વિસનગર તાલુકાના પ્રાથમિક શિક્ષકોના ટીડીએસના નાણાં અટવાયા
વિસનગર તાલુકા પંચાયતની શિક્ષણ શાખાના તત્કાલીન ટીપીઓ અને તત્કાલીન ક્લાર્કની બેદરકારી કે અંગત સ્વાર્થના કારણે તાલુકાના મોટાભાગના ફરજમાન અને નિવૃત પ્રાથમિક શિક્ષકોના વર્ષ-૨૦૦૯થી આજદિન સુધીના પગારમાંથી કપાયેલા ટીડીએસ રિટર્નના નાણાં અટવાયા છે. શિક્ષકો પોતાના હકના ટીડીએસના નાણાં મેળવવા માટે ઘણા વર્ષોથી શિક્ષણ શાખાની કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.અત્યારે નિવૃત્ત સિનિયર સિટીઝન શિક્ષકો તત્કાલીન કલાર્ક સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.ત્યારે આ પ્રકરણમાં મહેસાણા એસીબીના પીઆઈ એસ.ડી.ચાવડા વિસનગર શિક્ષણ શાખામાં ઊંડી તપાસ કરે તો ટીડીએસ રીટર્નની ફી પેટે તાલુકાના પ્રાથમિક શિક્ષકો પાસેથી ઉઘરાવેલા રૂપિયા કોણ ચાઉં કરી ગયું તે બહાર આવશે.
તત્કાલીન કલાર્કે દિનેશભાઈ ચૌધરીએ શિક્ષકો પાસેથી ફી પેટે ઉઘરાવેલા નાણાં અમદાવાદના અગાઉના ટેક્સ કન્સલ્ટન્ટ ઘનશ્યામભાઈ પટેલ(વકીલ)ને નહી ચૂકવતા વિવાદ થયો હતો
મહેસાણા એસીબી શાખાના પી.આઈ.એસ.ડી.ચાવડા ટીડીએસ રિટર્નની કામગીરીની ફી પેટે તાલુકાના શિક્ષકો પાસેથી રૂા.૨૦૦ લેખે ઉઘરાવેલા નાણાં કોણ ચાઉં કરી ગયું તેની ઊંડી તપાસ કરે તો ભ્રષ્ટાચાર બહાર આવશે
ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપનું એક હથ્થુ શાસન હોવા છતાં આજે ભાજપ સરકારમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે.આજે સરકારી કચેરીઓમાં વ્યવહાર વગર કોઈ કામ થતું નથી.તાજેતરમાં મહેસાણા એસીબીએ વિસનગર માર્ગ અને મકાન વિભાગના એક અધિકારીની અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા લાખોની અપ્રમાણસર મિલકત બહાર આવી છે.આવા તો બીજા ઘણા ભ્રષ્ટ અધિકારીઓ હશે કે જેમની પાસે અપ્રમાણસર મિલકત હશે.વિસનગર તાલુકાના તત્કાલીન ટીપીઓ અને તત્કાલીન ક્લાર્કની નિષ્કાળજી અને અંગત સ્વાર્થના કારણે તાલુકામાં ફરજ બજાવતા અને નિવૃત થયેલા પ્રાથમિક શિક્ષકોના વર્ષ ૨૦૦૯થી ટીડીએસ રીટર્નના નાણાં અટવાયા છે. આ બાબતે ત્રણ વર્ષ પહેલા વિસનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હર્ષદભાઈ પટેલ,મંત્રી અમિતભાઈ પટેલ,તાલુકા શૈક્ષિક સંઘના પ્રમુખ ભરતભાઈ પટેલ,મંત્રી જે.ડી.ચૌધરી સહિતના હોદ્દેદારોએ કોઈપણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વગર શિક્ષકોના ટીડીએસ રીટર્નના હકના નાણાં અપાવવા માટે લડત ચલાવી હતી.જેમાં તત્કાલીન ટીડીઓ મેઘાબેન ભગત અને ટીપીઓ સંગીતાબેન પટેલે પણ સહયોગ આપતા બન્ને સંઘના હોદ્દેદારોએ ટેક્સ કન્સલ્ટન્ટ ઘનશ્યામભાઈ પટેલ સાથે મિટિંગ કરી હતી.આ મિટિંગમાં ટેક્સ કન્સલ્ટન્ટ ઘનશ્યામભાઈ પટેલે શિક્ષક દીઠ રૂપિયા ૨૦૦ ફી લઈ ટીડીએસ રિટર્નની કામગીરી કરવાની તૈયારી બતાવી હતી.ત્યારે અગાઉ શિક્ષણ શાખાના ક્લાર્ક દ્વારા ટેક્સ કન્સલ્ટન્ટ ઘનશ્યામભાઈ પટેલને ફી પેટે ચૂકવવા શિક્ષક દીઠ રૂા.૨૦૦ ઉઘરાવેલા નાણાં ક્યાં ગયા તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.અત્યારે વિસનગર તાલુકાના આશરે ૨૫૦થી વધુ વર્તમાન અને નિવૃત શિક્ષકો પોતાના હકના ટીડીએસ રિટર્નના નાણાં લેવા માટે શિક્ષણ કચેરીના ધક્કા ખાય છે.કેટલાક નિવૃત શિક્ષકો તો કચેરીના ધક્કા ખાઈને થાકી ગયા છે.શિક્ષકોમાં એવી ચર્ચા છે કે શિક્ષણ શાખા દ્વારા વર્ષ ૨૦૦૯ માં ટીડીએસ રીટર્નના કામ માટે અમદાવાદના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ ઘનશ્યામભાઈ પટેલ(વકીલ)ને કામગીરી સોંપવામાં આવી હતી.ત્યારે તમને શિક્ષણ શાખા મારફતે ફોર્મ ૨૪ ઊ ભરવાની કામગીરી પેટે શિક્ષક દીઠ રૂા.૨૦૦ ફી ચૂકવાતી હતી.પરંતુ ગમે તે કારણે શિક્ષણ શાખાના તત્કાલીન કલાર્ક દિનેશભાઈ ચૌધરીએ તાલુકાના શિક્ષકો પાસેથી ઉઘરાવેલા નાણાં ટેક્સ કન્સલ્ટન્ટ ઘનશ્યામભાઈ પટેલ(વકીલ)ને નહીં ચૂકવતા અને બીજા ટેક્સ કન્સલ્ટન્ટની નિમણૂંક કરતા વિવાદ થયો હતો.આજે તાલુકાના આશરે ૨૫૦થી વધુ શિક્ષકોના ટીડીએસ રિટર્નના નાણાં અટવાયા છે. પ્રાથમિક શિક્ષકોના પગારમાંથી જે ઇન્કમટેક્સના નાણાં કપાયા છે તે જૂના ટાન નંબરના કારણે ઇન્કમટેક્સની ઓફિસમાં જમા નહીં થતા ઇન્કમટેક્સ ઑફિસેથી શિક્ષકોના ઘરે વારંવાર નોટિસો આવે છે. નોટીસમાં શિક્ષકોને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે રિટર્નના નાણાં ભરવાની તાકીદ કરવામાં આવે છે. આમ અત્યારે “પાડાના વાંકે પખાલીને ડામ” જેવી ફરજમાન અને નિવૃત સિનિયર સિટીઝન શિક્ષકોની હાલત ખરાબ થઈ છે. ત્યારે મહેસાણા જિલ્લા એસીબીએ આ શિક્ષકોના ટીડીએસ વિવાદનો કાયમી કોયડો ઉકેલવા માટે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાના નામે કેટલા શિક્ષકો પાસેથી (શિક્ષક દીઠ) રૂા.૨૦૦ કોને ઉઘરાવ્યા અને તે રૂપિયા ટેક્સ કન્સલ્ટન્ટ વકીલને કેમ ન ચૂકવ્યા તેની ઊંડી તપાસ કરે તો સત્ય હકીકત બહાર આવશે. હાલમાં કેટલાય પ્રાથમિક શિક્ષકો નિવૃત થયા પછી ઘણા વર્ષથી શિક્ષણ શાખાની કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે. નિવૃત સિનિયર સિટીઝન શિક્ષકો હવે ન્યાય માટે એસીબીની તપાસ થાય તેવી માગણી કરી રહ્યા છે.ત્યારે મહેસાણા એસીબીના પીઆઈ એસ.ડી. ચાવડા ઈન્કમટેક્સ રિટર્નની ફી પેટે વિસનગર તાલુકાના શિક્ષકો પાસેથી ઉઘરાવેલા નાણાં કોણ ચાઉં કરી ગયું તેની તપાસ કરે તે શિક્ષકોના હિતમાં જરૂરી છે.