છે. ફક્ત એક તરફનો રોડ ખુલ્લો હોય ત્યારે રેલીંગની જેમ લાઈનસર પોલીસ કર્મચારીઓ ઉભા રહી શકે નહી. ત્યારે આવા સંજોગોમાં વાહન ચાલકો ટ્રાફીક મેનર્સ નહી બતાવતા વારંવાર ટ્રાફીકના બનાવ બને છે. એમ.એન.કોલેજ તથા ગંજબજાર ફાટક બંધ હોય ત્યારે ફાટકની બંન્ને બાજુ વાહનો સામ સામે આવી જતા હોવાથી ટ્રાફીક ખુલતા ઘણો સમય થાય છે.
આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલની સુચનાથી અંબાજી ભાદરવી પૂનમના મેળા દરમ્યાન આઈ.ટી.આઈ. ફાટક ખોલવામાં આવતા ફક્ત આ દશ દિવસ શહેર ટ્રાફીક મુક્ત જોવા મળ્યુ હતુ. આ સીવાય દરેક તહેવાર પ્રસંગમાં વિસનગરમાં ટ્રાફીક સમસ્યા જોવા મળી છે. આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ જિલ્લા અને વિસનગર તાલુકાના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે બેસીને દિવાળીના તહેવારને અનુલક્ષી ટ્રાફીક માટે કોઈ એક્શન પ્લાન તૈયાર નહી કરે તો દિવાળીનો તહેવાર બગડવાની પુરી શક્યતા છે.