ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના પ્રયત્નોથી વિભાગીય નિયામક દ્વારા કલેક્ટર સમક્ષ સતલાસણા એસ.ટી.ડેપો માટે ૫૦૦૦ ચો.મી. જમીનની માગણી
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા મહેસાણા વિભાગીય નિયામક એસ.ટી. વિભાગ સમક્ષ સતલાસણા ખાતે નવીન એસ.ટી. બસ સ્ટેશન બનાવવા માગણી તા.૩-૬-૨૦૨૫ ના રોજ કરાઈ હતી. ત્યારબાદ જુલાઈ ૨૦૨૫ માં પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા કલેક્ટરશ્રી સહિત જિલ્લાના ધારાસભ્યોની સંકલન મિટીંગ મળી હતી. જેમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પ્રભારી મંત્રી સમક્ષ બળાપો ઠાલવ્યો હતો કે, ખેરાલુ વિધાન સભાના પ્રશ્નો જેવા કે સર્કિટ હાઉસ, તાલુકા પંચાયત ભવન સતલાસણા એસ.ટી.ડેપો, સતલાસણામાં ૧૦૦ બેડની હોસ્પિટલ સહીત અનેક પ્રશ્નો રજુ કર્યા છે. પરંતુ છેલ્લા બે વર્ષથી એક પણ પ્રશ્નનો ઉકેલ આવતો નથી જેથી હવે પ્રશ્નો રજુ કરવા નથી. પહેલા જુના પ્રશ્નોનુ નિરાકરણ આવે તે પછીજ આગળ રજુઆત કરીશુ તેવો બળાપો કાઢતા તાલુકા પંચાયત ભવનની જમીન અને સતલાસણામાં ૧૦૦ બેડની હોસ્પિટલ માટેની જમીન ફાળવણી થઈ છે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના બળાપા પછી મહેસાણા વિભાગીય નિયામકે પણ કલેક્ટરશ્રી સમક્ષ સતલાસણા સર્વે નંબર ૨૧૦ અને ૨૦૦ (જુનો સર્વે નં.૧૭૧ પૈકી ૧) કે તેની આસપાસ ૫૦૦૦ ચોરસ મીટર જમીન કે જ્યાં મેઈન રોડથી આશરે ૩૦ ફૂટ પહોળાઈનો એપ્રોચ રોડ મળે તે રીતે દબાણ રહિત ખુલ્લી જગ્યા બસ સ્ટેશન બનાવવા એસ.ટી.નિગમને રૂા.૧ ના ટોકન દરે ૯૯ વર્ષના ભાડા પટ્ટે ફાળવવા માગણી કરી છે.
ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા મહેસાણા એસ.ટી.તંત્રના વિભાગીય નિયામકને પત્ર લખી જાણ કરી હતી કે, સતલાસણા નવીન એસ.ટી. બસ સ્ટેશન બનાવવા ઘણા સમયથી માગણી પડતર છે. સતલાસણા વિકાસશીલ નવરચિત તાલુકામાં ધરોઈ ખાતે મોટુ પ્રવાસન સ્થળ બનવા જઈ રહ્યુ છે. તેમજ નજીકમાં જૈનોનુ પવિત્ર તિર્થધામ તારંગા આવેલુ છે. સતલાસણા તાલુકાના અભૂતપૂર્વ વિકાસ માટે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. મોટુ અદ્યતન બસ સ્ટેશન બનાવવામાં આવે તો વિકાસને નવી દિશા મળશે. માત્ર બસ સ્ટેશન નહી પરંતુ બસોના રિપેરીંગ માટે વર્કશોપ ડેપો પણ બનાવવા ભલામણ કરી હતી. વિભાગીય નિયામક મહેસાણાની પાંચ મહિના પછી ઉંઘ ઉડી છે જેથી હવે કલેક્ટરશ્રી સમક્ષ ૫૦૦૦ ચોરસ મીટર જમીનની માગણી કરાઈ છે. જોઈએ હવે કલેક્ટરશ્રી ક્યારે જમીન ફાળવે છે? કદાચ આગામી ૨૦૨૭ ની વિધાનસભા પહેલા જમીન ફાળવાય તો સારુ કહેવાશે. કારણ કે જ્યાંથી કોઈ આર્થિક લાભ ન હોય તેવી ફાઈલો સરકારમાં ઝડપથી ચાલતી નથી તેવી ચર્ચા સાચી ન પડે તો સારુ કહેવાશે.