પ્રમુખની હૈયાવરાળ-મંત્રી ઋષિભાઈ પટેલ મારી રજુઆત ગણકારતા નથી વિસનગર તાલુકા પંચાયત પ્રમુખની નારાજગીથી વિકાસકામો અટવાયા
વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન વચ્ચે ગમે તે કારણે ઘણા સમયથી આંતરિક ગ્રજગ્રાહ ચાલી રહ્યો છે. મહિલા પ્રમુખની નારાજગીના લીધે તાલુકામાં વિકાસકામો ખોરંભે પડ્યા છે. જોકે પ્રમુખ પુષ્પાબેન વણકર તાલુકા પંચાયતના બીજા કેટલાક સભ્યોથી પણ નારાજ છે. અત્યારે સાપે છછુંદર ગળ્યા જેવી તાલુકા પંચાયત પ્રમુખની સ્થિતિ છે. પ્રમુખ અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શુક્રવારના રોજ આગામી જનરલ સભાના મુદ્દે ચર્ચા કરતા હતા તે દરમિયાન પ્રમુખે પોતાનો બળાપો કાઢતા કહ્યુ કે, મંત્રી સાહેબ મારી ફરિયાદને ગણકારતા નથી. હું તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી રાજીનામુ આપવાનું વિચારું છું.
અગાઉ પુર્વ પ્રમુખ સુમિત્રાબેન પટેલ દરેક ટી.ડી.ઓ. અને સદસ્યો સાથે સંકલન કરી ગામડાઓમાં વિકાસકામો કરતા હતા આજે તાલુકામાં તેમની લોકચાહના છે
વિસનગર તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનુ શાસન છે. જેમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે કાંસાના સદસ્ય પટેલ સુમિત્રાબેન કિરીટભાઈ પટેલને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા હતા. ત્યારે પ્રમુખ સુમિત્રાબેન પટેલે તાલુકા પંચાયતના દરેક ટી.ડી.ઓ અને સદસ્યોે સાથે સંકલન કરી કોઈપણ પ્રકારનો વિવાદ કર્યા વગર ગામડાઓમાં વિકાસ કામો કરી તાલુકામાં લોકચાહના મેળવી હતી. ત્યારબાદ બીજા અઢી વર્ષની ટર્મ માટે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પુદગામના સદસ્ય પુષ્પાબેન ચંદ્રેશકુમાર વણકરને તાલુકા પંચાયત પ્રમુખ બનાવ્યા હતા. પુષ્પાબેન વણકર પ્રમુખ બન્યા પછી ગમે તે કારણે પુર્વ ટી.ડી.ઓ. સુચીબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટિના પુર્વ ચેરમેન અંકિતભાઈ પટેલ અને કાંસા એન.એ. સીટના સદસ્ય સરોજબેન પ્રજાપતિથી નારાજ થયા હતા અને અત્યારે પ્રમુખ પુષ્પાબેન ઘણા સમયથી તાલુકા પંચાયતના હોદ્દેદારો અને કેટલાક સદસ્યોથી નારાજ કેમ રહે છે તેનુ સાચુ કારણ કોઈ જાણી શક્યુ નથી.
પ્રમુખ પુષ્પાબેન વણકર ઘણા સમયથી તાલુકા પંચાયતના દરેક ટી.ડી.ઓ. અને સદસ્યોથી નારાજ કેમ રહે છે તેનુ સાચુ કારણ જાણવુ જરૂરી છે
પ્રમુખ પુષ્પાબેન વણકરની નારાજગી દુર નહી થતા હાલમાં તેઓ તાલુકા પંચાયતના ઠરાવોમાં સહી કરતા નથી. જેના કારણે તાલુકાના ગામોમાં થનાર વિકાસકામો અટવાયા છે. પ્રમુખ પુષ્પાબેન વણકર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ(વી.પી.) શુક્રવારના રોજ તાલુકા પંચાયતની આગામી જનરલ સભાના આયોજનની ચર્ચા કરતા હતા. તે દરમિયાન પ્રમુખે પોતાનો બળાપો કાઢતા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનને કહ્યુ કે, મંત્રી સાહેબ મારો ફોન ઉપાડતા નથી. સાહેબના પી.એ. સચિનભાઈ દરજી ફોન ઉપાડે ત્યારે તેઓ સાહેબ મીટીંગમાં છે તેવુ કહે છે. મંત્રી સાહેબ મને મળવાનો સમય આપતા નથી અને મારી ફરિયાદને ગણકારતા પણ નથી. હવે તો હું તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી રાજીનામુ આપવાનું વિચારું છુ. વધુમાં પ્રમુખે ઉપપ્રમુખના પતિ ઉપર આક્ષેપ કરતા કહ્યુ કે, ઉપપ્રમુખના પતિ તેમની પત્નિને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા મારા ઘરે આવીને મને રાજીનામુ આપવા દબાણ કરતા હતા. આ બધી વાત મારે મંત્રી સાહેબને કરવી હતી. પણ તેઓ મને ઘણા સમયથી મળવાનો સમયજ આપતા નથી. એટલે હું શું કરું? ત્યારે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે મતદારોની જેમ તાલુકા પંચાયત પ્રમુખને રિઝવવા પડશે.